10 September 2018

રમતવીર સરિતાનું નવસારીમાં સ્વાગત કરાયું


તાજેતરમાં ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર કુ. સરિતા ગાયકવાડનું નવસારી ટાટા હોલ ખાતે નગરપાલિકા, પ્રશાસન અને સેવાભાવી સંસ્‍થાઓના સથવારે ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર કુ. સરિતા ગાયકવાડ સ્નાતક પાસ કરે, ત્યારબાદ કલાસ વનની નોકરી રાજ્ય સરકાર આપશે, તેમ રાજ્ય રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું.

આદિજાતિ મંત્રીએ કુ. સરિતા ગાયકવાડનું જાહેર અભિવાદન કરી, રૂ. 1 લાખનો ચેક અર્પણ કર્યો હતો. રાજ્ય રમતગમત મંત્રી ઇશ્વરભાઇ પટેલે પણ જાહેર અભિવાદન કર્યું હતું. નવસારી ધારાસભ્ય પિયુષભાઇએ રૂ. 21 હજાર, ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલે એક માસનો પગાર કુ. સરિતાને નામે કર્યો છે. નવસારી નગરપાલિકા પ્રમુખ કાંતિલાલ પટેલ, કલેકટર ડો. એમ. ડી. મોડિયા દ્વારા પણ જાહેર અભિવાદન કર્યું હતું. માજી મંત્રી મંગુભાઇ પટેલે પણ કુ. સરિતાને રૂ. 21 હજાર પુરસ્કારથી નવાજી હતી.

સંસ્કારી નગરી નવસારીની સંસ્થાઓએ આદિવાસી દીકરી કુ. સરિતાનું અભિવાદન કરી, પુરસ્કારોની વર્ષા કરી હતી. શહેરની વિવિધ સંસ્થાઓ, ટ્રસ્ટો, સમાજો દ્વારા અભિવાદન સાથે પુરસ્કારો આપ્યા હતા. કુ. સરિતા ગાયકવાડે સૌનો આભાર વ્યકત કરી, નવસારીમાં ખેલ મહાકુંભની સ્પર્ધાને યાદ કરી, સહયોગી સૌ કોચ અને અન્યોનો આભાર માન્‍યો હતો. રાજ્યના આદિજાતિ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનને ગૌરવ અપાવવાનું કામ કુ. સરિતાએ કર્યું છે. રાજ્ય સરકારે કુ. સરિતાને પોષણ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે કુ. સરિતાએ નવસારી ખાતે પણ ઓલમ્પિકમાં ભાગ લીધો હતો.