8 September 2018

નવસારીમાં વધુ લારીઓ ગોઠવાઈ ગઈ!


નવસારી નગર પાલિકાએ ગયા વર્ષે લારી ગલ્લા હટાવ ઝૂંબેશ શરૂ કરી હતી. યાદ રહે કે પાલિકાના ચોપડે તો ફક્ત ૪૦૦ લારી-ગલ્લાની નોંધણી થયેલી છે, તેની સામે આજે પણ નવસારીમાં ચાર હજારથી વધુ લારી-ગલ્લાનું જંગલ જોવા મળી રહ્યું છે.

નવસારી નગર પાલિકાએ ગયા વર્ષે પ્રેમચંદ લાલવાણીના નેજા હેઠળ લારી ગલ્લા હટાવ ઝૂંબેશ હાથ ધરાઈ હતી. પરંતુ એ ઝૂંબેશ આજે હર્થહિન બની ગઈ છે. ફરીથી નગરમાં ઠેર ઠેર લારી ગલ્લા ગોઠવાઈ ગયા છે. નવસારી ચોમેર ફેલાયું છે અને વિશેષત: ખાણી પીણીની લહેજત લોકો વધુ માણતા થયા છે, તેથી પાલિકાના વિસ્તારના તમામ ખૂણે લારી ગલ્લાનું સામ્રાજ્ય હોવા છતાં તેમાંથી માંડ ૧૦ ટકા જ લારી ગલ્લા નોંધાયેલા છે એટલે તેની આવક પાલિકાની તિજોરીમાં જમા થાય છે.

જ્યારે બાકીના લારી ગલ્લાના વણનોંધાયેલા ગેરકાયદે ચાલતા હોવાને કારણે તેની કેટલી આવક તિજોરીમાં જતી હશે અને કેટલી બારોબાર ઉપડી જતી હશે, એ તો પાલિકાના કારભારીઓ જ જાણે.

જો આ લારી ગલ્લાનું દૂષણ દૂર થઈ શકે એમ ન હોય તો તેની નોંધણી કરીને તેને કાયદેસર કરી દેવા જોઈએ કે જેથી તેની આવક પાલિકાની તિજોરીમાં આવતી થાય. એમ પણ પાલિકામાં ગેરકાયદે બાંધકામોને ઈમ્પેક્ટ ફી લઈને કાયદેસર કરવાની ઝૂંબેશ ઘણી વખત હાથ ધરાતી જ હોય છે, તો આ લારી ગલ્લાને પણ એ જ રીતે કાયદેસર કરીને પાલિકાએ આવક વધારવાની જરૂર છે. જો પાલિકા એમ કરવા માંગતી ન હોય તો કડક હાથે આ દૂષણને ડામી દેવાની જરૂર છે.

લારી ગલ્લાની ઝૂંબેશની કડક અમલવારી થશે
નવસારી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ પ્રેમચંદ લાલવાણીએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા થોડા દિવસો અગાઉ લારી-ગલ્લા હટાવ ઝૂંબેશ હાથ ધરાઈ હતી. પરંતુ તે ઝુંબેશમાં ઢીલાશ રખાતા શહેરના ઘણાં વિસ્તારોમાં વધુ લારીઓ ખોટકાઈ ગઈ છે. તે બાબત હાલ મારા ધ્યાન પર આવી છે. આ ઝુંબેશનો કડક અમલ થશે અને જે લારી-ગલ્લા દ્વારા શહેરમાં ટ્રાફીકની સમસ્યા અને ગંદકી ફેલાઈ રહી છે તે તમામ કિસ્સાઓમાં સખત કાર્યવાહી હાથ ધરાશે.