18 September 2018

નવસારીમાં રખડતા ઢોર માટે કલેક્ટર જગ્યા ફાળવે


નવસારીમાં રખડતા ઢોરના ડબ્બાની જગ્યાનો મામલો આખરે કલેક્ટરાલયમાં ગયો છે. સોમવારે ડબ્બા માટે જગ્યા ફાળવવાની માંગ કરતા કલેક્ટરે તૈયારી બતાવી હોવાની જાણકારી મળી છે.

નવસારીમાં રખડતા ઢોરનો મુદ્દે હાલ ગરમાયો છે. ઢોરને ડબ્બે કરવાની માંગ પ્રબળ થતાં પાલિકાએ શહેરનાં કમેલા રોડ ઉપર વિરાવળને લાગું કચરા ડેપોવાળી જગ્યામાંથી 15 હજાર ચોરસ ફૂટની જગ્યા ફાળવી હતી. જોકે આ જગ્યા સામે સ્થાનિક મુસ્લિમ રહીશોએ ઢોરનો ડબ્બો આવવાની સ્થિતિમાં કોમી તંગદિલી ઉભી થવાની દહેશત સાથે વિરોધ કર્યો છે. જેથી પાલિકા ફરી મુશ્કેલીમાં મૂકાઇ છે.

આખરે આજે સોમવારે શહેરનાં જીવદયા પ્રેમીઓ સાજન ભરવાડ, રજની પટેલ, મહેન્દ્ર દરબાર, કિશોર કબાટવાળા ઉપરાંત સ્વચ્છતાના એમ્બેસેડર વિસ્પી કાસદ વિગેરે જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાને મળ્યા હતાં.

આ પ્રતિનિધી મંડળે રખડતા ઢોરને કારણે પંથકમાં થતી જાનહાનિ, લોકોને પડતી મુશ્કેલી ઉપરાંત મૂંગા પ્રાણીને પણ પડતા કષ્ટને કારણે ગૌચર યા અન્ય જગ્યા ફાળવણી કરવાની માંગ કરી હતી. આ માંગ સાથે કલેક્ટર પણ સહમત થયાનું જાણવા મળ્યું છે. ગૌરક્ષક સાજન ભરવાડે જણાવ્યું કે, નગરપાલિકા જો માંગ કરશે તો જગ્યા ફાળવવાની તૈયારી કલેક્ટરે બતાવી હતી. જેથી અમે પાલિકાનાં ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલે મળી લેખિત માંગ કરવા જણાવ્યું હતું. પાલિકાએ આ માટે તજવીજ શરૂ કરી છે.