24 September 2018

નવસારીમાં 6400થી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન


નવસારી પંથકમાં વિરાવળ, ધારાગીરી અને જલાલપોરમાં પૂર્ણા નદીમાં તથા દાંડી દરિયાકિનારે એમ કુલ ચાર મુખ્ય ઓવારેથી 6400થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું અનંત ચૌદશનાં દિને વિસર્જન કરવામાં આવ્યું હતું. નવસારી, વિજલપોર તથા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ ગણેશોત્સવ દરમિયાન ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કર્યુ હતું. આજે રવિવારે અનંત ચૌદશ હોઇ ગણેશ વિસર્જનનો દિવસ હતો. સવારથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થયું હતું. વિરાવળ પૂર્ણા નદી તથા કૃત્રિમ તળાવમાં સવારે 8.30 થી શરૂઆત થઇ હતી. જોકે વધુ સંખ્યામાં વિસર્જન બપોરે અને બપોરબાદ થયું હતું. નવસારી શહેરનાં મુખ્ય માર્ગો ઉપર વિસર્જન યાત્રા વાજતે ગાજતે નીકળી હતી. ડીજેના તાલ સંગ ફિલ્મી તથા ભક્તિ ગીતો, ગરબા ઉપર પુરૂષો તથા મહિલાઓ ઝુમતી નજરે પડી હતી. અબીલ-ગુલાલના રંગો ઉડતા હતાં.

બાપ્પાને વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. વિરાવળ ખાતે પૂર્ણા નદી તથા કૃત્રિમ તળાવ બંનેમાં પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બપોરે 2 વાગ્યા સુધીમાં વિરાવર ખાતે 606 નાની અને 86 મોટી, ધારાગીરીમાં 37 મોટી ને 286 નાની તથા જલાલપોરમાં 27 મોટી અને 194 નાની પ્રતિમાઓનું વિસર્જન થઈ ગયું હતું.

મોટી મૂર્તિઓ પણ પૂર્ણા નદીમાં વિસર્જન કરાઈ
ગ્રીન ટ્રિબ્યુનલના દિશા સૂચન હેઠળ નવસારી પાલિકાએ મોટી પ્રતિમાઓને દાંડી દરિયામાં વિસર્જન કરવાની વિનંતી ગણેશ મંડળોને કરી હતી. જોકે, આ વિનંતીથી વિપરીત ઘણી મોટી પ્રતિમાઓનું વિરાવળ પૂર્ણા નદીમાં જ વિસર્જન થયું હતું. નદીઓમાં વિસર્જન ન કરવાની વાતો વચ્ચે આજના વિસર્જનમાં પણ નદીમાં જ વધુ પ્રતિમાઓ વિસર્જન થઇ હતી.

જલાલપોર ઓવારે પર્યાવરણલક્ષી અભિગમ
જલાલપોર સ્થિત પૂર્ણા નદીના ઓવારા ખાતે નદીને વધુ પ્રદૂષિત ન કરવા આજે વિસર્જનના દિવસે ફુલ, નાળિયેર, કાચ ફોટો ફ્રેમની વસ્તુઓ વિગેરે નદીમાં પધરાવા દેવાઇ ન હતી. આ વસ્તુઓને અલગ કાઢી ટેમ્પોમાં ભરી રોટરી ક્લબનાં પ્રોજેક્ટ તળે ખાતર બનાવવામાં ઉપયોગ કરાશે. મળતી માહિતી મુજબ દાંડી દરિયા કિનારે પણ આવી વ્યવસ્થા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

શહેરમાં મેઘરાજાએ ભક્તોને ભીના ન કર્યા
નવસારી શહેરમાં ગત રાત્રે 12.00 વાગ્યે નવા દિવસની શરૂઆત સાથે અનંત ચૌદશની શરૂઆત થઇ હતી. રાત્રે 1.00 વાગ્યે મેઘરાજાની પધરામણી થઇ હતી. જેને લઇને દિવસે વિસર્જનના સમયે પણ વરસાદ પડવાની શક્યતા જોવાઇ રહી હતી. બાપાને વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. જોકે, મોડી સાંજ સુધી વરસાદ પડ્યો ન હતો અને વિસર્જન યાત્રામાં સામેલ ગણેશ ભક્તોને ભીના ન કર્યા હતાં.