1 October 2018

નવસારી-વિજલપોરનાં ‘વેસ્ટ’ પાણીને ‘બેસ્ટ’ બનાવાશે


નવસારી-વિજલપોર શહેરનું ગંદું પાણી પ્રોસેસ કરી સારું બનાવી તેનો પૂન: ઉદ્યોગો માટે ઉપયોગ કરવાની યોજના અહીંની પાલિકા બનાવી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો નવસારીમાં ‘વેસ્ટ’ પાણીનો ‘બેસ્ટ’ ઉપયોગ કરાશે. દેશની સર્વોચ્ચ અદાલતે શહેરોનાં ગટરનાં પાણીને ટ્રીટ કરી નદીઓમાં છોડવાનાં દિશાનિર્દેશ આપ્યા છે. આમ છતાં અહીંની નવસારી અને તેને અડીને આવેલ વિજલપોર પાલિકા વરસોથી શહેરનું ગટરનું ગંદું પાણી સીધેસીધું પૂર્ણા નદીમાં છોડી રહી છે.

આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બંને પાલિકાઓને ધારાધોરણનાં ભંગ બદલ અવારનવાર નોટિસો પણ આપી છે. હવે મોડે મોડે અહીંની નગરપાલિકા નવસારી પંથકમાં અંદાજે 56 કરોડ રૂપિયાથી ય વધુના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન નાંખી રહી છે. આ એસટીપી માટે નવસારી પાલિકાએ કલેક્ટર પાસે જમીન માંગતા વિરાવળ પૂર્ણા નદીના કાંઠા નજીકની 16 હજાર ચો.મીટર જગ્યા ફાળવી છે. આ જગ્યાએ નવસારી અને વિજલપોર બંને શહેરનો સંયુક્ત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન બનાવવામાં આવશે. નાણાંની ફાળવણી તો ક્યારનીય થઇ ગઇ છે. હવે ગટરના ‘ટ્રીટ’ કરેલ પાણીને નદીમાં છોડવાને બદલે તેનો પૂન: ઉપયોગ કરવાની યોજના નવસારી નગર પાલિકા બનાવી રહી છે. નવસારી-વિજલપોર બંને શહેરમાંથી આવતા ગંદા પાણીને પ્રથમ તો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાનમાં ટ્રીટ (શુદ્ધ) કરાશે અને ત્યારબાદ તેને નદીમાં છોડવાની જગ્યાએ જીઆઈડીસી યા અન્ય ઉદ્યોગોને પૂન: વપરાશ માટે આપવામાં આવશે. સરકારનાં દિશા નિર્દેશ અનુસાર આ યોજના બનાવાઈ છે. ઉદ્યોગો આ એસટીપીનાં પાણીનો વપરાશ કરશે તો ઉદ્યોગોને આપવામાં આવતા નહેરના, બોરીંગના ય અન્ય પાણીનો બચાવ થશે, જે હાલનાં પાણીના મુશ્કેલીના સમયમાં મદદરૂપ થશે. જેથી બચત થયેલ નહેરનું પાણી પીવાના યા ખેતીના ઉપયોગમાં વધુ મળી શકશે.

રીયુઝ માટે રાજ્ય સરકારનાં દિશાસૂચન
ગત એપ્રિલ મે મહિનામાં રાજ્ય સરકારે પાણીના રીયુઝ માટે પોલીસી બનાવી છે અને જેનો અમલ કરવા રાજ્યભરમાં દિશાનિર્દેશ આપ્યા છે. સરકારનાં દિશાસૂચન અંતર્ગત જ પાણીના રીયુઝ માટે નવસારી પાલિકા આગળ ધપી રહી છે. રાજેશ ગાંધી, ડ્રેનેજ ઇજનેર, નવસારી પાલિકા

20 હજાર ચો.મી જગ્યા મંગાશે
નવસારી પંથકમાં ગટરના પાણીનાં ટ્રીટમેન્ટ માટે એસટીપી બનાવવા તો 16 હજાર ચોરસ મીટર જગ્યા મેળવાઇ છે પરંતુ આ ટ્રીટ થયેલ પાણીના રીયુઝ માટે વધુ જગ્યાની જરૂર પડશે. આ માટે પાલિકાએ કલેક્ટર પાસે 20 હજાર ચોરસ મીટર જગ્યા માંગવાનો નિર્ણય કર્યો છે. આ માટે પાલિકાની એક્ઝિક્યુટિવ કમિટીએ તો ઠરાવ કરી દીધો છે. આગામી સમયમાં સામાન્ય સભા ઠરાવ કરી શકે છે.

ખેતીને પણ પાણી આપી શકાય
ગટરના ગંદા પાણીને ટ્રીટ કરી રીયુઝ માટે હાલ તો ઉદ્યોગોનો જ આપવાનો નિર્ણય સરકાર લઇ રહી છે. જોકે આ પાણી ખેતીમાં પણ આપી શકાય છે. ખેતીમાં પણ ઉપયોગ આ ટ્રીટ થયેલ પાણીનો થઇ શકે છે. જોકે ખેતીને આપવા બાબતે પાલિકામાં હાલ યોજના નથી.