30 August 2018

જમાલપોરમાં સ્ટેટ હાઈવે સાંકડો અને ઢોરના કારણે 3 મહિનામાં 6નાં મોત


અંદાજે બે વર્ષ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ વેળા આ સ્પીડબ્રેકર કાઢી નંખાયા બાદ બનાવાયા જ નથી

સામાન્યત: નેશનલ હાઈવે ઉપર વાહનો પૂરપાટ ઝડપે જતા હોય ત્યારે જે અકસ્માતો થાય છે ત્યારે અકસ્માતમાં ભોગ બનનારનું મૃત્યુ થાય છે પરંતુ નવસારી પંથકમાં નવસારી શહેરની લગોલગ આવેલા જમાલપોરમાંથી નેશનલ હાઈવે પસાર થતો નથી અને રાજ્ય ધોરીમાર્ગ જ પસાર થાય છે. આમ છતાં અહીં થતા અકસ્માતો જીવલેણ બની રહ્યા છે. બે દિવસ અગાઉ જ જમાલપોરમાં વધુ એક જીવલેણ અકસ્માત થયો હતો. જેમાં નવસારીથી ઈંટાળવા તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી બાઈક સાથે ભેંસ ભટકાતા બાઈક ઉપર સવાર બંને યુવાનોના મોત નીપજ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં આ એકમાત્ર જીવલેણ અકસ્માત નથી પરંતુ અન્ય પણ થયા છે. સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ દોઢ-બે મહિના અગાઉ બીએમડબલ્યુ કાર સાથે બાઈક ભટકાતા બે જણાંના મોત જમાલપોરમાં થયા હતા. અઢી માસ અગાઉ બી.આર. ફાર્મ નજીક બાઈક અને કાર ભટકાતા એકનું મોત નીપજ્યું હતું. આશરે 3 મહિના અગાઉ મહેન્દ્ર બ્રધર્સની ફેકટરી સામે સાઈકલ અને કાર ભટકાતા સાઈકલ ચાલકનું મોત નીપજ્યું હતું. આ તો તાજેતરના સમયમાં થયેલો જીવલેણ અકસ્માતો છે. ભૂતકાળમાં 6 મહિના 1 વર્ષ અગાઉ પણ લોકોએ આ વિસ્તારમાં જાન ગુમાવ્યા હતા. જીવલેણ અકસ્માતો ઉપરાંત નાના અકસ્માતો તો અવારનવાર થતા રહેતા હોવાનું જમાલપોરના સરપંચ સાજન ભરવાડે જણાવ્યું છે.

આમ જમાલપોરથી પસાર થતો સ્ટેટ હાઈવેનો રેકર્ડ તપાસીએ તો રીતસર આ રોડ અકસ્માત ઝોન જ બની રહ્યો છે. અવારનવાર જીવલેણ અકસ્માતો થતા હોવા છતાં તંત્રએ અકસ્માતો રોકવા કોઈ નક્કર પગલાં લીધાનું જણાયું નથી. જો અકસ્માતો રોકવા નજીકના દિવસોમાં પગલાં ન લેવાય તો આ કથિત ‘અકસ્માત ઝોન’માં વધુ લોકો અકસ્માતનો ભોગ બને અને જાન ગુમાવે તો નવાઈ નહીં.

રજૂઆતો છતાં ‘સ્પીડબ્રેકર’ નહીં...
અમારા ગામની હદમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપર અકસ્માતો થયા ત્યારે અમે ધારાસભ્ય અને માર્ગ મકાન વિભાગમાં ‘સ્પીડબ્રેકર’ મુકવાની માંગણીઓ કરી છે. આમ છતાં હજુ સુધી સ્પીબ્રેકર મુકવા અંગે કોઈ જ પગલાં લેવાયા નથી. સ્ટેટ હાઈવે ઉપર સ્પીડબ્રેકર ન મુકી શકાય તેવી દલીલ થાય છે તો મારો પ્રશ્ન છે કે સાલેજ, ઈંટાળવા વગેરે જગ્યાએથી પણ સ્ટેટ હાઈવે પસાર થાય છે અને ત્યાં સ્પીડબ્રેકર મુકાય છે તો જમાલપોરમાં કેમ નહીં ? સાજન ભરવાડ, સરપંચ, જમાલપોર

ભયજનક અકસ્માતના કારણો
- જમાલપોરમાં ‘સ્પીડબ્રેકર નથી, હતા તે મોદીના આગમન ટાંણે કાઢી નંખાયા હતા.
- રસ્તાની મધ્યમાં ડિવાઈડરો નથી, જો હોય તો વાહનચાલકો શિસ્તબદ્ધ રીતે લાઈનમાં વાહન હંકારે અને ભયજનક ઓવરટેક ન થાય.
- શહેરની હદ પૂરી થતી હોય ગ્રામ્ય હદ શરૂ થતા વાહનચાલકો સ્પીડ વધારે છે.
- રસ્તો પ્રમાણમાં સાંકડો અને વાહનોની અવરજવર વધુ.
- રસ્તા નજીક વધુ રહેણાંક સોસાયટી છે, જ્યાંના લોકોનો રોડ સાથેનો દિવસભર સંપર્ક.
- રોડ ઉપર પાલતુ અને રખડતા ઢોરની અવરજવર.

કાઢી નંખાયેલા સ્પીડ બ્રેકરો પુન: બનાવાતા નથી
નવસારીના ગણદેવી રોડ ઉપર મોટી સંખ્યામાં તથા પૂરપાટ ઝડપે જતા વાહનોની સુરક્ષા માટે સ્પીડબ્રેકરો તો બનાવાયા છે પરંતુ કાયમી રખાતા નથી. વડાપ્રધાન, મુખ્યપ્રધાન જેવા વીવીઆઈપી આવે ત્યારે આ સ્પીડબ્રેકરો કાઢી નંખાય છે. સ્પીડબ્રેકરો કાઢી નંખાય એ તો સમજ્યા પરંતુ મહાનુભાવોના કાર્યક્રમ પતી ગયાના મહિનાઓ (વર્ષથી પણ વધુ) થવા છતાં પુન: સ્પીડબ્રેકરો બનાવાતા નથી.