14 September 2018

ગ્રીડ રોડ પર ઊંચી મૂર્તિ બનાવનાર અને આયોજક સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ


નવસારીનાં ગ્રીડ રોડ પરથી ગણપતિની મૂર્તિ લઈ જતા ત્રણ યુવાનોને બે દિવસ અગાઉ વીજકરંટ લાગવાની ઘટનામાં રૂરલ પોલીસે ગણપતિ આયોજક તેમજ ઉંચી મૂર્તિ બનાવનાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ બે દિવસ અગાઉ કબીલપોર નંદનવન સોસાયટીની સામે સરોવર કાઠીયાવાડી હોટલની પાછળ ખુલ્લા પ્લોટમાં ગણપતિની મૂર્તિ બનાવનાર શ્રીપતિ શ્યામલ (મૂળ રહે-પ. બંગાળ) નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટનાં જાહેરનામાનો ભંગ કરીને પાંચ ફૂટથી વધારે ઉંચાઈની મૂર્તિ બનાવીને દશેરા ટેકરીની રેલ રાહત કોલોનીનાં ગણપતિ આયોજક ચેતન જીવણભાઈ રાઠોડને વેચી હતી.

જેને વાહનમાં મુકીને લઈ જતી વખતે ઈલેક્ટ્રીક લાઈનના જીવંત વાયરને ગણેશજીની મૂર્તિ અડી જતા ત્રણ યુવાનોને વીજકરંટ લાગ્યો હતો. જેમાં બે યુવાનોને સામાન્ય ઝટકો લાગ્યો હતો. પરંતુ એક યુવાનને ગંભીર ઈજા થવાથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેમાં આજરોજ ચેતન રાઠોડ સામે જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં અનેક (લગભગ મોટાભાગની) ગણેશ પ્રતિમાની ઉંચાઈ પાંચ ફૂટથી વધારે છે. પોલીસે જાહેરનામાનો અમલ કરાવવા માટે અગાઉથી કોઈ કાળજી લીધી નથી. આ અકસ્માત થયો એટલે ગુનો નોંધી ફરજ નિભાવવાનો દેખાડો માત્ર કર્યો છે. વહીવટીતંત્ર અને પોલીસતંત્રની આ લાપરવાહી સામે કોણ અને શું પગલા લેશે ?

image source: divyabhaskar