25 August 2018

નવસારીના સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોને હેરાનગતિ


કાર્યક્રમ મોડો શરૂ થયો, ઉપરાંત કેટલાંક ફોર્મ મોડાં આવ્યાં,એક જ સ્થળે જલદી પ્રશ્ન ઉકેલાતા હોવાના દાવા સામે સવાલ ઉઠાવાયા

નવસારી શહેરમાં થોડા મહિના અગાઉ સેવાસેતું કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ. હવે પૂન: આ કાર્યક્રમો આજે શુક્રવારથી શરૂ કરાયા છે. શુક્રવારે શહેરના ત્રણ વોર્ડ 5,6 અને 9 માટેનો સેવાસેતું કાર્યક્રમ નવસારીની દરજીપંચની વાડી ટાટા હોલ નજીક યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરકારની અનેક યોજના અને અનેક વિભાગોનાં કામ હાથ ઉપર લેવામાં આવ્યા હતા. જોકે સ્થળ ઉપર પ્રશ્નોનાં નિકાલ કરવામાં આવતા સેવાસેતું જેવા કાર્યક્રમમાં પણ અરજદારોને આંટા ફેરા કરાતા હોવાની ફરિયાદ ઉઠી છે.જોકે, તંત્ર દ્વારા કાર્યક્રમ સફળ રહ્યાના દાવા કરાયા હતા.

આંટાફેરા જ કરવાના હોય તો સેવાસેતુનો અર્થ શો
આ અંગે નવસારીમાં વોર્ડ નંબર-6 માં આવેલ નૂતન સોસાયટીમાં રહેતા સંજયભાઇ દેસાઇ પણ સેવા સેતુ કાર્યક્રમમાં ગયા હતા. જોકે આ કાર્યક્રમથી તેમને ભારે નિરાશા સાંપડી હોવાનું જણાવ્યું હતુ. સંજયભાઇ દેસાઇએ ‘દિવ્ય ભાસ્કર’ ને જણાવ્યું કે, હું ‘માં કાર્ડ’ માટે આજે ગયો હતો. જ્યાં કાર્યક્રમ મોડો શરૂ થયો હતો. કાર્યક્રમ મોડો શરૂ થયા બાદ પ્રથમ તો ફોર્મ ન હોવાનું જણાવ્યું ફોર્મ આવ્યા તો કહ્યું કે આટલા આટલા ડોક્યુમેન્ટ જોઇશે. લોકો તે ડોક્યુમેન્ટ લઇને ગયા હતા. ત્યારબાદ ટેબલ ઉપરથી અન્યત્ર મોકલ્યા હતા. અન્યત્ર જગ્યાએ ફરી ‘ક્વેરી’ કાઢી અને ઇન્કમટેક્ષના પેપરો રજૂ બતાવવા પડશે એમ કહ્યું. તે રજૂ કર્યા તો સાક્ષી લઇ આવવા કહ્યું! સાક્ષી લઇ ગયા તો સાક્ષીનો આધારકાર્ડ માંગ્યો હતો. આમ અરજદારને આમ તેમ ફંગોળતા જ રહ્યાં હતા. આંટાફેરા જ કરાવતા હતા. માં-કાર્ડ આવકના દાખલા માંગવા બાબતે પણ વ્હાલા દવલાની જાતિ કરાતી હોવાનો આક્ષેપ કરાયો હતો. સંજયભાઇએ એમ પણ કહ્યું કે, જો આ બધા જ આંટાફેરા અને મુશ્કેલી સેવાસેતુમાં પણ થતી હોય તો સેવાસેતુનો અર્થ શો છેω ખરેખર તો સેવાસેતું અંગે યોગ્ય જાહેરાત કરવી જોઇએ. કયા કયા ડોક્યુમેન્ટ જોઇએ છે તે જણાવવા જોઇએ.

મહત્તમ અરજીના નિકાલનો દાવો
જ્યાં એક તરફ સેવાસેતુના કાર્યક્રમમાં સ્થળ ઉપર પ્રશ્નોના કરાતા નિકાલ સામે સવાલ ઉઠ્યા છે ત્યાં બીજી તરફ શુક્રવારનાં કાર્યક્રમમાં મોટે ભાગની અરજીનો નિકાલ કરાયાનો દાવો સરકારે કર્યો છે. સરકારી યાદીમાં જણાવ્યા મુજબ નવસારીના વોર્ડ નંબર 5,6 અને 9 માટેનાં સેવાસેતું કાર્યક્રમ માટે વિવિધ વિભાગોની કુલ 434 અરજીઓ મળી હતી. આ અરજીઓમાંથી 427 અરજીઓનો નિકાલ (હકારાત્મક નિકાલ) કરી દેવાયો હતો. માત્ર 7 અરજી જ પડતર રહી હોવાનું જણાવ્યું છે.

મુશ્કેલી અંગે ફરિયાદ મળી હતી
નવસારીના સેવાસેતું કાર્યક્રમમાં સંજયભાઇ દેસાઇએ મુશ્કેલી અંગે અમને જાણ કરી હતી અને તે સંદર્ભે ઉપસ્થિત અધિકારી, કર્મચારીને તે અંગે ધ્યાન દોર્યુ પણ હતુ. - છાયાબેન દેસાઇ, શાસક પક્ષના નેતા, નવસારી પાલિકા