21 September 2018

વિજલપોરમાં 16 કાઉન્સીલરોનાં ભાજપમાંથી રાજીનામાં


વિજલપોર નગરપાલિકાનાં 16 ભાજપી કાઉન્સીલરોએ ભાજપમાંથી સામુહિક રાજીનામાં ગુરૂવારે આપી દીધા હતાં. પક્ષની નીતિરીતીથી નારાજ થઇ રાજીનામાં આપ્યાનું જણાવ્યું છે.

વિજલપોર પાલિકામાં શાસક ભાજપ પક્ષમાં છેલ્લાં કેટલાક દિવસોથી ભડકો થયો છે. જેમાં ભાજપનાં જ 13 સભ્યોએ પાલિકા પ્રમુખ જગદીશ મોદી સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી દીધી છે. દરખાસ્ત દાખલ થયા બાદ બે દિવસ અગાઉ ભાજપે નારાજ જુથનાં 8 કાઉન્સીલરોને સસ્પેન્ડ કરવાની શોકોઝ નોટિસ આપી છે. નોટિસનો જવાબ 8 કાઉન્સીલરોએ આપ્યો છે. હવે પક્ષ આ કાઉન્સીલરો સામે પગલા ભરે તે અગાઉ જ પાલિકાનાં પક્ષનાં 8 નહીં પરંતુ 16 કાઉન્સીલરોએ આજે સામુહિક રીતે ભાજપમાંથી રાજીનામાં ધરી દીધા હતાં.

ગુરૂવારે નારાજ જુથનાં પાલિકાનાં 5 કાઉન્સીલરો ઇન્દ્રસીંહ રાજપુત, સતીશ બોરસે, કુસુમબેન ધાનકા, આશાબેન ઠાકુર અને લક્ષ્મીબેન ટુંડીયા ભાજપનાં નવસારી સ્થિત કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતાં. ત્યાં પહોંચી જિલ્લા ભાજપનાં મહામંત્રી ભુરાલાલ શાહને 16 કાઉન્સીલરોએ ભાજપમાંથી રાજીનામું આપ્યાનો પત્ર આપ્યો હતો. જે 16 કાઉન્સીલરોએ રાજીનામાં આપ્યામાં સહી કરી છે તેમાં આશાબેન ઠાકુર, ભીખુ પટેલ, અનિલ નાયકા, જ્યોતિ રાજભર, દિપક બોરસે, વૃષાલી પૃથરકર, લક્ષ્મીબેન ટુંડીયા, દરિયાબેન ગિરાશે, ઇન્દ્રસિંહ રાજપૂત, શાસક પક્ષના નેતા મહેન્દ્ર ટંડેલ, પાલિકા ઉપપ્રમુખ સંતોષ પુંડકર, મંગળજી ચાવડા, ભાલચંદ્ર પાટીલ, સતીશ બોરસે, વંદના પાટીલ અને કુસુમબેન ધાનકાનો સમાવેશ થાય છે. રાજીનામાનાં પત્રમાં જણાવ્યું છે કે પક્ષ દ્વારા સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ સાથે મિટીંગ ન કરવાની વાત ખોટી જણાવી છે સાથે જણાવ્યું કે, અવિશ્વાસની દરખાસ્ત 13 જણાએ દાખલ કરી હતી. તો માત્ર 8 ને જ સસ્પેન્શનની નોટિસ કેમω અવિશ્વાસની દરખાસ્ત ઉપર સહી ન કરનારાને પણ નોટિસ કેમ અપાઇ ωઆવા કારણો અને સવાલો ધરી પક્ષથી નારાજ થઇ 16 સભ્યોએ સામૂહિક રાજીનામાં આપ્યાનું જણાવ્યું છે.

રાજીનામાંનો પત્ર તુરંત ન સ્વીકારાયો
નારાજ જુથના પાંચ કાઉન્સીલરો ભાજપ કાર્યાલય ખાતે 16 જણાનાં રાજીનામાનો પત્ર આપવા ગયા ત્યારે ત્યાં હાજર પક્ષના અગ્રણીઓએ મનાવવાનો પ્રયાસ કર્યો હતો. તુરંત રાજીનામાનો પત્ર લઇ લેવાયો ન હતો. ખાસ્સી ચર્ચા પણ ચાલી હતી. જોકે આખરે રાજીનામાંનો પત્ર સ્વીકારી લેવાયો હતો.

16 એ રાજીનામાં આપ્યાં કેમ માની લેવાય ?
વિજલપોર પાલિકાનાં માત્ર પાંચ જ કાઉન્સીલરો રાજીનામાંનો પત્ર આપવા આવ્યા હતાં. રાજીનામાંનાં પત્રમાં 16 જણાની સહી તો છે પરંતુ એ તમામ 16 કાઉન્સીલરોએ જ સહી કરી છે એમ કેમ માની લેવાયω તમામ 16 કાઉન્સીલરો રાજીનામાનાં પત્ર સાથે કેમ ન આવ્યા. -ભુરાલાલ શાહ મહામંત્રી, જિલ્લા ભાજપ

વધુ રાજીનામાં પડશે
અમે 16 કાઉન્સીલરોએ ભાજપમાંથી રાજીનામું આપ્યાનો પત્ર પક્ષના કાર્યાલયે આપી દીધો છે. આગામી દિવસોમાં વધુ રાજીનામાં પડશે. ભલે રાજીનામાં આપનાર તમામ ભાજપ કાર્યાલયે ગયા ન હતા પરંતુ રાજીનામાં ઉપર તમામ 16 જણાએ સહી કરી છે. ફોન ઉપર ખરાઇ કરી શકે છે. હું પણ રાજીનામાંનો પત્ર આપવા ગયો ન હતો પરંતુ રાજીનામાં પત્રમાં સહી કરી છે. -સંતોષ પુંડકર ઉપપ્રમુખ, વિજલપોર નગરપાલિકા