30 September 2018

નવસારીમાં પુત્રોએ હડધૂત કરતા પિતા દર દર ભટકે છે, છેવટે પુત્ર વિરૂદ્ધ કોર્ટમાં ઘા


પૂત કપુત પાકતાં બબ્બે દીકરા હોવા છતાં ૯૧ વર્ષના પિતાએ બીજાના આશરે જીવન ગુજારવું પડી રહ્યું છે, ત્યારે કંટાળીને તેમણે અદાલતમાં ઘા નાંખીને પોતાના એક દીકરા સામે ફરિયાદ કરી છે.

બે દીકરા અને ચાર દીકરીનો હર્યાભર્યો સંસાર ધરાવતા નવસારીના જીવનના નવ દાયકા પસાર કરી ચૂકેલા એક પિતાએ પોતાના આશરા તથા ગુજારા માટે પ્રિન્સીપાલ ફેમીલી જજ સાહેબની કોર્ટમાં ફરિયાદ કરી છે.

હાલમાં નવસારી રેલ્વે સ્ટેશન સામે આદર્શ લોજમાં આશરો પામેલા છોટાલાલ ગોંડેચાએ તેમના દીકરા નવસારીમાં શંકર પાર્ટી પ્લોટની પાછળ કાન્હા એપાર્ટમેન્ટમાં રહેતા નીતિન ગોંડેચા સામે કરેલી ફરિયાદ મુજબ છોટાલાલ લોકોની મદદથી એક લોજમાં રહે છે. મૂળ પોરબંદરના છોટાલાલ બે દીકરાઓ નીતિન અને ભરત ઘણાં વર્ષો પહેલાં વેપાર-ધંધા માટે પોરબંદર છોડીને નવસારી વસી ગયા હતા. ૨૦૧૪-૧૫માં પોરબંદરનું ભાડાનું મકાન ખાલી કરવા માટે માલિકે ૧૭.૫૦ લાખ રૂપિયા મળ્યા હતા, જે બંને દીકરાઓએ તેમની પાસે રાખ્યા હતા. જો કે પાછળથી છોટાલાલને ૫ લાખ રૂપિયા આપ્યા હતા, તેમાંથી તેઓ જીવન ગુજારતા હતા. ઉપરાંત ગૌશાળામાં મદદ કરવી કે ગરીબોને મદદ કરવાનું પૂણ્ય પણ તેઓ કમાતા હતા.

પાછળથી તેઓ દીકરાને રાખવાનું કહ્યું હતું ત્યારે બંને દીકરાએ રાખવાનો નન્નો ભણી દીધો હતો. છેવટે નવસારી કોર્ટમાં સહાયતા માટે ગયા અને નવસારી કોર્ટ કમ્પાઉન્ડમાં કોઈકે નીતિનને જાણ કરી દેતાં તેમણે ફોન પર જ થાય તે કરી લો હું લઈ જવાનો નથી, એમ કહી દેતાં અદાલતે પહેલી ઓક્ટોબરે બોલાવ્યા હતા.

મહિને રૂ. ૯૫૦૦ ભરણપોષણ પેટે મળે એવી માંગ કરી
હાલમાં રઝળતા છોટાલાલે અદાલતને જણાવ્યું હતું કે, નીતિન મહિને એક લાખની આવક ધરાવે છે. આ સંજોગોમાં આ વયે કોઈ કામ થતું નથી અને માંદગી પણ આવતી હોય છે, ત્યારે ફક્ત જમવા માટે મહિને ૭૫૦૦ રૂપિયા, દવા માટે ૨૦૦૦ રૂપિયા અને કપડાં પાછળ એકાદ હજાર મળી મહિને ૯૫૦૦ રૂપિયાની જરૂર છે, જે અપાવવા માટે અદાલતને વિનંતી કરી છે. બીજો દીકરો લંડન રહેતો હોય તેની સામે ફરિયાદ કરી નથી.

પિતાને પહેલા વૃદ્ધાશ્રમ અને પછી દીકરીને ત્યાં પણ મુકી આવ્યા હતા
પિતા પાસે પૈસા માંગતા પિતાએ કહ્યું કે, તેના ભાગ પાડી દીધા છે, તેથી દીકરીઓ પાસે પહેલા પૈસા પરત લઈ આવો એ પછી અમે આપીશું એમ દીકરાઓએ કહ્યું હતું. ૨૦૧૪માં પૈસા પરત લેવા તથા ભરણપોષણ માટે વકીલે એક નોટિસ આપી હતી. એ બાદ દીકરાઓ છોટાલાલને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા. પરંતુ પરિવાર સાથે રહેવા નીતિનના ઘરે આવી ગયા હતા. એ બાદ તમારા પૈસા દીકરીને ત્યાંથી અપાવીશું એક કહીને હૈદરાબાદ દીકરીને ત્યાં મૂકીને જતા રહ્યા હતા. પરંતુ દીકરીને ત્યાં રહેવાનું યોગ્ય ન લાગતા ફરીથી ટીકીટ બુક કરાવી નવસારી પરત આવ્યા હતા.