20 September 2018

જમાલપોરમાં ધૂમ બાઈક હંકારતા યુવકે જીવ ગુમાવ્યો


નવસારીમાં ગણદેવી તરફ જતા રોડ ઉપર જમાલપોર પેટ્રોલપંપ સામે વધુ એક અકસ્માતમાં બાઈકચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ધુમ સ્ટાઈલમાં બાઈક હંકારનાર બેલેન્સ નહીં જાળવી શકતા બે બાઈક સાથે અથડાયા બાદ રોડ ઉપર ફસડાઈ પડતા ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. મૃતક યુવાન મુનસાડનો હોવાની માહિતી સાંપડી છે. અકસ્માતમાં બાઇક 40 ફૂટ ઘસડાઇ હતી. જમાલપોર રોડ ઉપર આ સાથે જ અકસ્માતની ઘટનામાં છેલ્લા 4 મહિનામાં કુલ 7 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે.

નવસારીથી ગણદેવીને જોડતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર છેલ્લા 4 માસથી અકસ્માતની વણઝાર થઈ રહી છે. એક પછી એક અકસ્માતોને કારણે વાહનચાલકો મોતને ભેટી રહ્યા છે. નવસારીમાં સાંજે 4.38 કલાકની આસપાસ જમાલપોર સ્થિત પેટ્રોલપંપ સામે ધૂમ સ્ટાઈલમાં ગણદેવી તરફ આગળ ધપી રહેલા મુનસાડના વાડીકૂવા ફળિયામાં રહેતો આનંદ હળપતિ (ઉ.વ. 19) પલ્સર (નં. જીજે-21-બીજી-9602) લઈને પસાર થઈ રહ્યો હતો. એ વખતે ઓવરટેક કરવા જતાં એક બાઈકચાલક સાથે ટક્કર લાગતા તે બેલેન્સ ગુમાવી સામેથી આવતી અન્ય બે બાઈકમાં એક પછી એક ભટકાઈને રોડ ઉપર ફસડાઈ પડ્યો હતો. તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકટોળુ એકત્ર થઈ ગયું હતું. ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે ધસી જઈ ટ્રાફિક દૂર કર્યો હતો. મૃતક યુવાનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો હતો. આ ઘટનાને લઈ વધુ એક વખત જમાલપોર વિસ્તારને અકસ્માત ઝોન ગણી વધુ સ્પીડબ્રેકર મુકવામાં આવે તેવી માગ ઉઠી છે.

જમાલપોરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે સાંકડો છે. આ ઉપરાંત અહીં ઢોરની પણ સમસ્યા જોવા મળે છે. માર્ગ પર સ્પીડ બ્રેકર અને ડિવાઇડરના કારણે અવાનવાર સમાસ્યા ઉભી થાય છે તેનું નિરાકરણ આવે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.

સ્પીડબ્રેકર મુકાયા પરંતુ જગ્યા પસંદગી સામે સવાલ
અવારનવાર અકસ્માતને લઈ વાહનચાલકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દિવ્ય ભાસ્કર દ્વારા અવારનવાર ઘટના અંગેના ચોક્કસ કારણો દર્શાવી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરાયો હતો અને એ સાથે વહીવટીતંત્રની કામગીરી સામે પણ પ્રશ્ન ઉઠાવાયો હતો. જોકે એ પછી જમાલપોરમાં બે જગ્યાએ ઈંટાળવા ત્રણ રસ્તાથી આગળ બે સ્પીડબ્રેકર બનાવી તંત્રએ સંતોષ માન્યો હતો પરંતુ જમાલપોર ગ્રા.પં. પેટ્રોલપંપ અને જ્યાં શાળા નજીક છે તે સામે રોડ ઉપર એકપણ સ્પીડબ્રેકર મુકાયો નથી. તેના કારણે બુધવારે આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય રહ્યું છે.

છેલ્લાં ચાર માસમાં આ અકસ્માત સર્જાયા
  • આજે બુધવારે ઓવરટેક અને વધુ સ્પીડને કારણે અકસ્માતમાં યુવાનનું મોત
  • થોડા દિવસો પહેલા જમાલપોર રોડ ઉપર જ બાઈક સાથે ભેંસ ભટકાતા બાઈક સવાર બે યુવાનના મોત થયા હતા.
  • દોઢ માસ પહેલા બીએમડબલ્યુ કાર સામે બાઈક ભટકાતા બે વ્યક્તિના મોત થયા હતા.
  • અઢી માસ પહેલા બી.આર. ફાર્મ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
  • ત્રણ માસ અગાઉ મહેન્દ્ર બ્રધર્સ ફેકટરી સામે સાઈકલ અને કાર વચ્ચે અકસ્માતમાં સાઈકલસવારનું મોત થયું હતું.

અકસ્માત સર્જાવાના કેટલાક કારણો
  • જમાલપોર વિસ્તારમાં ‘સ્પીડબ્રેકર’ માંડ માંડ બે જ મુકાયા છે તે વધારવાની જરૂર તોજ વાહનની સ્પીડમાં ઘટાડો થશે. અનેક અકસ્માત ઘટશે.
  • રોડ ઉપર ડિવાઈડરનો પણ અભાવ વર્તાય રહ્યો છે.
  • શહેરની હદ પુરી થતા જ ગ્રામ્ય વિસ્તારમાં વાહનચાલકે સ્પીડ વધારી દે છે તેથી જોખમ વધે છે.
  • સ્ટેટ હાઈવે હોવા છતાં રસ્તાની પહોળાઈ ઓછી જણાઈ રહી છે.
  • રોડ ઉપર પાલતુ અને રખડતા ઢોરની અવરજવર.