10 August 2018

અગ્રવાલ કોલેજના વિવાદીત કારભારની તપાસ શરૂ


નવસારીની એસ. એસ. અગ્રવાલ કોલેજના વિવાદિત કારભારને લઈ એક સામાજીક કાર્યકરે મુખ્યમંત્રીને તબક્કાવાર ફરિયાદ કરી હતી. આ ફરિયાદને અનુસંધાને મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા આ સમગ્ર પ્રકરણમાં તપાસ હાથ ધરી રીપોર્ટ કરવા માટે અગ્ર સચિવને આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.

સામાજીક કાર્યકરે રાજ્યના મુખ્યમંત્રીને કેટલાક તબક્કાવાર મુદ્દાઓને ટાંકી કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવસારીની એસ. એસ. અગ્રવાલ કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવતા પ્રોફેસરોની જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તેમાં કેટલીક વિગતોને છુપાવવામાં આવી છે. અહીં ફરજ બજાવતા પ્રોફેસરોને માસિક પગારની સ્લીપ પણ આપવામાં આવતી નથી. એટલે ખરેખર પગાર શું નક્કી થયો છે અને શું ચૂકવાય છે તે સાચી માહિતી ત્યાં ફરજ બજાવતા પ્રોફેસરો પાસે પણ લેખિતમાં નથી.

મહત્ત્વનું એ છે કે આ કોલેજમાં જે સરકારી ધારાધોરણ મુજબ દરેક વિભાગ પ્રમાણે અલગ-અલગ વિભાગો દર્શાવવાના રહે છે. તે આ કોલેજમાં સરકારના નીતિ નિયમ પ્રમાણે છે કે કેમ તે પણ ચકાસવાની જરૂર છે. જ્યારે પણ ઉચ્ચ કક્ષાએ તપાસ કે ઈન્સ્પેક્શન આવે ત્યારે એમ.બી.એ./એમ.સી.એ. ના વિભાગને પણ એન્જીનીયરીંગ કોલેજના વિભાગમાં ધાકપીછોડો કરતા હોવાના આક્ષેપ પણ કર્યા હતા. એસ. એસ. અગ્રવાલ કોલેજમાં મેડીકલનો ક્વોટો મેળવવા માટે બોગસ રીતે કેસ પેપરો અને દર્દીઓ ઉભા કરાયા હોવાના આક્ષેપ કર્યા હતા. સરકાર દ્વારા જે ધારા ધોરણો મેડીકલ કોલેજો માટે જાહેર કરાયા છે, તે ધારા ધોરણો સર કરવા માટે મોટો ખેલ ભજવાયો હતો. તે દરમિયાન એ માટેની તપાસ માટે સંબંધિત વિભાગના અધિકારીઓ આવ્યા હતા. તે સમયે પણ સ્ટાફ/પ્રોફેસરોને જ દર્દીઓ બનાવી નાટક ભજવાયું હતું. તે જ પ્રમાણે કોલેજમાં હોમિયોપેથીક, નર્સિંગ અને ફિઝીયોથેરાપી આ ત્રણ વિભાગોમાં પણ આજ રીતેના ગોટાળા ભોપાળા કરાયા હોવાના પણ આક્ષેપ કર્યા હતા.

જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી ઉચ્ચારી હતી
અગ્રવાલ કોલેજને શરૂ કરવા માટે પરવાનગી તેમજ કોલેજ માટેના બાંધકામની પરવાનગી કઈ રીતે અપાઈ તે એક તપાસનો વિષય છે. કારણકે સ્થળ ઉપર જે રીતનું કોલેજનું બાંધકામ છે તે જોતા જી.ઈ.બી. વિભાગની મુખ્ય હાઈટેન્શનલાઈન પસાર થાય છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે પરવાનગી આપવાવાળા જવાબદાર અધિકારીએ સ્થળ સ્થિતીની ચકાસણી કરવા વિના જ પરવાનગી આપી દીધી હશે. જે રીતે પરવાનગી કોલેજના બાંધકામ માટે લેવાઈ છે, તેનાથી સ્થળ ઉપર વિવાદિત બાંધકામ કરાયા હોવાનું પણ ધ્યાનમાં આવે છે.

અહીં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કેટલાક પ્રોફેસરોને કોલેજના ભોપાળા ખબર પડી ગયા હતા અને તેઓએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. જેથી અવાજ ઉઠાવનારા પ્રોફેસરોને યેનકેન પ્રકારે હેરાન-પરેશાન-બદનામ કરી તેમજ એક યા બીજા આરોપો મુકી દરવાજા દેખાડી દેવામાં આવ્યા હતા. આ અગ્રવાલ કોલેજ વિવાદીત રીતે ચલાવી સરકારને ગુમરાહ કરવાની વાતો શહેરમાં ચર્ચાના કેન્દ્રમાં હોવાનું જણાવી આ સમગ્ર પ્રકરણમાં સાચી હકીકત શું છે તેની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે અને તપાસ બાદ કંઈક વિવાદીત અને ગેરકાયદેસર હોવાનું બહાર આવે તો જવાબદાર જે પણ હોય તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગણી ઉચ્ચારી હતી.

સામાજીક કાર્યકરે કરેલી લેખિત ફરિયાદ બાદ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અગ્ર સચિવને આ સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી રીપોર્ટ કરવા આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે ત્યારે આવનારા દિવસોમાં એ તપાસ કઈ દિશામાં થાય છે તે જોવું રહ્યું.

સરકારને ઊંધા ચશ્મા પહેરાવ્યા હોવાનો આક્ષેપ
અગ્રવાલ કોલેજમાં મેડીકલ હોસ્પિટલ અને કોલેજની મંજુરી માટે સરકારી ધારાધોરણ મુજબ અમુક કેસો બતાવવાના હોય છે. તેમાં દર્દીઓની નોંધણી કરવામાં પણ કંઈક રંધાયું હોવાનું જણાવી સરકારને ઊંધા ચશ્મા પહેરાવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. કોલેજ પાસે જે રીતે સરકારની મંજુરી પ્રમાણે જેટલી જગ્યા ફાળવવાની રહે છે, જે તે વિભાગો માટે તેટલી જગ્યા પણ સ્થળ ઉપર નથી.