19 September 2018

વિજલપોર પાલિકા ભાજપના 8 સભ્યને સસ્પેન્શનની નોટિસ


વિજલપોર પાલિકામાં ચૂંટાયેલા ભાજપનાં 8 સભ્યોને પાર્ટીએ સસ્પેન્ડ કરવાની શોકોઝ નોટિસ આપી છે. પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત દાખલ થયા ટાણેજ નોટિસ પકડાવાતાં વિવાદ ઘેરો થયો છે.

વિજલપોર પાલિકામાં છેલ્લાં કેટલાક સમયથી (લગભગ એક-દોઢ મહિનાથી) શાસક ભાજપના સભ્યો બે જુથમાં વહેંચાઇ ગયા છે. સત્તાપક્ષમાં બે ભાગલા પડતા પાલિકાનો વહીવટ પણ અસરગ્રસ્ત થયો છે. આ સ્થિતિ વચ્ચે ભાજપના મોવડીઓ સમાધાન કરાવી શક્યા ન હતા અને અંતે તા.11.9.2018 નાં રોજ ભાજપનાં જ 13 અસંતુષ્ટ સભ્યોએ પાલિકાનાં પ્રમુખ જગદીશ મોદી વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી દીધી હતી. અવિશ્વાસની દરખાસ્ત દાખલ થયા બાદ પણ નારાજ સભ્યોને મનાવવાનાં પ્રયાસો કરવા છતાં નારાજ સભ્યો ટસના મસ ન થતાં ભાજપે સસ્પેન્ડ કરવાની તૈયારી કરી દીધી છે.

નવસારી જિલ્લા ભાજપ દ્વારા વિજલપોર પાલિકામાં ભાજપમાંથી ચૂંટાયેલ 8 સભ્યોને શોકોઝ નોટિસ ફટકારી છે. આ સભ્યોમાં પાલિકાનાં ઉપપ્રમુખ સંતોષ પુંડકર, શાસક ભાજપ પક્ષના નેતા મહેન્દ્ર ટંડેલ, ઇન્દ્રસિંહ રાજપૂત, જ્યોતિન્દ્ર રાજભર, આશાબેન ઠાકુર, સતીશ બોરસે, ભાલચંદ્ર પાટીલ અને દિપક ઉર્ફે મનોહર બોરસેનો સમાવેશ થાય છે.

પક્ષ દ્વારા જણાવ્યું કે, તા.30.7.2018 નાં રોજની પાલિકાની સામાન્ય સભા સંદર્ભની પાર્ટી મિટીંગમાં તેમજ સામાન્ય સભામાં આગોતરો જાણ કર્યા વિના સભ્યો ગેરહાજર રહ્યાં હતાં. ઉપરાંત અન્ય સભ્યો સાથે મળીને નગરપાલિકાના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આમ પક્ષને નુકસાન થાય તેવું કૃત્ય કર્યુ હોય પાર્ટીમાંથી સસ્પેન્ડ કેમ ન કરવા તે માટે કારણદર્શક (શોકોઝ) નોટિસ અપાઇ છે. જો સભ્ય બે દિવસમાં લેખિત ખૂલાસો ન કરે તો તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સસ્પેન્ડ કરવાની ચીમકીથી વિજલપોરનું રાજકારણ વધુ ગરમાયું છે.

6 જણાને નોટિસ કેમ નહીં
વિજલપોર પાલિકાનાં ભાજપનાં નારાજ જુથનાં કુલ 13 સભ્યોએ પ્રમુખ વિરૂદ્ધની અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. પરંતુ પક્ષે દરખાસ્ત કરનારમાંથી 6 જણાને શોકોઝ નોટિસ આપી નથી. આ છ જણામાં લક્ષ્મીબેન ટુંડીયા, દરમાબેન ગિરાશે, વૃશાલી પાથરકર, વંદનાબેન પાટીલ, કુસુમબેન ધાનકા અને મંગળજી ચાવડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દરખાસ્તમાં સહી ન કરનાર ઉપપ્રમુખ સંતોષ પુંડકરને પણ નોટિસ આપી છે.

મને 18 સભ્યોનો ટેકો
અવિશ્વાસની દરખાસ્ત તો દાખલ થઇ છે. પરંતુ મને 18 સભ્યોનો ટેકો છે. મારી પાસે પૂરતું સંખ્યાબળ છે. મને મુશ્કેલી નહીં પડશે. જગદીશ મોદી પ્રમુખ, વિજલપોર પાલિકા

બે જણાને જ બદલવાની માંગ છે
અમને પક્ષ સામે કોઇ જ વાંધો નથી. વિજલપોર પાલિકાનાં પ્રમુખ જગદીશ મોદી અને કારોબારી સમિતિના ચેરમેન પ્રકાશ પાટીલને જ બદલવાની માંગ કરી છે. જે માંગ ઉપર અમે અડગ છે. મહેન્દ્ર ટંડેલ, પાલિકા શાસક પક્ષના નેતા

પક્ષની ગાઇડલાઇન મુજબ નોટિસ
પક્ષની ગાઇડલાઇન અને આદેશ મુજબ વિજલપોર પાલિકા ભાજપના 8 સભ્યોને કારણદર્શક નોટિસ આપી છે. તેમણે નોટિસ માટે 20 મી સુધીમાં જવાબ આપવો પડશે. નોટિસ તેઓનાં ઘરે તથા વોટ્સઅપ મારફત પણ પહોંચતી કરાઇ છે. - ભુરાલાલ શાહ મહામંત્રી, જિલ્લા ભાજપ