1 August 2018

વિજલપોરમાં ઢગલાબંધ લારીઓ નડતરરૂપ પણ 4 જ ઉઠવાઇ


વિજલપોર પાલિકાની સામાન્ય સભામાં નારાજ થઇ હાજર નહીં રહેલા ભાજપી અસંતુષ્ટ કોર્પોરેટરની લારી ઉઠાવતા મંગળવારે અસંતુષ્ટ કોર્પોરેટરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આખરે પૂન: યથાવત સ્થળે જ લારી ગોઠવાઇ ગઇ હતી.

વિજલપોર નગરપાલિકાની સોમવારે મળેલી સામાન્ય સભામાં ભાજપનાં કુલ 33 માંથી 18 કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા, જેમાં મોટેભાગના તેમની અવહેવલા કરાતી હોય નારાજ થઇ ગેરહાજર રહ્યાં હતા. સભામાં ગેરહાજર રહ્યાનો વેરભાવ રાખી એક મહિલા અસંતુષ્ટ કોર્પોરેટર લક્ષ્મીબેન રામજીભાઇ ટુંડીયા અને તેમના સંબધીની રેલવે ફાટક નજીકની ચારેક લારી સભા પત્યા બાદ પાલિકા તંત્રએ ઉઠાવી લીધી હતી. લારી ઉઠાવી લેવાનો પડઘો મંગળવારે પડ્યો હતો.

મંગળવારે સવારે જ અસંતુષ્ટ કોર્પોરેટરોનો એક સમૂહ કોંગ્રેસી કોર્પોરેટર ગંગાધર શુક્લા, સાથે પાલિકા કચેરીએ પહોંચ્યો હતો. પાલિકા કચેરીએ પહોંચી ત્યાં હાજર પાલિકા પ્રમુખ જગદીશ મોદી, શહેરભાજપ પ્રમુખ મુકેશ કાનગુડે અને ચીફ ઓફિસર કિશોર જોષી સમક્ષ ભારે હોબાળો મચાવ્યો હતો. અસંતુષ્ટ કોર્પોરેટરોનું કહેવું હતું કે 35 વર્ષથી ઉભી લારી એકાએક કેમ ઉઠાવાઇω જો નડતરરૂપ લારી હોવાનાં કારણ હેઠળ 4 લારી 15 મિનીટમાં ઉઠાવાતી હોય તો 4 કલાકમાં શહેરની તમામ લારીઓ ઉંચકી લો!’ શાસકોએ લારી વિરૂદ્ધ ફરિયાદ હોવાની વાત કરી બચાવ કર્યો તો તેની સામે પણ અસંતુષ્ટોએ ખરી ખોટી સંભળાવી હતી. આખરે પાલિકાએ ઉઠાવેલ લારીઓ મંગળવારે જ આપી દીધી હતી અને રેલવે ફાટક પાસે જ જે તે સ્થળે સાંજે ગોઠવાયેલી પણ જોવા મળી હતી.

પાર્ટીને ગેરહાજરીની જાણ કરાઇ 
વિજલપોર પાલિકાની સોમવારની સામાન્ય સભામાં ભાજપનાં જ કુલ 33 માંથી 18 સભ્યો ગેરહાજર રહ્યાં હતા. જેમાનાં મોટેભાગના એ નારાજ થઇ એકસાથે ગેરહાજર રહેવાનો નિર્ણય લેતાં પક્ષની આબરૂનાં ધજાગરા ઉડ્યા હતા. આ મુદ્દે પાલિકા પ્રમુખ જગદીશ મોદીએ જણાવ્યું કે સભામાં ગેરહાજર પક્ષના કોર્પોરેટaરની જાણ મોવડીમંડળને કરાઇ છે. પક્ષે હવે નિર્ણય લેવાનો છે.