19 August 2018

નવસારીમાં બાઈક પર સ્ટંટ કરનારા યુવાનને પોલીસે પકડી સરઘસ કાઢ્યું


નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં અને લુન્સીકુઈથી ગણદેવી માર્ગ પર મોંઘી ડાટ બાઈકો લઈને યુવાનો ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવતા હોવાની અને જોખમી સ્ટંટ કરતા હોવાની ફરિયાદોને ધ્યાને લઈ નવસારી ટાઉન પોલીસે શનિવારે જોખમી સ્ટંટ કરતા ઝડપાયેલા વાલોડના યુવાનની ધરપકડ કરી એનું સરઘસ કાઢ્યું હતું. જેને લઈને નવસારીમાં ધૂમ સ્ટાઈલે બાઈક ચલાવતા અને સ્ટંટ કરતા યુવાનોને ચેતવણી પણ મળી હતી.

થોડા દિવસો અગાઉ પારસી હોસ્પિટલના સામેના વાજપાઈ ગાર્ડનવાળા રસ્તા પર જોખમી સ્ટંટ કરતા એક યુવાનનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને ગંભીરતાથી લઈ ટાઉન પોલીસે એ યુવાનની તપાસ કરી હતી અને શનિવારે તાપી જીલ્લાના વાલોડના એઝાઝને ઝડપી પાડયો હતો. સ્ટંટમેન એઝાઝ ઝડપાયા બાદ પોલીસે શહેરના અન્ય યુવાનોમાં દાખલો બેસાડવા અને જોખમી સ્ટંટ કરતા અને ધૂમ સ્ટાઈલે બાઈક ચલાવનારા કોઈને પણ બક્ષવામાં ન આવશે એવા સંદેશ સાથે આરોપી યુવાનને દોરડા વડે બાંધી વાજપાઈ ગાર્ડનવાળા રસ્તા પર એનું સરઘસ કાઢ્યું હતું.

બાદમાં જાહેરમાં એની પાસે કાન પકડાવી ઉઠક-બેઠક પણ કરાવડાવી હતી અને ભવિષ્યમાં આવા કરતવો નહીં કરે એવી બાંહેધરી પણ લીધી હતી. શહેરમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને શહેરીજનોએ બિરદાવી હતી, તો યુવાનોમાં પોલીસે સ્ટંટ કરનારાને જાહેરમાં સજા આપતા ડર પણ ફેલાયો હતો.