29 August 2018

નવસારીમાં મોટાભાગના માર્ગ વરસાદમાં ધોવાઇ જતાં બિસ્માર : ઠેર-ઠેર ખાડાઓ


નવસારી શહેરના વિવિધ રાજમાર્ગો ચોમાસામાં વરસાદમાં ધોવાઇ જતાં ઠેર ઠેર ખાડા ટેકરાઓથી બિસ્માર બનતા વાહનચાલકોમાં રોષ જોવા મળે છે. મુખ્ય રસ્તા પર વેરવિખેર બનેલા પથ્થરો અને ખાડા-ટેકરાઓથી વાહનચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

નવસારી શહેરમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે વિવિધ મુખ્ય માર્ગો સાથે આંતરિક માર્ગો વરસાદમાં ધોવાઇ જતાં ઠેર ઠેર નાના-મોટા ખાડા ટેકરાઓથી રસ્તાઓ બિસ્માર બન્યા છે. શહેરના પ્રવેશદ્વાર સમાન ટાટા સ્કૂલ- ઝવેરી સડક થઇ જુના થાણા જતા રસ્તા ઉપર ખાડા ટેકરાઓથી  બિસ્માર બન્યો છે.

નવસારી મોટાબજાર કંસારવાડનો રસ્તો, તરોટા બજાર- ગોલવાડ જતો રસ્તો નવસારી એસ.ટી. ડેપો- ચાર પુલ જતા રસ્તા પર પણ ઠેર-ઠેર ખાડા-ટેકરા જોવા મળે છે. સયાજી વૈભવ લાયબ્રેરી- સેન્ટ્રલ બેંક મુખ્યમાર્ગ પણ બિસ્માર હાલતમાં આવી ગયો છે. નવસારી રેલવે સ્ટેશન જતો રસ્તો પણ ઠેર-ઠેર ખાડા ટેકરાથી ઉબડખાબડ બન્યો છે.

ચોમાસામાં બિસ્માર બનેલા વિવિધ મુખ્યમાર્ગો ઉપર ખાડા-ટેકરામાંથી નાના-મોટા પથ્થરો રસ્તા ઉપર વેરવિખેર બનતાં વાહનચાલકો માટે અકસ્માતને નિમંત્રણ મળી રહ્યું છે. નવસારી ટાટા ગર્લ્સ હાઇસ્કૂલ દસ્તુરવાડ તરોટા બજાર જતા રસ્તાની હાલત પણ દયનીય બની છે. રસ્તા પર પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાયેલું રહેતા વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે.

આ ઉપરાંત નવસારી શાકભાજી માર્કેટથી જુનો વાંદરો મહોલ્લો નવસારી હાઇસ્કૂલ જતો રસ્તો પણ તૂટી જતાં વાહનચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. પાલિતાતંત્ર દ્વારા શહેરના વિવિધ બિસ્માર માર્ગોની યોગ્ય મરામત કરવામાં આવે તેવી નગરજનોમાં માંગણી ઉઠવા પામી છે.