16 September 2018

જિલ્લામાં ડેંગ્યુના 21 કેસ, 137 શંકાસ્પદ, તંત્ર હરકતમાં


નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ડેંગ્યુનો વાવર ફેલાયો છે. જેને લઈ આરોગ્યતંત્ર દોડતુ થઈ ગયું છે. જિલ્લામાં કુલ 21 ડેગ્યુના કેસ નોંધાયા છે. જ્યારે 137 શંકાસ્પદ હોવાની માહિતી સાંપડી છે.

નવસારીમાં છેલ્લા કેટલાક સમયથી એકલદોકલ ડેંગ્યુના કેસ દેખાયા હતા પરંતુ તંત્રએ તે બાબતે ગંભીરતાથી નહીં લેતા આખરે જિલ્લામાં આ ડેંગ્યુનો આંકડો હવે 21 ઉપર પહોંચી ગયો છે. જેમાં ઘણાંને સારવાર આપવામાં આવી છે. જ્યારે કેટલાક વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જિલ્લામાં સૌથી વધુ ડેંગ્યુનો ફેલાવો જલાલપોર તાલુકામાં અને તેમાંય વિજલપોર શહેરમાં જોવા મળ્યો છે. આ વિસ્તારમાં કુલ 11 કેસ નોંધાયા છે જે જિલ્લામાં સૌથી વધુ છે. આ ઉપરાંત નવસારી શહેરમાં કુલ 6 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ચીખલીમાં 2, ખેરગામ અને વાંસદામાં 1-1 કેસ નોંધાયો છે. ડેંગ્યુને નાથવા જિલ્લા આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે અને ટીમો બનાવી અભિયાન છેડ્યું છે પરંતુ ડેંગ્યુને રોકવુ એ માટે પણ તંત્ર માટે માથાનો દુ:ખાવો બન્યો છે. અગાઉ વિજલપોર વિસ્તારમાં ડેંગ્યુના કેસ દેખાયા બાદ વિજલપોર પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ હતી છતાં પણ તે આગળ વધી ચૂક્યો છે એ જોતા તંત્ર નિષ્ફળ ગયાનું જણાય રહ્યું છે.

આ છે ડેંગ્યુનાં લક્ષણો 
  • સખત તાવ આવે છે, જલ્દી ઉતરતો નથી 
  • માથાના આગળના ભાગમાં દુ:ખાવો અને કમરમાં દુ:ખાવો 
  • સ્નાયુ અને સાંધાનો દુ:ખાવો 
  • છાતી અને હાથ પર ઓપી જેવા દાણા 
  • ઉબકા-ઉલટી ભુખ ન લાગવી અને બેસ્વાદ, કબજીયાત. 

તંત્રએ કામગીરી શરૂ કરી જ છે 
જિલ્લામાં ડેંગ્યુને આગળ વધતો અટકાવવા આરોગ્ય વિભાગ કામગીરી કરી જ રહ્યું છે. આરોગ્ય વિભાગના તમામ 200થી વધુ કર્મીઓ અને આશાવર્કર બહેનોએ જ્યાં પાણીનો ભરાવો થાય છે અને મચ્છરના બ્રિડિંગની શક્યતા છે ત્યાં ફોગીંગ સહિતની કામગીરી ચાલી જ રહી છે.ડો. પિનાકીનભાઈ, મેલેરિયા અધિકારી, નવસારી