29 September 2018

નવસારીમાં ફાર્મા.ની હડતાળથી આરોગ્ય સેવા બીમાર


સતત ચોથા દિવસે પણ નેશનલ હેલ્થ મિશન (N.H.M) ના અંદાજે 233 કર્મચારીઓ હડતાલ ઉપર જ રહેતા નવસારી જિલ્લાની સરકારી આરોગ્ય સેવા અસરગ્રસ્ત બની છે. નવસારી જિલ્લામાં સરકારી આરોગ્ય સેવાનું મોટું નેટવર્ક છે. જે સેવામાં સરકારનાં કાયમી કર્મચારીઓની સાથે અન્ય કરાર આધારિત કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પણ છે. જેમાં નેશનલ હેલ્થ મિશન (એનએચએમ) હેઠળના કર્મચારીઓ મુખ્ય છે. નવસારી જિલ્લામાં અંદાજે 233 જેટલા એનએચએમનાં કર્મચારીઓ સેવા બજાવે છે. આ કર્મચારીઓ પ્રોગ્રામ આસીસ્ટન્ટ, ક્લેરિકલ પોસ્ટ, મેડીકલ ઓફિસર-ફાર્માસીસ જેવી ટેક્નીકલ પોસ્ટ ઉપર પણ કાર્યરત છે. આ કર્મચારીઓ પીએચસી, બ્લોક કચેરી, અર્બન હેલ્થ સેન્ટર, જિલ્લા કચેરીઓમાં સેવા બજાવી રહ્યાં છે. આ કર્મચારીઓ હાલ આંદોલને ચઢ્યા છે.

નવસારી જિલ્લાનાં નેશનલ હેલ્થ મીશન સાથે જોડાયેલા આરોગ્ય કર્મચારીઓ 25મી ને મંગળવારથી હડતાલ ઉપર ઉતર્યા છે. આજે 28 મી એ ચોથા દિવસે પણ હડતાલ જારી રહી હતી. એનએચએમ કર્મચારીઓ નવસારી સ્થિત જિલ્લા પંચાયત કચેરી નજીક ધરણાં કરી દેખાવ કરી રહ્યાં છે. કર્મચારીઓની મુખ્ય માંગ આમ તો પગાર વધારાની છે. કર્મચારીઓનું કહેવું છે કે પગાર બાબતે તેમને ભારે અન્યાય થઇ રહ્યો છે. તેઓ જોબ સિક્યુરિટી, સમાન કામ સમાન વેતનનો પણ મુદ્દો આગળ ધરી રહ્યાં છે.

233 જેટલા એનએચએમના કર્મચારી હડતાલ ઉપર રહેતા જિલ્લાની આરોગ્ય સેવા ઠપ્પ તો નહીં પરંતુ અસરગ્રસ્ત યા ખોરવાઇ જરૂર છે. ડેટા એન્ટ્રી, રીપોર્ટીંગ, ફાયનાન્સીયલ કામ તો લગભગ ઠપ થયું છે તો મેડીકલ ઓફિસ, ફાર્માસીસ્ટ સહિત કેટલીક ટેક્નીકલ પોસ્ટ ઉપર પણ એનએચએમના કર્મચારીઓ હોઇ આરોગ્યની સીધી સેવા પણ અસરગ્રસ્ત થઇ છે.

પગાર વધારાનો નિર્ણય ખેંચી લેવાયો
સરકારી સુત્રમાંથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે તા.23.5.2018 નાં રોજ એક પરિપત્ર દ્વારા એનએચએચનાં કર્મચારીઓના પગાર વધારો કરવાનો નિર્ણય પણ લઇ લીધો હતો. જોકે બાદમાં વિર્સગતતા ઉભી થનાર હોઇ યા અન્ય કારણસર પગાર વધારો ખેંચી લેવાયો અને અમલ કરાયો ન હતો. જેથી કર્મચારીઓ આક્રોશિત થયા છે.

વધુ અસર અર્બન હેલ્થ સેન્ટરોમાં
સરકારી આરોગ્ય સેવામાં NHMના કર્મચારીઓની હડતાલની અસર તો છે પરંતુ વધુ અસર અર્બન હેલ્થ સેન્ટરો ઉપર હોવાની જાણકારી મળી છે. કારણ કે આ સેન્ટરો ઉપર એનએચએમના કર્મચારીઓ વધુ છે.

સરકાર લેવલનો પ્રશ્ન છે
એનએચએમના કર્મચારીઓની માંગણીનો નિર્ણય સરકાર લેવલે લેવાનો છે. બીજું કે જે કર્મચારીઓ હડતાલ ઉપર છે તેનો ચાર્જ અન્યને આપી દેવાયો છે. -આર.જી.ગોહિલ, ડી.ડી.ઓ, નવસારી