26 August 2018

રાખડી બાંધી રોજગારી સુરક્ષાની કામના કરાઇ


નવસારીમાં મહિલા સંગઠનની બહેનોએ અસ્થિર રોજગારી મેળવતા લારીવાળા ભાઇઓને રક્ષાબંધને રક્ષા બાંધી તેમના સુખ અને રોજગારીની કામના કરી હતી.

રવિવારનાં રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેનો પોતાનાં સગાભાઇ યા માનીતા ભાઇનાં કલાઇએ રાખડી બાંધી તેમના સુખની કામના કરે છે. બીજી તરફ ભાઇઓ તેમની આ બહેનોની સુરક્ષાની ખાતરી આપે છે. નવસારી પંથકમાં અનેક સંગઠનોની બહેનો જુદી જુદી રીતે રક્ષાબંધનની ઉજવણી કરે છે. પોલીસ વિભાગ, જેલના કેદીઓ, રીક્ષાચાલકોને પણ મહિલાઓ ભાઇ તરીકે રાખડી બાંધતી આવી છે. નવસારીની એક મહિલા સંગઠન વન્ડર વુમન ગ્રુપની બહેનોએ નવસારીના લારીગલ્લાવાળાઓને ભાઇ માની તેમના હાથે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખ્યો હતો.

નવસારીના લુન્સીકુઇ વિસ્તારમાં મોટી સંખ્યામાં લારીવાળાઓ વેપાર કરે છે ત્યાં વન્ડર વુમન ગ્રુપની બહેનો સાંજના સમયે પહોંચી ગઇ હતી. ત્યાં પહોંચી લારી દ્વારા રોજીરોટી મેળવતા ભાઇઓને બેસાડી ગ્રુપની બહેનોએ હાથે રાખડી બાંધી ડીજીટલ ઘડિયાળ આપી મીઠાઇથી મોં મીઠું કરાવ્યું હતુ. બહેનોના આ પ્રેમથી લારીવાળા ભાઇઓ ગદગદીત થઇ ગયા હતા.

આ અંગે વન્ડર વુમન ગ્રુપના ગીતાબેન ત્રિવેદીએ જણાવ્યું કે, ‘રક્ષાબંધને’ લારીવાળા ભાઇઓને રાખડી બાંધી તેમને ખુશી આપવાનો તો અમારો હેતુ છે જ સાથે તેમની ખુશી રોજગારી સાથે જોડાયેલી હોય તેમની રોજગારી (જે અનિયમિત હોય છે) ની સુરક્ષાની કામના પણ કરી હતી.’

અહીં ઉલ્લેખનીય છે કે લારીગલ્લાવાળાની રોજી કાયમી યા સુરક્ષિત હોતી નથી. આ પ્રોગ્રામમાં ગીતા ત્રિવેદી, રાજેશ્રી ખરાડી, નિમીષા પરીખ, આશાબેન મહાબલ સહિત ઘણી બહેનો જોડાઇ હતી.