23 August 2018

જલાલપોરના તબીબ દંપતિના બંધ ઘરમાંથી 7 લાખની ચોરી


નવસારીના જલાલપોર વિસ્તારમાં તબીબ દંપતિનાં બંધ ઘરમાં બુધવારે વહેલી સવારે તસ્કરો નકુચો તોડી ઘૂસી ગયા હતા અને ઘરનાં કબાટમાં મુકેલ 5 લાખ રોકડ અને 2 લાખનાં સોનાનાં ઘરેણા મળી કુલ 7 લાખની માલમત્તા લઇ ભાગી ગયા હતા.

આ અંગે મળતી માહિતી વિગતો મુજબ નવસારીનાં જલાલપોર વિસ્તારમાં ગાંધી બિલ્ડીંગની સામે સ્વાગત કોમ્પલેક્ષ આવેલ છે. આ એપાર્ટમેન્ટના પહેલા માળે તબીબ દંપતિ ડો.અલ્પેશ સુહાગીયા અને તેમની પત્નિ જયાબેન રહે છે. અલ્પેશભાઇ કબીલપોરમાં તબીબી પ્રેક્ટિશ કરે છે અને પત્નિ જયાબેન જલાલપોર ગૌરીશંકર મહોલ્લા વિસ્તારમાં તબીબી પ્રેક્ટિશ કરે છે.

આજે બુધવારે સવારના સમયે તબીબ દંપતિ દવાખાને ગયા હતા અને તેમનો પુત્ર અભ્યાસ માટે ગયો હતો. આ દરમિયાન સવારે 9 થી 12 વાગ્યાનાં સમયે તસ્કરો તેમનાં ઘરનાં દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી ગયા હતા. ઘરમાં પ્રવેશી ઘરમાંનો કબાટનો લોક તોડી તેમાં મુકેલ 5 લાખ રૂપિયાની રોકડ તથા અનેક સોનાના ઘરેણાં લઇ ભાગી ગયા હતા. ઘરમાંથી જે સોનાના ઘરેણાંની ચોરી થઇ તેમાં સોનાનું મંગળસૂત્ર-1, સોનાનું પેન્ડલ-1,ડાયમંડ પેન્ડલ-2, સોનાની બુટ્ટી-3 જોડી, સોનાની ચેઇન-2 નંગ, રૂદ્રાક્ષની માળા-1,સોનાની વીટી-3, સોનાની બંગડી-1,સોનાની લકી-1 મળી કુલ 10 તોલા સોનાનો સમાવેશ થાય છે. 5 લાખ રોકડ અને 2 લાખનાં ઘરેણાં મળી કુલ 7 લાખ રૂપિયાનાં મત્તાની ચોરી થઇ હતી. બપોરે 12.15 વાગ્યાનાં સમયે અલ્પેશભાઇની પત્નિ ડો.જયા સુહાગીયા ઘરે આવતાં નકુચો તૂટેલો હતો. ઘરનાં બેડરૂમમાં સામાન, કબાટ વેરવિખેર જોયો હતો. તપાસ કરતાં રોકડ, ઘરેણાંની ચોરી થયાનું જણાયું હતુ.

આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ડોગ સ્ક્વોડ વિગેરે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ચોરી કરનારા એક યા એકથી વધુ જણ હતા તે અંગે ચોક્કસ જાણકારી મળી ન હતી. પોલીસ વધુ તપાસ કરી રહી છે.