7 September 2018

‘રખડતા ઢોર પકડો નહીં તો પાલિકામાં છોડશું’


નવસારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા છેલ્લાં કેટલાય સમયથી છે. શહેરનાં મહત્તમ માર્ગો ઉપર રખડતા ઢોર લગભગ આખો દિવસ અડીંગો જમાવતા જોવા મળ્યા છે. ચાર-પાંચ માણસે જીવ પણ ગુમાવ્યા છે છતાં હજુ સુધી અહીંની પાલિકાએ નક્કર પગલા ન લેતા અને સમસ્યા યથાવત રહેતા શહેરનાં જાણીતા નાગરિકો વિસ્પી કાસદ, ડૉ. રાજન શેઠજી, ગીતા ત્રિવેદી, ગૌતમ દેસાઈ, હેમંત દેસાઈ સહિત બુદ્ધીજીવીઓનો સમુહ ગુરૂવારે નવસારી પાલિકા કચેરીએ પહોંચ્યો હતો.

શહેરનાં જાગૃત નાગરિકોએ પાલિકામાં પ્રથમ ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ અને બાદમાં પાલિકા પ્રમુખ કાંતિભાઈ પટેલને રખડતા ઢોર પ્રશ્ને ઉચ્ચસ્તરે રજૂઆતો કરી હતી. પાલિકામાં લગભગ દોઢ કલાક આ મુદ્દે શહેરનાં જાગૃતોએ સત્તાધીશોને ખરી ખોટી સુનાવી સમસ્યા હલ કરવાની પ્રબળ માંગ કરી હતી. ગીતા ત્રિવેદીએ કહ્યું કે માર્ચ મહિનામાં લેખિત આવેદન આપવા છતાં કોઈ જ પગલા લીધા નથી. હવે પગલા ક્યારે લેશો કેટલાકે તો કહ્યું કે ચાર-પાંચ જણાએ તો જીવ ગુમાવ્યા છે, શું વધુ લોકો જીવ ગુમાવે તેની રાહ જોવાય છે? પાલિકા પ્રમુખે ખડસુપા પાંજરાપોળ તથા સુરતમાં ઢોર ન લેવાતા મુશ્કેલી સર્જાઈ હોવાનું જણાવી ઢોર ન પકડાતા હોવાની વાત કરતાં કેટલાક લોકોએ કહ્યું કે અમે જગ્યા આપીએ, અમારી પાસે ફંડ પણ છે, તો કેટલાકે પરખાવી દીધું કે અમે ટેક્ષ ભરીએ છીએ, અમારું કામ સમસ્યા જણાવવાનું છે, હલ તમારે લાવવાનો છે. વાદવિવાદમાં રજૂઆત કરનારાઓએ 10 દિવસમાં પગલા લઈ હલ કાઢવા પ્રમુખ પાસે ખાતરી માંગતા પ્રમુખે કહ્યું કે 10 દિવસમાં હલ શક્ય નથી. પ્રમુખની વાત સાંભળતા રજૂઆત કરનારાઓમાં આક્રોશ વ્યાપી ગયો હતો.

પાલિકામાં ચાલેલ ઘમાસણ દરમિયાન રખડતા ઢોરની સમસ્યા વકરવા માટે ઘણા લોકોની ઢોરને ખાવાનું આપવાની નીતિ જવાબદાર હોવાનું, સમસ્યાના હલ કરવા રબારી-ભરવાડ સમાજ સાથે બેઠક કરવાની ચર્ચા પણ થઈ હતી. અંતમાં એક્ઝીક્યુટીવ કમિતી ચેરમેન પ્રેમચંદ લાલવાણીએ વિરાવળ વિસ્તારની કચરા ડેપોની જગ્યામાં ઢોરનો ડબ્બો બનાવવાનું કામ શુક્રવારની કમિટીમાં લેવાયું છે. કમિટીમાં કામ પસાર થતાં ડબ્બાની કામગીરી શરૂ કરી દેવાની હૈયા ધરપત આપતા મામલો ટાઢો પડયો હતો. 

તો પાલિકામાં ઢોર મૂકી જઈશું..
નવસારી પાલિકામાં રખડતા ઢોર મુદ્દે ચાલેલી ચર્ચામાં પ્રમુખ યા અન્ય સત્તાધીશો પ્રશ્ન ક્યારે હલ થશે તેની ચોક્કસ મુદતમાં ખાતરી આપી શકતા ન હતા. ઢોરનો ડબ્બો ક્યાં બનાવાશે, ઢોરનો પ્રશ્ન હલ કરવામાં પડતી મુશ્કેલી વિગેરેનું ગાણું ગવાઈ રહ્યું હતું. ત્યારે કેટલાક લોકોની ધીરજ ખૂટી ગઈ હતી અને પાલિકા સત્તાધીશોને ચીમકી આપી દીધી હતી કે ઢોરની સમસ્યા હલ ન થશે તો અમે રખડતા ઢોર પકડી પાલિકા પટાંગણમાં મૂકી જશું!

ફરી જયશંકર પ્લોટ સામેની જગ્યાએ નજર,પણ... 
નવસારીમાં અગાઉ જયશંકર પાર્ટી પ્લોટ સામેના પાલિકાનાં પ્લોટમાં ઢોર રાખવાની તજવીજ પાલિકાએ આરંભી હતી. પરંતુ અહીંના પોશ વિસ્તારનાં લોકોએ ભારે વિરોધ કરતાં તે જગ્યા પડતી મૂકાઇ હતી. આજે ગુરૂવારે ફરી એ જ ખૂલ્લી જગ્યા બતાવાતા લોકોએ ત્યાં હાલ ઢોર મુકવાની માંગ કરી હતી. જોકે ઉક્ત વિસ્તારના નગરસેવક ધવલ દેસાઇએ સ્થાનિકો વિરોધ કરતા હોઇ તે જગ્યાએ ડબ્બો ન બનાવવાની દલીલ કરી હતી. જોકે ધવલ દેસાઇ સામે રજૂઆત કરનારા રીતસર તૂટી પડ્યા અને સહકાર આપવાની વિનંતી કરી હતી. જેના જવાબમાં દેસાઇએ કહ્યું કે મારો વ્યક્તિગત વિરોધ નથી પરંતુ મારા વિસ્તારના લોકો જો વિરોધ કરશે તો હું પણ તેમની પડખે જ રહીશ!

ભાસ્કરના અહેવાલથી મન બનાવ્યું.
શહેરમાં એક વૃધ્ધ મહિલા શાકમાર્કેટમાં મૃત્યું પામી ત્યારે રખડતા ઢોર પ્રશ્ને કંઇક કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ હાલમાં જ બે છોકરા મૃત્યું પામ્યા અને તે બાબતે ‘દિવ્ય ભાસ્કરે’ ઢોરને કારણે લોકોનાં મૃત્યુ અંગે જે અહેવાલ પ્રસિધ્ધ કર્યો અને આ પ્રશ્ને ઇનીશીએટીવ લીધો તેની મારા મન ઉપર અસર થઇ અને અહેવાલ બાદ જ આ પ્રશ્ન ઉગ્ર રીતે હાથ ઉપર લઇ રજૂઆત કરવાનું મન બનાવી લીધું હતું. વિસ્પી કાસદ