2 September 2018

ક્લિન અને ગ્રીન નવસારી પ્રોજેકટ હાથ ધરાયો


નવસારીથી ગણદેવી તરફ જતા રોડ ઉપર એક પછી એક થઈ રહેલા અકસ્માતમાં ત્રણ માસમાં 6 વ્યક્તિના મોતને પગલે નવસારીના કરાટેકા અને નવસારી પાલિકાના સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર વિસ્પી કાસદે અને તેમની ટીમે લોકોના જીવને બચાવવા ‘ક્લીન અને ગ્રીન નવસારી’નું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનમાં રોડ ઉપર જોખમ ઉભુ કરનારાને શોધી કઢાશે.

આ રોડ ઉપર પશુઓની વધી રહેલી હેરાફેરી જીવનું જોખમ ઉભુ કરી રહી છે તો કેટલાક વિસ્તારમાં અકસ્માત માટે ફુલ સ્પીડ અને અંધારપટ તેમજ સ્પીડબ્રેકરનો અભાવ જોવા મળી રહ્યો છે. વિસ્પી કાસદે એ તમામ બાબતોને ધ્યાને રાખી લોકોના જીવ બચાવવા ‘ક્લીન અને ગ્રીન નવસારી’ નામે અભિયાન છેડી સોશિયલ મિડિયામાં તેમાં લોકો વધુને વધુ જોડાય તેવી અપીલ કરી છે. વિસ્પી કાસદે જણાવ્યું હતું કે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ સાથે પણ આ બાબતે ચર્ચા કરી છે. ઉપરાંત ગૌરક્ષકો સાથે પણ ડોર ટુ ડોર બેઠક થઈ રહી છે.

મહત્તમ લોકો આ અભિયાનમાં જોડાય તે માટે પણ તેમણે અનુરોધ કર્યો છે. રખડતા ઢોરને અન્યત્ર ખસેડવા માટેની જગ્યાની શોધખોળ પણ શરૂ કરી દેવાઈ છે. જેથી શહેરમાંથી પણ ઢોરનો ત્રાસ દૂર થાય તેવી શક્યતા છે. વિસ્પી કાસદ સાથે ડો. રાજન શેઠજી, ડો. આશિષ લશ્કરી, જયશીલ શાહ અને રાજુભાઈ દેસાઈની ટીમ કાર્યરત છે.

યુવાનો પોતાના વાહનની સ્પીડ ધીમી રાખે!
યુવાનો ખાસ કરીને પોતાના વાહનો પૂરપાટ ઝડપે હંકારે છે અને પોતાની સાથે અન્ય લોકોના જીવને જોખમમાં મુકી દે છે, તેમ ન કરી યુવાનોએ પોતાના વાહનની સ્પીડ ધીમી રાખવી જોઈએ. લોકોના જીવ બચાવવાના અભિયાનમાં જોડાવા મો. નં. 98253 89179નો સંપર્ક કરવો. - વિસ્પી કાસદ, બ્રાન્ડ એમ્બેસેડર, નવસારી સ્વચ્છતા અભિયાન