12 September 2018

ગ્રીડ પાસે 20 ફૂટની શ્રીજીની પ્રતિમા હાઈટેન્શન વીજતારને અડી જતાં 3 દાઝી ગયા


નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં શ્રીજીની પ્રતિમા સ્થાપન અર્થે લાવી રહેલા ભક્તો પૈકી શ્રીજીની પ્રતિમાની ઉંચાઈ વધારે હોવાથી હાઈટેન્શન વીજતાર સાથે અડી જતા કરંટ લાગતા ત્રણ જણાં દાઝી ગયા હતા. ગ્રીડ નજીકથી લારીમાં પ્રતિમા લાવતી વખતે આ ઘટના ઘટી હતી. તાત્કાલિક ગંભીર રીતે દાઝેલા યુવાનોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે ત્રણ જણાં દાઝી જતા સારવાર લેવાની ફરજ પડી છે.

ગણેશોત્સવની તૈયારીઓ નવસારીમાં થઈ રહી છે. દરેક મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમા સ્થાપના સ્થળ સુધી લાવવા લારી કે ટ્રેલર સહિતના સાધનો લઈને નીકળી રહ્યા છે અને વાજતે ગાજતે શ્રીજીની પધરામણી કરાઈ રહી છે. મંગળવારે દશેરા ટેકરી વિસ્તારના યુવાનોનું એક મંડળ પણ ગ્રીડ તરફથી શ્રદ્ધાભેર શ્રીજીની પ્રતિમા લારીમાં લઈને તેમાં સ્થાપન સ્થાને લાવવા નીકળ્યું હતું. ગ્રીડ કાઠિયાવાડી હોટલ નજીકથી આ મંડળના સભ્યો શ્રીજીની પ્રતિમા લઈને પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન અંદાજીત 20 ફૂટ ઉંચાઈની પ્રતિમા હાઈટેન્શન વીજતાર સાથે અડી ગઈ હતી. જેથી કરંટ પ્રસરી જતા પ્રતિમા પાસે ઉભેલા ત્રણ યુવાનો દાઝી ગયા હતા.

ચેતન જીવણ રાઠોડ (ઉ. ૨૩), પાલિકાના ડ્રાઈવર હર્ષદ રાઠોડ તથા અન્ય એકને કરંટ લાગતા દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ચેતન રાઠોડને આઈસીયુમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે હર્ષદ રાઠોડને જનરલ વોર્ડમાં દાખલ કરાયો છે. આ ઉપરાંત અન્ય એક યુવાન પણ સારવાર હેઠળ હોવાની માહિતી સાંપડી છે. આ ઘટનાથી વહીવટી તંત્ર પણ સાબદુ બની ગયું છે. આ ઘટનાને પગલે દશેરા ટેકરી વિસ્તારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.

આ ઘટના બાદ ઉંચી પ્રતિમા લાવનારા સામે વહીવત તંત્ર ક્યા પ્રકારના પગલા લેશે એ જોવું રહ્યું પરંતુ આ ઘટના બાદ શ્રીજીની પ્રતિમા રોડની સાઈડે મુકી દેવામાં આવી હતી.