27 August 2018

નવસારીમાં ટ્રાફિક ભંગ કરનારને મહિલા પોલીસે રાખડી બાંધી


નવસારીમાં રક્ષાબંધનના દિવસે મહિલા ટ્રાફિક પોલીસે ટ્રાફિકનો ભંગ કરનાર ચાલકોને દંડ ન કરી તેની જગ્યાએ રાખડી બાંધી ભવિષ્યમાં ટ્રાફિક નિયમન કરવાનું વચન લીધું હતું. નવસારી શહેરમાં રક્ષાબંધનના દિવસે ટ્રાફિક નિયમન અનોખી રીતે કરવાનો નિર્ણય ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડે લીધો હતો. સામાન્યત: દરરોજ ટ્રાફિકનો ભંગ કરનારાઓને ટ્રાફિક પોલીસ મેમો આપે છે અને દંડ કરે છે.

જોકે, આજે રક્ષાબંધનના દિવસે અલગ રીતે પોલીસ પેશ આવી હતી. શહેરનાં લુન્સીકુઇ વિસ્તાર ઉપરાંત જુનાથાણા, ટાવર, ખાટકીવાડ વગેરે વિસ્તારોમાં ટ્રાફિક નિયમન માટે મહિલા પોલીસ, મહિલા ટ્રાફિક બ્રિગેડની બહેનોએ રસ્તા ઉપરથી પસાર થતા હેલ્મેટ ન પહેરનારા, ત્રણ સીટ સવારી કરનારા, ચાર ચક્રી વાહનોમાં સીટબેલ્ટ ન બાંધનારા જેવા ટ્રાફિકના ગુના કરનારાઓને રોક્યા તો હતા પરંતુ દંડ કર્યો ન હતો.

મહિલા પોલીસે ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકોને લાગણીવશ થઇ રાખડી બાંધી હતી. સાથોસાથ ભવિષ્યમાં ટ્રાફિક ગુનો ન કરે તેનું વચન પણ લીધું હતુ. સવારે 9 થી 12 સુધી જ 350 દ્રિચક્રી અને 150 ચાર ચક્રી વાહનચાલકોને ટ્રાફિક ભંગ બદલ દંડને બદલે રાખડી બાંધવામાં આવી હતી. પોલીસના અનોખા કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા, પીએસઆઇ રાઓલજી પણ ઉપસ્થિત રહ્યા હતા.

સાથોસાથ ભવિષ્યમાં ટ્રાફિક ગુનો ન કરે તેનું વચન પણ લીધું હતું. 3કલાકમાં જ 350 દ્રિચક્રી અને 150 ચાર ચક્રી વાહનચાલકોને ટ્રાફિક ભંગ બદલ રાખડી બાંધી હતી.