26 August 2018

વેન્ડર્સ માર્કેટના અભાવે લારીગલ્લાની સમસ્યા


સરકારે લારીવાળાનો ધંધો જળવાય અને નડતરરૂપ જગ્યાએથી લારી દૂર થાય તે માટે વેન્ડર્સ માર્કેટની નીતિ બનાવી છે

આ અંગેની વિગતો જોતાં આખાય દેશમાં લાખો-કરોડો લોકો લારીગલ્લાના વેપાર થકી જ રોજીરોટી મેળવે છે. જોકે આ લારીગલ્લાઓમાંથી ઘણા સલામત યોગ્ય જગ્યાએ નથી, ખાસ કરીને રોડ ઉપર જ (યા લગોલગ) લારીઓ ગોઠવાતાં ટ્રાફિક માટે નડતરરૂપ બને છે.

આ માટે કેન્દ્ર સરકારે પાંચેક વર્ષ અગાઉ લારીગલ્લાવાળાની રોજીરોટી ન છીનવાય અને ટ્રાફિકને નડતરરૂપ પણ ન બને તે માટે ‘વેન્ડર્સ માર્કેટ’ ની પોલીસી બનાવી હતી. આ પોલીસી અંતર્ગત લારીવાળાઓને નડતરરૂપ જગ્યાએથી દૂર કરી બનાવાયેલ ‘વેન્ડર્સ માર્કેટ’ માં જગ્યા આપવાની વાત છે. જ્યાં વેપાર માટે સુવિધા પણ મળી શકે.

નવસારી શહેરમાં પણ દોઢ હજારથી વધુ લારીગલ્લાઓ છે, જેમાં ઘણા રોડ ઉપર (યા રોડને લાગુ) જ છે. જેને લઇને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ટ્રાફિકની સમસ્યાની બૂમરાણ થતા પાલિકા લારી ઉઠાવે છે બાદમાં થોડા દિવસમાં જ લારીઓ ગોઠવાઇ જાય છે. જેને લઇને ટ્રાફિકની સમસ્યા તો યથાવત રહી છે. પરંતુ લારીવાળાઓને માથે પણ રોજી છીનવાઇ જવાનો ભય રહે છે. લારીઓ મામલે લગભગ આખું વર્ષ પાલિકામાં રાજકારણ રમાતું રહે છે. અહીં ઉલ્લેખનીય છે કે વેન્ડર્સ માર્કેટ થકી પાલિકાને લારી વાળા પાસે ભાડું મળી શકે છે. માર્કેટ બનાવવા માટે સરકારમાંથી સહાય પણ મળી શકે છે. આ સ્થિતિમાં વેન્ડર્સ માર્કેટ થકી લારીગલ્લાના વેપાર, ટ્રાફિકની સમસ્યા વિગેરેનું સમાધાન થઇ શકે છે. જોકે આજદિન સુધી અહીંની પાલિકા શહેરમાં વેન્ડર્સ માર્કેટ બનાવી શકી નથી એ હકીકત છે.

નવસારી પાલિકા વેન્ડર્સ માર્કેટ અંગે યોગ્ય પોલિસી બનાવી આગળ વધે તો શહેરની ટ્રાફિક સમસ્યાનો અંત આવે છે. આ સાથે શહેરના કેટલાંક વિસ્તારમાં રસ્તાની પહોળાઇ પણ વધશે.

કમિટીમાં આ કામ લેવાશે
નવસારીમાં ખુલ્લી ત્રણ ચાર જગ્યાએ વેન્ડર્સ માર્કેટ બનાવવાની પાલિકાની વિચારણા છે જ અને આગામી દિવસોમાં કમિટીમાં આ કામ લાવવામાં આવશે.પ્રેમચંદ લાલવાણી, ચેરમેન, એક્ઝી કમિટી, નવસારી પાલિકા

લારીભાડું ઘટાડાશે કે નહી તેની પણ ચર્ચા
નવસારીમાં લારીવાળાઓને લઇ પાલિકાએ કરેલ ભાડાનો મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો છે. ખાસ કરીને શહેરની ત્રણ મુખ્ય જગ્યાએ ખાણીપીણીની લારીમાં 15 રૂપિયાથી 100 રૂપિયા દૈનિક ભાડું કરતાં લારીવાળાએ ભાડા ઘટાડવાની માંગ કરી છે. આ મુદ્દે ભાડા ઘટાડવાની વિચારણા તો પાલિકામાં ચાલી રહી છે પરંતુ નિર્ણય લેવાયો નથી.

વેન્ડર્સ માર્કેટનો પ્રયત્ન થયો પણ જગ્યાનો વિવાદ
નવસારીમાં અહીંની પાલિકાએ વેન્ડર્સ માર્કેટ માટે બિલકુલ જ પ્રયત્ન કર્યો નથી એવું પણ નથી. મળતી માહિતી મુજબ નવસારીની મુખ્ય શાકમાર્કેટની સામે ખુલ્લી જગ્યામાં ટાટા તળાવ પાસે વેન્ડર્સ માર્કેટ બનાવવાનો નિર્ણય કરાયો હતો. તજવીજ પણ હાથ ધરાઇ હતી પરંતુ જગ્યાની પસંદગીનો વિવાદ થતાં આજથી દોઢ-બે વર્ષ અગાઉ પ્રથમ વેન્ડર્સ માર્કેટ બનાવી શકાયું ન હતુ.