22 September 2018

શ્રીજીની મોટી મૂર્તિઓનું વિસર્જન દાંડી દરિયામાં કરો


નવસારી પંથકની પણ શ્રીજીની મોટી મૂર્તિઓને દાંડી દરિયામાં વિસર્જન કરવા નવસારી પાલિકાએ વિનંતી કરી છે. આ ઉપરાંત અન્ય નાની મૂશ્ર્તિઓને પૂર્ણા નદીના કિનારે બનાવાયેલ કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવા પણ જણાવ્યું છે.

નવસારી પંથકમાં 7 દિવસ સુધીનાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. નવસારીના મહત્તમ શ્રીજીની પ્રતિમાઓને પૂર્ણા નદીમાં જ વિસર્જન કરવામાં આવી હતી. હવે વધુ શ્રીજીની પ્રતિમાઓનું વિર્સજન અનંત ચૌદશનાં દિવસે જ કરવામાં આવશે. અનંત ચૌદશનાં દિવસને હવે માંડ બે જ દિવસ (રવિવારે છે) બાકી રહ્યાં છે. ત્યારે નદીમાં નહીં પરંતુ કૃત્રિમ તળાવમાં જ પ્રતિમાઓનું વિસર્જન કરાય એવું પાલિકા જણાવી રહી છે.

ભૂતકાળમાં પૂર્ણા નદીના કિનારે એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવતું હતું. ચાલું સાલ નદી કિનારે બીજું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. બે નાના કૃત્રિમ તળાવનું નિર્માણ પૂર્ણા કિનારે કરવા સાથે એક અખબાર યાદી પણ શુક્રવારે બહાર પાડી છે. જેમાં પાલિકાએ જણાવ્યું છે કે, ગણેશજીની પ્રતિમાઓનું પૂર્ણા નદી પાસે બનાવેલ બે કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવું! આ સાથે વધુમાં ગણેશજીની મોટી પ્રતિમાઓને દાંડીના સમુદ્ર કિનારે વિસર્જન કરવા માટે ગણેશ મંડળોને વિનંતી કરી છે.

હાલ સુધીના વર્ષો સુધી નવસારી પંથકની નાની-મોટી તમામ મૂર્તિઓનું વિરાવળ પૂર્ણા નદીમાં જ વિસર્જન કરવામાં આવતું હતું. ચાલુ સાલ સંભવત: પ્રથમ વખત જ મોટી મૂર્તિઓને દાંડી દરિયામાં વિસર્જન કરવાની તાકીદ કરવામાં આવી છે. પાલિકાની યાદીમાં કેટલા ફુટથી મોટી મૂર્તિ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ 5 ફૂટથી મોટી મૂર્તિની ગણતરી મૂકાય છે.અહીં એ પણ નોંધનીય છે કે, વિજલપોર શહેર ઉપરાંત કાંઠા વિસ્તારની પ્રતિમાઓનું વરસોથી વિસર્જન દાંડી સમુદ્રમાં જ થાય છે.

વિનંતીનું અમલીકરણ થશે ?
શહેરની મહત્તમ મૂર્તિઓનું પૂર્ણા નદીમાં વિસર્જન થતું આવ્યું છે. વિરાવળ, ધારાગીરી તથા જલાલપોર ઓવારેથી પ્રતિમાઓનું વિસર્જન થાય છે. હવે જ્યારે નદીમાં વિસર્જન ન કરવાનાં દિશાસૂચન જારી થયા છે ત્યારે કેટલા મંડળો નદીમાં વિસર્જન ન કરે, મોટી મૂર્તિઓનું સમુદ્રમાં વિસર્જન થાય છે કે નહીં તે જોવું રહ્યું!

ગ્રીન ટ્રીબ્યુનલે સૂચનો કર્યા છે
ગ્રીન ટ્રીબ્યુનલે સૂચનો કર્યા છે. જે અંતર્ગત કૃત્રિમ તળાવમાં મૂર્તિઓનું વિસર્જન થાય અને મોટી મૂર્તિઓનું વિસર્જન સમુદ્રમાં થાય, નદીમાં વિસર્જન ન થાય એ જોવું! પાલિકાએ ોટી મૂર્તિઓને દરિયામાં વિસર્જન માટે લઇ જવાની વિનંતી કરી છે. -દશરથસીંહ ગોહિલ, ચીફ ઓફિસર, નવસારી પાલિકા

મોટી મૂર્તિઓનું વિસર્જન સમુદ્રમાં જ કરવું જોઇએ
અમે પણ માનીયે છીએ કે મોટી મૂર્તિઓનું વિસર્જન સમુદ્રમાં જ કરવું જોઇએ. અમારું સંગઠન નાની મૂર્તિઓ બનાવાય, બહુ મોટી મૂર્તિઓ ન બનાવાય તે અંગે મંડળોની જણાવીએ જ છીએ. -કનક બારોટ પ્રમુખ, નવસારી ગણેશ મંડળ સંગઠન