3 October 2018

ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે સફાઈ


પુ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ અવસરે નવસારી અને ડાંગ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તાલુકાકક્ષાએ પ્રાર્થના સભા, તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ રેલી યોજીને શાળાના બાળકોએ ગામજનોને પુ. મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુસરવા સંદેશો આપ્યો હતો.જયારે, મહાત્મા ગાંધીજીએ દાંડી નમક સત્યાગ્રહ દ્વારા આઝાદીની લડત ઉપાડી હતી. એવા ઐતિહાસિક દાંડી ખાતે વિશાળ સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાઇ હતી. આગેવાનોએ પુ. મહાત્મા ગાંધીજીની વિચારાધારાને અનુસરીને દેશની અખંડિતતા અને એકતાને બરકરાર રાખવા આહ્વાન કર્યું હતું. પ્રાર્થનાસભામાં સર્વસમાજના અગ્રણીઓએ જોડાઇને પુ. મહાત્મા ગાંધીજીને શ્રદ્વાજંલિ અર્પી હતી.

નવસારીના સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પુ.મહાત્મા ગાંધીજીએ વિશ્વને સત્ય અને અહિંસાનો સંદેશો આપ્યો હતો. વિશ્વ પુ.મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુસરે છે. નમક સત્યાગ્રહ દ્વારા દાંડીના દરિયા કિનારે મીઠું ઉપાડીને દેશની આઝાદીની મંડાણ કર્યા હતા. સ્વચ્છતાના આગ્રહી એવા પુ. મહાત્માના વિચારો-મુલ્યોને જીવંત રાખવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને સ્વચ્છ બનાવવા અભિયાન ઉપાડયું છે. તેમણે સૌને ગાંધી વિચારધારાને જીવનમાં ઉતારીને રાષ્ટ્રના સુદઢ નિર્માણમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.

નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ યુવાપેઢીને પુ. બાપુના જીવનનો સંદેશ પહોંચાડવાના વહીવટતંત્રના પ્રયાસોને બિરદાવ્યા હતા.

ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને સ્વચ્છ બનાવવા ઉપાડેલા અભિયાનમાં ભાગીદાર બનવા અનુરોધ કરી, નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવા સૌને અપીલ કરી હતી.

નવસારી કલેકટર ર્ડા.એમ.ડી.મોડિયાએ સૌને આવકારતા જણાવ્યું હતું કે, દેશભરમાં બે વર્ષ સુધી પુ.ગાંધીજીની ૧પ૦ મી જન્મજયંતિની ઉજવણી થશે. ઐતિહાસિક દાંડી ખાતે પુ. મહાત્મા ગાંધીજીના સંસ્મરણો જળવાઇ રહે તે માટે સ્વચ્છતા અભિયાન તેમજ સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન થયું છે.

પ્રાર્થનાસભામાં વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પાયોજી મેને રામ રતનધન પાયો, રઘુપતિ રાઘવ રાજારામ જેવા ભજનો દ્વારા પુ.બાપુને આદરાજંલિ આપવામાં આવી હતી. દાંડી ખાતે સવારે વિશાળ સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઇ હતી.

અભિયાનમાં ૧પ૦૦થી વધુ લોકો જોડાયા
નવસારી દાંડી દરિયા કિનારે વહીવટીતંત્ર દ્વારા પુ.  મહાત્મા ગાંધીજી જયંતિ અવસરે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં  દોઢહજારથી વધુ લોકો જોડાયા હતા. જેમાં પોલીસ વિભાગ, ગ્રામ  વિકાસ વિભાગ, શિક્ષકો, વન વિભાગ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ,  દાંડી, સામાપોર, મટવાડના ગામજનો, સ્વૈચ્છિક સંસ્થાઓએ  સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને સ્વચ્છતાના આગ્રહી એવા પુ. મહાત્મા  ગાંધીજીને શ્રદ્વાજંલિ અર્પી હતી.