20 September 2018

નવસારીમાં દુકાનમાંથી 3.67 લાખની ચોરી


નવસારીનાં સાંઢકુવા ખાતે આવેલ રચના એપાર્ટ-4 માં ડેલ લેપટોપ વેચનારા વિક્રેતાને ત્યાં ગત રાત્રીનાં ચોરોએ શટર ઉંચુ કરી ડિસ્પ્લેમાં મુકેલ 8 લેપટોપની ચોરી કરી ગયાની સનસનાટીભરી વિગતો સામે આવી છે. જેમાં 1 મોબાઇલ, કેમેરાનું ડી.વી.આર પણ ચોરો ઉડાવી લઇ ગયા જેમાં માલીકે લખાવેલ ફરીયાદ અનુસાર 8 લેપટોપ, 1 મોબાઇલ મળી કુલ રૂ.3,67 લાખની ચોરી થયાનું જણાવ્યું હતું. ચોરી થઇ તે દુકાનથી થોડે દૂર જ સાંઢકુવા પોલીસ ચોકી આવી હોવા છતાં ચોરોએ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.

વિજલપોર ખાતે અયોધ્યાનગર સંભવનાથ સોસાયટી ખાતે જીજ્ઞેશ મંગુ નાયક તેના પરિવાર સાથે રહે છે. તેમની માલીકીની ડેલ એક્સક્લુઝીવ દુકાન રચના એપાર્ટમેન્ટ-4 દુકાન નં.1 ધરાવે છે. જેમાં તેઓ લેપટોપ, કોમ્પ્યુટરની ડેડસ્ટોપ તથા કોમ્પ્યુટર, લેપટોપનાં પાર્ટસ વેચવાની કામગીરી કરે છે. તેઓ રાબેતા મુજબ સાંજે 8 વાગ્યે દુકાન બંધ કરી ઘરે ગયા હતાં.

મળસ્કે 5 વાગ્યે દુકાન માલિકનાં વહીવટદાર વિનોદ મિસ્ત્રીએ જીજ્ઞેશ નાયકને ફોન કર્યો કે તારી દુકાનમાં ચોરી થઇ છે. શટર ખુલ્લી હોય અને કાચનો દરવાજો પણ તૂટેલી હાલતમાં છે. તેમ જણાવતાં જીજ્ઞેશ નાયકે તરત જ નવસારી ટાઉન પોલીસ મથકે જાણ કરી હતી. જીજ્ઞેશે દુકાનમાં આવી જોયું તો શટર ઉંચું હતું અને દુકાનનાં કાચનો દરવાજો તુટેલો હતો અને ડિસ્પ્લેમાં મુકેલા 8 લેપટોપ કિંમત રૂ.3,57,812 ની ચોરી થઇ હતી. ઉપરાંત એક મોબાઇલ અને દુકાનનાં સીસીટીવી કેમેરાની ડી.વી.આર હાર્ડ ડિસ્ક સાથે કિંમત 5000 પણ ગાયબ હોય કુલ 3,67,812 ની ચોરી ચોરી થયાની વિગતો પોલીસ મથકે નોંધાવી હતી.

ચોરો ચાલાક બન્યા, સીસીટીવીનાં ડીવીઆર જ ઉઠાવી ગયા
નવસારીનાં સાંઢકુવા પોલીસ મથકથી નજીક આવેલા ડેલ લેપટોપની દુકાનમાંથી રાત્રિના સમયે ચોરોએ દરવાજાને મારેલ તાળાનો નકુચો કોઇ સાધન વડે કાપીને કાચનો દરવાજો પણ તોડી ચોરીને અંજામ આપ્યો હતો. આ દુકાનમાં સીસીટીવી કેમેરા હોવાની જાણ ચોરોને થતાં તેનું ડીવીઆર હાર્ડ ડિસ્ક સાથે કાઢીને તે પણ ચોરી ગયા હતાં.