3 September 2018

જેલના કેદીઓ પણ શ્રાવણમાં ધાર્મિક રંગે રંગાયા


હાલ હિન્દુઓનો ધાર્મિક મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે અને ઘણા લોકો શ્રાવણનો ઉપવાસ રાખી રહ્યાં છે. ત્યારે નવસારીની સબજેલમાં પણ 27 કેદીઓ ઉપવાસ રાખી ધાર્મિક રંગે રંગાયા છે. હાલ હિન્દુઓનો ધાર્મિક મહિનો ‘શ્રાવણ’ ચાલી રહ્યો છે. ત્યારે હિન્દુ ધર્મના ઘણા લોકો શ્રાવણના ઉપવાસ રાખતા જોવા મળે છે. એવા પણ ઘણા લોકો છે. જેઓ શરાબ અને માંસાહાર આમ દિવસોમાં તો આરોગે છે પરંતુ શ્રાવણ માસમાં તે ત્યાગી દે છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આમ જનતા જ નહીં જેલમાં રહેલા કેદીઓ (જેઓને સમાજ ગુનેગાર ગણે છે) પણ શ્રાવણ માસમાં ધાર્મિક રંગે રંગાયેલ જોવા મળે છે.

નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનાં કેદીઓ નવસારી સબજેલમાં રહે છે. અહીં રહેતા કેદીઓમાંથી 27 કેદીઓ હાલ શ્રાવણ માસનાં ઉપવાસ કરી રહ્યાં છે. જેલ તંત્ર પણ કેદીઓ ઉપવાસ સારી રીતે કરે તે માટે સહયોગ કરી રહ્યું છે. ઉપવાસ કરતા કેદીઓને ફરાળ, શીંગ, બટાકાની સૂકી ભાજી,ફળ, દૂધ વગેરે અપાય છે. સામાન્યત: દરરોજ જેલમાં એક ટાઇમ આરતી કરાતી હોય છે. ત્યારે હાલ શ્રાવણમાં બે ટાઇમ કરાય છે. ભજનના કાર્યક્રમો રાખવામાં આવે છે.

નવસારી જેલની બદલાયેલી સૂરત
નવસારી સબજેલમાં કાચા-પાકા કેદી મળી 250 થી વધુ કેદીઓ સામાન્યત: રહે છે. આ ગાયકવાડી સમયની જેલની સૂરત કેટલાક સમયથી બદલાઇ છે. જેલર એન.એ દેસાઇ આ અંગે જણાવે છે કે, જેલમાં લાયબ્રેરી છે. જેના પુસ્તકો કેદીઓ વાંચી શકે છે. રોટલીઓ ઝડપભેર સારી રીતે બને તે માટે રોટલી બનાવવાનું અને લોટ બનાવવાનું મશીન પણ જેલમાં દાતાઓના સહયોગથી લાવવામાં આવ્યું છે. કોમ્પ્યુટર પણ છે. જેના ઉપર કોમ્પ્યુટર શિક્ષણ કેદીઓ મેળવી શકે છે. જેલમાં કાર્યક્રમો યોજવા માટે વિશાળ ‘શેડ’ પણ તૈયાર થયો છે. ઉલ્લેખનીય વાત એ છે કે જેલના કેદીઓ જેલમાં રહી પરીક્ષા પણ આપી શકે છે.