15 September 2018

નવસારીમાં ઢોરના ડબ્બાની જગ્યાની પસંદગીમાં વિવાદ


રખડતા ઢોરોને ડબ્બે કરવા નવસારી નગરપાલિકાએ પસંદ કરેલી કમેલા રોડ ઉપર વિરાવળ નજીકની જગ્યા સામે વિરોધનો વંટોળ ફૂંકાયો છે. સ્થાનિક મુસ્લીમોનો મોરચો કોંગ્રેસી અગ્રણીઓની આગેવાનીમાં પાલિકા કચેરીએ આવ્યો હતો અને કમેલા રોડ ઉપરની જગ્યાની પસંદગી સામે ઉગ્ર વિરોધ નોંધાવી ત્યાં તબેલો ન બનાવવા રજૂઆત કરી હતી. મોરચામાં સામેલ લોકોએ ત્યાં ઢોરનો ડબ્બો બનાવાય તો કોમી તનાવ ઉભો થવાની દહેશત પણ સેવી છે.

નવસારીનાં માર્ગો ઉપર મોટી સંખ્યામાં રખડતા ઢોર છેલ્લાં ઘણા સમયથી જોવા મળી રહ્યાં છે. જેને ડબ્બે કરવા એક અઠવાડિયા અગાઉ શહેરનાં જાગૃત્ત નાગરિકોનું પ્રતિનિધિ મંડળ પાલિકાએ પહોંચ્યું હતું અને રખડતા ઢોરોને ડબ્બે કરવાની પાલિકા તાત્કાલિક વ્યવસ્થા કરે તેવી માંગ કરી હતી. આ માંગ બાદ 7મીને શુક્રવારનાં રોજ મળેલી પાલિકાની એક્ઝીક્યુટીવ કમિટીની બેઠક મળી હતી, જેમાં શહેરમાં વિરાવળ નજીક કમેલા રોડ ઉપરની પાલિકાની કચરા ડેપોવાળી જગ્યામાંથી 15 હજાર ચો.ફુટ જગ્યા ફાળવવાનો નિર્ણય લેવાયો હતો.

આ નિર્ણયનો વિરોધ શરૂ થયો છે. આજે શુક્રવારે પાલિકાનાં કોંગ્રેસી કોર્પોરેટરો પ્રભાબેન વલસાડીયા, મેહુલ ટેલર, પ્રદેશ કોંગી મંત્રી ધર્મેશ માલી, રુક્સાનાબેન કાદરી વિગેરેની આગેવાની હેઠળ કમેલા રોડ નજીકના સ્થાનિક મુસ્લીમોનો મોરચો પાલિકા કચેરીએ આવ્યો હતો. પાલિકા કચેરીએ આવી ઢોરના ડબ્બા માટે પાલિકાનાં જુના કચરાના ડેપોવાળી જગ્યાનીપસંદગીનો વિરોધ કર્યો હતો. લોકોનું કહ્યું હતું કે, જે જગ્યા પસંદ કરાઇ છે તેની આસપાસ મોટેભાગે મુસ્લીમો જ રહે છે. આ સ્થિતિમાં ડબ્બામાં રાખવામાં આવેલા ગાય મૃત્યુ પામે યા કોઇ અસામાજીક તત્વ ગાયને હાનિ કરી કાંકરીચારો કરી જાય તો કોમી તનાવ ઉભો થાય એવી પૂરી શક્યતા છે. બીજું કે નજીકમાં યશફીન હોસ્પિટલ છે, નાના બાળકોની સ્કુલ બની રહી છે તથા રહેણાંક વસાહતો પણ આવેલી છે. જ્યાંના લોકોનાં આરોગ્યને ઢોરના મળમૂત્રથી હાનિ થઇ શકે છે. જેથી ઢોરના ડબ્બાની પસંદ કરાયેલી જગ્યા કેન્સલ કરવાની માંગ કરી હતી. જો એમ ન કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી હતી.

વિરોધ સંદર્ભે વિચારણા કરીશું
કમેલા રોડ ઉપર ઢોરના ડબ્બા માટે પસંદ કરાયેલ જગ્યા સામે પાલિકામાં સ્થાનિકોનો વિરોધ આવ્યો છે. અમે આ બાબતે વિચારણા કરીશું.પ્રેમચંદ લાલવાણી,ચેરમેન, એક્ઝી.કમિટી, નવસારી પાલિકા

ડબ્બા માટે બે જગ્યા બતાવાઇ
નવસારીમાં ઢોરનો ડબ્બો બનાવવા માટે બે જગ્યાઓ પાલિકાનાં સીઓને બતાવાઇ હતી. રામજીમંદિર નજીક તળાવ પાસેની જગ્યા પાલિકાએ ઢોરને ડબ્બે કરવા બનાવી હોવા છતાં તેનો ઉપયોગ કરાતો નથી. આ જગ્યા ઉપરાંત ઝવેરી સડક ઉપર અગાઉની ઢોર માટેની જ જગ્યા મેલડી માતાના મંદિર પાસે હોવાની વાત પણ ધીરૂભાઇ નામના એક સ્થાનિકે ચીફ ઓફિસરને બતાવી હતી.

પોશ વિસ્તારની જગ્યા કેમ નહી?
ઢોરના ડબ્બા માટે પાલિકાએ પસંદ કરેલી જગ્યા સામે કોંગ્રેસ અગ્રણી ધર્મેશ માલીએ સવાલ ઉઠાવ્યા હતાં. તેમણે કહ્યું કે, પાલિકા શહેરના પોશ વિસ્તારમાંની જગ્યા કેમ ઢોરના ડબ્બા માટે પસંદ કરતી નથી. પોશ વિસ્તાર સિવાયના વિસ્તારની જ કેમ પસંદગી કરે છેω અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ જયશંકર પાર્ટી પ્લોટ સામેની પોશ વિસ્તારની જગ્યાની પસંદગી કરાતા બબાલ થઇ હતી.