5 September 2018

નવસારીમાં દહીં હાંડીની સ્પર્ધામાં ઉભરાટની ટીમ વિજેતા બની


સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળ સંગઠન સતત ત્રીજા વર્ષે નવસારીના લુન્સીકૂઈ મેદાન ખાતે દહીહાંડી મહોત્સવની ઉજવણી અંતર્ગત મટકીફોડ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં 9 ટીમો અને બહેનોમાં વિભાગમાં 3 ટીમોએ ભાગ લીધો હતો. સોમવારે જન્માષ્ટમીના દિને બપોરે 1 વાગ્યા બાદ શરૂ થયેલી સ્પર્ધા મોડી સાંજ સુધી ચાલી હતી. સ્પર્ધા દરમિયાન ભાઈઓની સ્પર્ધામાં વિવાદ પણ થયો હતો.

મળતી માહિતી મુજબ ટાટા બોયઝની ટીમના એક ખેલાડીની ઉંમર 18 વર્ષથી ઓછી (નિયમમાં 18 વર્ષથી વધુ ઉંમર જરૂરી હતી) હોવાનો વાંધો દશેરા ટેકરીની ટીમે લીધો હતો. દશેરા ટેકરીની ટીમને ટાટા બોયઝ ટીમના એક ખેલાડીની ઉંમર 18 કરતા ઓછી જણાઈ હતી. ટુર્નામેન્ટના જે નિયમો જાહેર કરાયા હતા તેમાં 11 નંબરના નિયમમાં 18 વર્ષ કે તેથી વધુ વયના ગોવિંદાઓ જ ભાગ લઈ શકશે એમ જાહેર કરાયું હતું. આ નિયમને ટાંકી દશેરા ટેકરીએ વાંધો લઈ ટાટાની ટીમને ડીસ્કવોલીફાઈડ કરવાની પ્રબળ માગ કરી હતી. થોડો સમય આ બાબતે વાદવિવાદ સમજાવટના પ્રયત્નો ચાલ્યા હતા. અંતે ચકાસણી દરમિયાન ઉક્ત ખેલાડીની ઉમર 18 વર્ષમાં 12 દિવસ ઓછી જણાતા ટાટાની ટીમને ડીસ્કવોલીફાઈડ કરી દેવાઈ હતી.

બીજી તરફ દશેરા ટેકરીની ટીમ સામે પણ ટાટા બોયઝ દ્વારા કેટલાંક વાંધા ઉઠાવાયા હતા. જોકે વાંધા ખાસ ગણકારાયા ન હતા. સ્પર્ધા દરમિયાન મટકીફોડ સ્પર્ધાએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું હતું. ગોવિંદાઓએ મટકીફોડ સ્પર્ધા જીતવા તનતોડ મહેનત કરી હતી. આખરે પુરૂષ વિભાગમાં ઉભરાટની ઈન્ડિયન આર્મીની ટીમ વિજેતા થઈ હતી. જેને 25 હજારનું રોકડ ઈનામ અપાયું હતું. મહિલા વિભાગમાં ટાટા બોયઝની બહેનોની ટીમ વિજેતા થઈ હતી. જેને 5 હજારનું ઈનામ અપાયું હતું. સ્પર્ધાને સફળ બનાવવા ગણેશ સંગઠન મંડળના પ્રમુખ કનક બારોટ, મહામંત્રી ભરત પરમાર સહિતની ટીમ ખડેપગે હાજર રહી હતી.