18 August 2018

નવસારીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં


સુરત-તાપી જિલ્લાના વાલોડ, મહુવા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીથી પસાર થતી પૂર્ણા નદીની સપાટી 21 ફૂટે (ભયજનક 23) પહોંચી જતા તંત્રની દોડધામ વધી ગઈ હતી. નવસારીના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી પ્રવેશી પણ ગયા હતા. નવસારી પંથકમાં છેલ્લા 24 કલાકમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. લગભગ 27 દિવસ બાદ નોંધનીય વરસાદ પડ્યો હતો. શુક્રવારે 10 વાગ્યા સુધી તો પૂર્ણાની સપાટી સાધારણ 10 ફૂટે જ વિરાવળ પુલ નજીક હતી. જોકે 10 વાગ્યા બાદ પૂર્ણાની સૂરત બદલાવા લાગી હતી. બપોરે 3 વાગ્યા સુધીમાં પૂર્ણાની સપાટી 21 ફૂટ પહોંચી હતી.

ગધેવાન, ભેંસતખાડા, બંદરરોડ સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી પ્રવેશ્યા
મળતી માહિતી મુજબ વાલોડમાં રાત્રે 6 કલાકમાં જ પોણા પાંચ ઈંચ મહુવામાં સાડા બે ઈંચ તથા અન્ય ઉપરવાસમાં પણ રાત્રિએ ભારે વરસાદ પડતા નવસારી નજીકથી પસાર થતી પૂર્ણાની સપાટી વધવા લાગી હતી. 10 વાગે જ્યાં 10 ફૂટ સપાટી હતી ત્યાં 12 વાગે 15 ફૂટ અને 3 વાગે તો 21 ફૂટ ઉપર પહોંચી ગઈ હતી. 12 વાગ્યાથી સપાટી વધવા માંડી તથા હજુ વધવાના સંકેત મળતા તંત્રમા દોડધામ વધી હતી. નવસારી પાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં માઈકથી એનાઉન્સ કરી એલર્ટ કરાયા હતા.

સ્થળાંતર કરવું પડે એ સ્થિતિમાં નજીકની શાળા તથા અન્ય મકાનો તૈયાર રખાયા હતા. નદીની સપાટી 20 ફૂટથી 21 ફૂટે પહોંચતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવવાની શરૂઆત થઈ હતી. શહેરના ભેંસતખાડા, બંદરરોડ, ગધેવાન, રંગુનગર, દશેરા ટેકરી નજીકના વિસ્તારમાં પાણી રહેણાંક વિસ્તાર નજીક આવી ગયા હતા. કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયાનું જાણ‌વા મળ્યું છે. સાંજ સુધી શહેરમાં સ્થળાંતર કરવાની નોબત આવી ન હતી. જિલ્લા કલેકટર ડો. મોડિયાએ ડિઝાસ્ટરના કંટ્રોલરૂમમાં આવી સ્થિતિનો તાગ મેળવી દિશાસૂચનો આપ્યા હતા.

20 મિનિટમાં પાણી ફૂલ સ્પીડમાં વધ્યું
અહીં નદીએ 20 મિનિટ પહેલા જ આવ્યો હતો. તે વખતે નદીની સપાટી તેના શૂન્ય લેવલે હતી પરંતુ એ પછી તરત જ ખુબ જ ઝડપથી પાણી નદીમાં આવતું જોયું. આવુ પહેલી જ વખત જોયું જે સ્પીડથી પાણી આવતા જોયું એ ખુબ જ ભયજનક લાગતું હતું. - મિનેષ ડી. પટેલ, વિરાવળ

અહીં વરસાદ નથી છતાં નદીમાં પૂરની સ્થિતિ
પૂર્ણા નદીમાં ખુબ જ ઝડપથી પાણી આવ્યું હોવાની વાત સાંભળતા જ અમે નદીએ પહોંચતા તો ખરેખર અડધો કલાકમાં નદીમાં આખી સ્થિતિ બદલાય ગઈ હતી. બંને કાંઠે નદી ગણતરીની મિનિટમાં વહેવા લાગી હતી. અહીં વરસાદ નથી છતાં નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. - મિહિરકુમાર, વિરાવળ

સ્થિતિ ચિંતાજનક નથી
વાલોડ, મહુવામાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીની સપાટી નવસારીમાં વધી હતી. જોકે બપોર બાદ ત્યાં પણ ખાસ વરસાદ નથી. જેથી પાણી ઉતરી રહ્યા છે. 21 ફૂટે પહોંચ્યા બાદ સપાટી નીચે જઈ રહી છે. હાલના સમયે (સાંજે 7 વાગ્યે) સ્થિતિ ચિંતાજક નથી. સ્થળાંતર પણ થયું નથી. - ડો. એમ.ડી. મોડિયા, કલેકટર, નવસારી