13 September 2018

આજથી શ્રી ગણેશ : નવસારીમાં 2200 મૂર્તિની સ્થાપના


ગુરૂવારથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ ગણેશ સંગઠનોએ શ્રીજીના આ ઉત્સવની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. નવસારીમાં 500થી વધુ શ્રીજીની મોટી પ્રતિમાનું સ્થાપન કરાશે. જ્યારે અન્ય નાની-મોટી 2200થી વધુ શ્રીજીની પ્રતિમાનું શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવશે. નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશોત્સવની ઉજવણી થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. નવસારીમાં 2100 જેટલો પોલીસ કાફલો આ વખતે ખડેપગે બંદોબસ્તમાં ફરજ બજાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે 85 ટકા શ્રીજીની પ્રતિમા માટીની હોવાનું માનવામાં આવી રહ્યું છે. દર વર્ષે નવસારીમાં શ્રીજીની પ્રતિમા માટીની બનાવાય તેવો આગ્રહ નવસારી સમસ્ત ગણેશ સંગઠન મંડળ દ્વારા કરવામા આવી રહ્યો છે. જેના પરિણામે દર વર્ષે શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાઈ રહ્યું છે. શહેરમાં 5 ફૂટથી લઈ 20 ફૂટ ઉંચી શ્રીજીની પ્રતિમાનું શ્રદ્ધાભેર સ્થાપન કરાશે.

પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવાઈ
નવસારી જિલ્લામાં 1 એસઆરપી પ્લાટુન, 1000 પોલીસ જવાન અને 1000 હોમગાર્ડ વિસર્જન યાત્રા પ્રસંગે ફરજ બજાવશે. જ્યારે આ ઉત્સવ દરમિયાન પોલીસના સ્ટાફ અને હોમગાર્ડના જવાનોનું સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે.

ગણેશ મંડળોને સૂચના અપાઈ છે
ગણેશ મંડળના તમામ સભ્યોને ગણેશોત્સવ સંદર્ભે સૂચનાઓ આપી દેવામાં આવી છે. શહેરમાં 500થી વધુ મોટી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાઈ રહ્યું છે. જ્યારે 2200થી વધુ શ્રીજીની પ્રતિમાનું નવસારીમાં સ્થાપન થશે.

નવસારી શહેરમાં 4 મુખ્ય પોઈન્ટ બનાવાયા 
શહેરમાં મુખ્ય જૂનાથાણા, લુન્સીકૂઈ, આશાપુરી, પારસીવાડ વિસ્તારમાં મુખ્ય પોઈન્ટ ઉભા કરાયા છે. સતત પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ શરૂ કરાયું છે, જે ઉત્સવ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ જ રહેશે. ઉપરાંત રાત્રે ડીજે વગાડવા સંદર્ભે પણ ગાઈડલાઈન મંડળોને આપી દેવામાં આ‌વી છે. જો તે પ્રમાણે કામગીરી નહીં થાય તો કાર્યવાહી કરાશે. આ ઉપરાંત મોટી મૂર્તિઓ પણ આઈડેન્ટીફાય કરી લેવાશે.