3 August 2018

મધરાતે પોલીસ મથકે લોકટોળું એકત્ર થયું બાદ વિજલપોરના 2 કાઉન્સિલરને જામીન


વિજલપોર નગરપાલિકાની સભામાં ભાજપના અનેક સભ્યો ગેરહાજ રહ્યા હતા. આ સભ્યો ગેરહાજર રહેવા પાછળ સભ્યોમાં નારાજગી હોવાનું બહાર આવ્યું હતુ. ત્યાર બાદ પાલિકાના ગેરહાજર અને અસંતુષ્ટ સભ્યોની લારી ઉઠાવી લેવામાં આવી હતી. આ બાબતે કોર્પોરેટરોએ સેનેટરી અધિકારીને ધમકી આપતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. વિજલપોરનાં બે કોર્પોરેટરોની બુધવારે સવારે ધમકી પ્રકરણે ધરપકડ થયા બાદ મોડે સુધી જામીન ન અપાતાં વિજલપોર પોલીસ મથકે મધરાત્રી સુધી લોકટોળા ભેગા થયા હતા અને હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જોકે રાત્રે 12.30 વાગ્યાનાં અરસામાં પોલીસે જામીન આપતા વિવાદનો અંત આવ્યો હતો.

અધિકારીને ધમકી આપતા બે કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી હતી

વિજલપોર પાલિકાનાં સેનેટરી અધિકારી મોહન આહીરને રેલવે ફાટક નજીકની લારીઓ ઉઠાવવાનાં મુદ્દે પાલિકાનાં બે ભાજપી કોર્પોરેટરો જ્યોતિ રાજભર અને ઇન્દ્રજીતસિંહ રાજપૂતે ફોન ઉપર ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ થઇ હતી. આ ફરિયાદ સંદર્ભે બુધવારે સવારે બંને કોર્પોરેટરોની પોલીસે ધરપકડ કરી હતી. સવારે ધરપકડ થયા બાદ બપોર બાદ ચારેક વાગ્યાનાં અરસામાં જામીન મળી જશે એવી વાત બહાર આવી હતી. જોકે ચાર વાગ્યે તો ઠીક સાંજે સાતથી આઠ વાગ્યા સુધી જામીન ન મળતા ધરપકડ કરાયેલા કોર્પોરેટરોનાં ટેકેદારોની ધીરજ ખૂટવા લાગી હતી.

મધ્યરાત્રિએ જામીન મુકત કરવામાં આવ્યા
મોટી સંખ્યામાં ટેકેદારો શહેરનાં શિવાજી ચોક, વિઠ્ઠલ મંદિર સહિતના વિસ્તારો ઉપરાંત વિજલપોર પોલીસ મથકે પણ ભેગા થવાની શરૂઆત થઇ હતી. જેમ જેમ લોકટોળા વધુને વધુ ભેગા થઇ રહ્યાં હતા તેમ તેમ તંત્રદિલીમાં વધારો થઇ રહ્યો હતો. મધરાત્રીએ 12.30 કલાક થઇ ગયા હોવા છતાં લોકસમૂહ પાછીપાની કરવા તૈયાર ન હતો. આખરે મધરાત્રે 12.30 કલાકનાં અરસામાં પોલીસે કોર્પોરેટરો જ્યોતિ રાજભર અને ઇન્દ્રજીતસિંહ રાજપૂતને જામીન ઉપર મુક્ત કર્યા હતા. મુક્ત થયેલ બંને કોર્પોરેટરોને તેમનાં સમર્થકોએ વિજયી થયા હોય એમ વધાવી લીધા હતા.

અસંતુષ્ટ ભાજપીઓ સામે વેરભાવ ?
ધરપકડ કરાયેલા કોર્પોરેટરોને જામીન ઉપર મોડા મુક્ત કરવામાં પાછલા બારણેથી રાજકીય ખેલ ખેલાયો હોવાનું અસંતુષ્ટ ભાજપી કોર્પોરેટરો અને તેમનાં ટેકેદારોનું માનવું છે.

પહેલાં તો સામાન્ય સભા પત્યા બાદ તુરંત કોર્પોરેટરની લારી ઉઠાવવી અને આ પ્રકરણ બાદ જામીન આપવામાં પણ પોલીસનાં ઠાગાઠૈયામાં પાછલા બારણે ખેલ ખેલાયો હોવાનું ગત રાત્રે ઉપસ્થિત લોકોનું માનવું હતુ. એ અલગ બાબત છે કે સ્થિતિ વધુ વણસે તે પહેલાં રાત્રે જ જામીન ઉપર કોર્પોરેટરો મુક્ત થયા હતા.

વિજલપોર ભાજપ પ્રમુખ સહિત ત્રણને બદલો, ભાજપ કાર્યાલયમાં મોવડીમંડળને રજૂઆત
વિજલપોર પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ બદલવાની માંગ મોવડીઓ સમક્ષ ભાજપી અસંતુષ્ટોએ કરી હતી. વિજલપોર પાલિકામાં સત્તાધીશ ભાજપમાં રીતસર ભડકો થયો છે. પક્ષનાં કુલ 33 માંથી બહુમતી કોર્પોરેટરો નારાજગી બતાવી સોમવારની સામાન્ય સભામાં ગેરહાજર રહ્યાં હતા. બાદમાં અસંતુષ્ટ કોર્પોરેટરની લારી ઉઠાવવી અને બે કોર્પોરેટરોને જામીન મળવામાં થયેલા વિલંબ બાદ તો અસંતુષ્ટ કોર્પોરેટરોમાં નારાજગી વધી છે. આ નારાજગી વચ્ચે જ આજે ગુરૂવારે સવારે પક્ષના નવસારી કાલીયાવાડી સ્થિત જિલ્લા કાર્યાલય ‘કમલમ’ ખાતે અસંતુષ્ટ કોર્પોરેટરોએ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલ, મહામંત્રી ભુરાલાલ શાહ સાથે બેઠક કરી હતી. આંતરિક આધારભૂત સૂત્રમાંથી મળતી માહિતી મુજબ અસંતુષ્ટ કોર્પોરેટરોએ પોતાની રજૂઆતો કરી હતી.

જેમાં એક રજૂઆત પાલિકા પ્રમુખ જગદીશ મોદી, કારોબારી ચેરમેન પ્રકાશ પાટીલ અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ કાનગુડેને બદલવાની હતી. જોકે પાલિકાની નવી પાંખ અસ્તિત્વમાં આવ્યાને માંડ ચાર-પાંચ મહિના થયા હોય આ માંગ મોવડીમંડળે કાને ધરી ન હતી. અસંતુષ્ટોએ આ ઉપરાંત તેમની પાલિકામાં કરાતી સતત અવગણના સહિતની ફરિયાદો પણ કરી હતી. જેને મોવડીઓએ સાંભળી હતી.

બેઠક અંગે જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું કે, ‘વિજલપોરનાં બારેક કોર્પોરેટરોને સાંભળ્યા છે, કામ બાબત સહિતની રજૂઆત તેઓએ કરી હતી. જોકે પાર્ટી સાથે જ છે અને રહેવાનાં છે એવી વાત પણ તેઓએ કરી હતી. પછી બેઉ પાર્ટીને બોલાવી લીધી હતી અને હવે કોઇ પ્રશ્ન રહેતો નથી.’