20 August 2018

નવસારીમાં આહિર સમાજ દ્વારા 636 યુનિટ રક્ત એકત્ર


નવસારી જિલ્લા આહિર સમાજ દ્વારા રવિવારે શ્રી સમસ્ત મતીયા પાટીદાર સેવા સમાજ સાંસ્કૃતિક ભવન નવસારી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતુ. નવસારી રેડક્રોસ માટે કોઇ એક સમાજે આટલા યુનિટ રક્તદાન કર્યું હોય એવી આ પહેલી ઘટના હોવાનું માનવામાં આવે છે.

નવસારી જિલ્લામાં વસતા આહિર સમાજના લોકો વહેલી સવારથી જ મતીયા પાટીદાર સેવા સાંસ્કૃતિક ભવન નવસારી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. સવારે 9 થી 2 વાગ્યા સુધીમાં આહિર સમાજના યુવાનો તથા વડીલોએ ઉત્સાહભેર આ કેમ્પમાં ભાગ લીધો હતો.

એક પછી એક એમ કરીને બપોર સુધીમાં 636 યુનિટ રક્તદાન કેમ્પમાં થયું હતુ. કોઇક સમાજ દ્વારા આટલી મોટી સંખ્યામાં રક્તદાન થયું હોય તેવી આ પહેલી ઘટના હોવાનું માનવામાં આવે છે. આ પ્રસંગે નવસારી જિલ્લા આહિર સમાજના પ્રમુખ બીપીનભાઇ આહીર, આરોગ્ય સમિતિના પ્રમુખ ભીખુભાઇ આહિર સહિત સમાજના આગેવાનોએ આ કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે મહિલા કોલેજના આચાર્ય ડો. પી. એમ. પટેલ, ડો. કે. સી. જૈન (એપલ હોસ્પિટલ) ઉપરાંત ડે. મામલતદાર અશોકકુમાર આહિર, ગાયનેકોલોજિસ્ટ ડો. સુરંગીબેન, શ્રી ઠાકોરભાઇ રણછોડજી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સંજયભાઇ નાયક (ભગત) તથા મહુવા સુગરના ડિરેક્ટર બળવંતભાઇ આહિર સહિત આગેવાનો હાજરી આપી હતી.

મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સફળતા
આહિર સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું અને તેમાં મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. કોઇ સમાજ ધારે તે કરી શકે તેનો આ ઉત્તમ દાખલો છે. સમાજમાં આવા કાર્યક્રમને કારણે સંગઠન મજબૂત બન્યું છે. અન્ય સમાજે પણ આ કેમ્પ થકી એક નવી દિશા મળી છે. ત્યારે આહિર સમાજ આગામી સમયમાં નેત્રદાન અંગે પણ સમાજમાં જાગૃતિ કેળવશે. - સંજય આહિર, નવસારી જિલ્લા આહિર સમાજના મંત્રી