6 September 2018

29 બાઈક ચોરનારા 2 વિજલપોરમાંથી પકડાયા


આ અંગે મળતી માહિતી મુજબ નવસારી ટાઉન પોલીસની સર્વેલન્સ સ્કવોર્ડના પીએસઆઈ એસ.એફ.ગૌસ્વામી અને સ્ટાફને વાહનચોરી કરતી ગેંગની માહિતી મળી હતી. આ માહિતીના આધારે મૂળત: મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અને હાલ વિજલપોરના આંબાવાડી વિસ્તારમાં રહેતા શૈલા ઉર્ફે શૈલેષ છગનભાઈ ચૌહાણ તથા અન્ય બેની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં તેમનો મિત્ર નાનસિંઘ હૈદરસિંઘ ચૌહાણ (મધ્યપ્રદેશના અલીરાજપુર ગામનો જ) પોતાના ગામમાં ખુલ્લા વાડામાં કેટલાક વાહનો મુકેલા હોવાનું જણાવ્યું હતું. જેના આધારે 1લી સપ્ટેમ્બરે નવસારી ટાઉન પોલીસે ત્યાં જઈ તપાસ કરતા 28 બાઈક મળી આવી હતી અને કબજે કરી હતી. જયાં નાનસિઘનો ભાઈ ગુડ્ડુ હૈદરસિંઘ ચૌહાણ હાજર હતો અને તેની પૂછપરછ કરતા તેનો ભાઈ નનસિંઘ વાહન લે-વેચનો ધંધો કરતો હોય હાલ નવસારી ગયાનું જણાવ્યું હતું.

આ દરમિયાન 4થી સપ્ટેમ્બરે પોલીસની સર્વેલન્સ સ્ક્વોર્ડને નાનસિંઘ અને અન્ય એક શખ્સ નવસારીના વિરાવળ નાકા પાસેથી પસાર થવાની મળેલી બાતમીના આધારે વોચ રાખી હતી. તે દરમિયાન એક નંબર વગરની કાળા કલરની સ્પ્લેન્ડર બાઈક આવતા તેને ઉભી રાખી હતી. બાઇક ચાલકે તેનું નામ નાનસિંઘ અને પાછળ બેસેલાએ તેનું નામ શૈલા ઉર્ફે શૈલેષ છગનભાઇ (અગાઉ પૂછપરછ કરેલી તે) હોવાનું જણાવ્યું હતું. બાઈકચાલકો પાસે બાઈકના કાગળઓ ન હતા. જેની તપાસ કરતા બાઈક નવસારી ટાઉનમાં સી.આર. પાટીલ સંકુલ નજીકથી દોઢ મહિના અગાઉ જ ચોરી કરેલી હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં તેમણે કેટલાક સહઆરોપેઓ સાથે મધ્યપ્રદેશથી ચોરી કરેલા વાહનો પણ અલગ અલગ જગ્યાઓથે ચોરી કર્યાનું જણાવ્યું હતું. જેથી બંનેની અટક કરી મુદ્દામાલ કબજે લીધો હતો.

ઝડપાયેલા બે આરોપીઓને નવસારી કોર્ટમાં રજૂ કરતા 10મી સપ્ટેમ્બર સુધીના પાંચ દિવસના રિમાન્ડ મળ્યા છે. પોલીસને મળેલી માહિતી મુજબઅ આ બાઈકચોરોની કુલ 5ની ગેંગ છે. જેમાં 2 ઝડપાયા છે અને 3 સહઆરોપી ઝડપાવાના બાકી છે. આરોપીને પોલીસે કેટલાક વિસ્તારમાં ફેરવી ઉઠકબેઠક કરાવી હતી અને બાઈક ચોરી કરી હોવાની જાણકારી આપી લોકોમં જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

નવસારી જિલ્લાની 9 બાઈક
નવસારી ટાઉન પોલીસે કુલ 29 બાઈક કબજે કરી છે. જેમાં નવસારી જિલ્લાની 9 બાઈક છે. જેમાં સ્પ્લેન્ડર પ્લસ (નં. જીજે-21-બીએચ-6323), સ્પ્લેન્ડર પ્લસ (નં. જીજે-21-બીએફ-6009), સ્પ્લેન્ડર પ્લસ (નં. જીજે-21-એબી-3891), પલ્સર (નં. જીજે-21-બીડી-9349), હોન્ડા શાઈન (નં. જીજે-21-એન-5912), સ્પ્લેન્ડર (નં. જીજે-21-એસી-8560), ડીસ્કવર (જીજે-21-એપી-7186), સ્પ્લેન્ડર પ્લસ (નં. જીજે-21-એઆર-9287) અને સ્પ્લેન્ડર પ્લસ (નં. એએફ-7691)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરત શહેર, બરોડા શહેર અને રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાંથી પણ ચોરાયેલી બાઈક છે.

મધ્યપ્રદેશનું અલીરાજપુર ચોરીનું હબ
જે બે આરોપીઓ પકડાયા છે તેઓ બંને મૂળત: મધ્યપ્રદેશના અલીરાજપુરના છે. મળતી માહિતી મુજબ અલીરાજપુર બાઈકચોરી અને ઘરફોડી ચોરી કરનારા માટે મહત્ત્વનું સ્થાન છે. ઢગલાબંધ નંબર વગરની બાઈક તો ત્યાંના પોલીસ મથકમાં જોવા મળે છે. જીજે-21 વાળી બાઈક ત્યાં ફરતી હોવાનું કહેવાય છે.

5-6 હજારમાં બાઈકનું વેચાણ
આરોપીઓ ગુજરાતમાં વિવિધ સ્થળેથી ચોરેલી બાઈકોને મધ્યપ્રદેશમાં જઈ 5-6 હજાર રૂપિયામાં વેચી રોકડી કરી લેતા હતા. આજ રીતે મધ્યપ્રદેશમાં ચોરેલી બાઈકોને ગુજરાતમાં વેચી દેતા હતા. મોટી સંખ્યામાં બાઈકો વેચી દેવાઈ છે ત્યારે આ બાઈકો ક્યાં વેચાઈ છે તે માહિતી મેળવવી પણ પોલીસ માટે મહત્ત્વનું બન્યું છે.

રાત્રે ચોરી અને બપોરે વેચાણ
બાઈકચોરોનું ચોરીનું નેટવર્ક ખુબ જ ઝડપી હતું. રાત્રે નવસારી પંથકમાંથી બાઈકચોરી કરી રાત્રે ત્રણ વાગ્યે જ મધ્યપ્રદેશ જવા નીકળી જતા હતા, ત્યાં બપોરે બારેક વાગ્યે પહોંચી કેટલીય વખત એક વાગ્યે તો બાઈકો વેચી પણ દેવાતી હતી.