21 August 2018

નવસારીના વાજપેયી શોપીંગ સેન્ટરમાં ગેરકાયદે બાંધકામ


ભારતરત્ન અને મૂઠી ઉંચેરા માનવી વાજપેયીના નામ સાથે જોડાયેલા નવસારી પાલિકાના શોપીંગ સેન્ટરમાં ગેરકાયદે બાંધકામ થયાની ફરિયાદ ઉઠી છે.

નવસારી પાલિકાએ શહેરમાં અનેક શોપીંગ સેન્ટરોનું નિર્માણ કર્યુ છે, જેમાં પારસી હોસ્પિટલ નજીક પણ આશરે 8-9 વર્ષ અગાઉ એક શોપીંગ સેન્ટરનું નિર્માણ કર્યુ હતુ. આ શોપીંગ સેન્ટરને ભારતરત્ન, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના નામ સાથે જોડવામાં આવ્યું છે. શોપીંગ સેન્ટર સાથે વાજપેયીનું નામ જોડાયું છે ત્યાં ગેરકાયદે બાંધકામની ફરિયાદ ઉઠી છે. પાલિકાનાં વિપક્ષી સભ્યો પિયુષ ઢીંમ્મર, પ્રમોદ રાઠોડ, ધવલકીર્તિ દેસાઇએ આજે સોમવારે પાલિકામાં આ અંગેની ફરિયાદ કરી છે.

આ ફરિયાદમાં જણાવ્યું છે કે, શોપીંગ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાનોની સાથે એક જાહેર મુતરડી (શૌચાલય) બનાવવામાં આવી હતી. જ્યાં એક રેસ્ટોરન્ટવાળાએ દિવાલ ઉભી કરી ગેરકાયદે કબજો કરી પાલિકાએ કરેલ બાંધકામમાં ચેડા કર્યા છે. વધુમાં એમ પણ જણાવ્યું છે કે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મહત્તમ દુકાનદારોએ પાછળના ભાગની ખુલ્લી જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરી રસોડા પણ ઉભા કરી દીધા છે. આ કૃત્યોમાં પાલિકાની શરતોને નેવે મૂકાઈ છે. આ અંગે પાલિકાનાં સીટી ઈજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે, 'આ અંગેની ફરિયાદ મને મળી છે. તપાસ કરાશે.'

ભૂતકાળમાં પણ વિવાદ થયો હતો
નવસારીમાં વાજપેયી શોપીંગ સેન્ટરમાં ગેરકાયદે બાંધકામનો વિવાદ પ્રથમવખત નથી, ભૂતકાળમાં પણ થયો હતો. આજથી દોઢ-બે વર્ષ અગાઉ ગેરકાયદે બાંધકામને પગલે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાછળના ભાગનું દબાણ એક દુકાનદારનું હટાવાયું હતુ. પરંતુ અન્યોનું હટાવાયું ન હતુ. પાલિકાએ આ પાછળના રસોડાનાં દબાણ દૂર કરવાની ખાતરી આપી હોવા છતાં હટાવ્યું ન હતુ.

image: GujaratMitra