5 October 2018

સિવિલમાં રોજ વાયરલના 1500 કેસ, દર્દીઓ બમણા થયા


નવસારી જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સિવીલ હાલ કેટલાક દિવસોથી દર્દીઓથી ઉભરાઇ રહી છે. જ્યાં સામાન્ય સંજોગોમાં 700 થી 750 ઓપીડી કેસો હોય છે ત્યાં હાલ 1200 થી 1425 સુધીના કેસો આવી રહ્યાં છે.

નવસારી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી (20-25 દિવસોથી) બિમારીનો રીતસર વાવર ફેલાયો છે. નવસારી, શહેર, વિજલપોર શહેર ઉપરાંત નજીકના ગામોમાં મોટી સંખ્યામાં લોકો બિમારીનો ભોગ બની રહ્યાં છે. મહત્તમ લોકોને તાવ, શરીરના દુખાવાની તકલીફ જોવા મળી રહી છે. જેમાં વાયરલ ફીવરનાં કેસો વધુ હોવાનું જણાવાઇ રહ્યું છે. વાયરલ ફીવર એટલો તીવ્ર હોય છે કે ત્રણ-ચાર દિવસ સતત તાવ અને દુખાવા સાથે દર્દીને ઢીલોઢસ કરી નાંખે છે અને હોસ્પિટલમાં ઘણીવાર દાખલ કરવાની પણ ફરજ પડે છે. ડેંગ્યુના દર્દી પણ હાલ દેખાય રહ્યાં છે.

સિવીલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા 25 દિવસથી હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દરરોજ 1200 થી 1425 સુધીની ઓપીડી રહે છે, જે સામાન્ય સંજોગોમાં 700 થી 750 રહે છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગત વરસે પણ સપ્ટેમ્બર-ઓક્ટોબર પ્રથમ અઠવાડિયા સુધી દર્દીઓની સંખ્યા વધી હતી. જેના કરતા પણ ચાલુ સાલ 12 થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

આજે 4 થી ઓક્ટોબરે તો સવારે જ 990 ઓપીડી થઇ ગઇ હતી. જે સાંજ સુધીમાં 1400 ને પાર કરે એવી પૂરી શક્યતા હતી. કેસો કઢાવવા માટે હોસ્પિટલમાં લાંબી કતારો લાગે છે.

નવસારી સિવીલ હોસ્પિટલમાં માત્ર ઓપીડી જ વધુ નથી. હાલ ઇન્ડોર પેશન્ટોની સંખ્યા પણ ખૂબ વધારે છે. હાલના દિવસોમાં ઇન્ડોર કેસો પણ 300 થી વધુ (આજે 307 ઇન્ડોર) રહે છે, જે ખૂબ વધુ હોવાનું હોસ્પિટલનાં સૂત્રે કહી રહ્યાં છે. આમ હાલ સિવીલ હોસ્પિટલમાં ઓપીડી અને ઇન્ડોર બંનેમાં ધસારો રહેતા હોસ્પિટલ દર્દીઓથી રીતસર ઉભરાઇ રહી છે.

વાયરલ ફીવર વધુ છે કારણ કે...
સિવીલ હોસ્પિટલમાં ઓપીડી હાલ વધુ રહે છે. જેમાં વાયરલ ફીવરના કેસો વધુ રહે છે. વાયરલના કેસો વધુ રહેવાનું કારણ વાતાવરણની સ્થિતિ હોય છે. અમુક વાતાવરણમાં બેક્ટેરીયા, વાયરસને ગ્રો થવામાં મદદ મળે છે. ડેંગ્યુનાં કેસો થોડા છે પરંતુ વધુ પ્રમાણમાં નથી. - ડો.અજય શર્મા, સિનીયર તબીબ, નવસારી સિવીલ હોસ્પિટલ

વાયરલ અને ડેંગ્યુમાં ગૂંચવણ
નવસારી, વિજલપોર પંથકમાં બિમારીમાં ડેંગ્યુના કેસો પણ વધુ હોવાની એક બુમરાણ છે. જોકે સરકારી આંક ઓછા કહે છે.વાયરલ ફીવર અને ડેંગ્યુ વચ્ચે રીતસર ગૂંચવણ ચાલી રહી છે. સરકારી સૂત્રો કહે છે કે, ખાનગીમાં દર્શાવેલ ઘણા ડેંગ્યુના કેસો હકીકતમાં ‘વાયરલ ફીવર’ જ હોય છે. બંનેમાં ફીવર, શરીરના દુ:ખાવા સહિતની સમાનતા પણ છે.

ખાનગી, ટ્રસ્ટની હોસ્પિટલમાં પણ ધસારો
હાલ નવસારી પંથકમાં માત્ર સિવીલ હોસ્પિટલમાં જ દર્દીઓનો ધસારો રહે છે એવું નથી, ટ્રસ્ટની હોસ્પિટલો જેવી કે પારસી હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ જોવા મળે છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલો, ખાનગી દવાખાનાઓ, અર્બન હેલ્થ સેન્ટરોએ પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. કેટલીક હોસ્પિટલ તો હાઉસફુલ પણ રહે છે. હાલમાં નવસારી સિવીલ હોસ્પિટલ ઉપરાંતમાં પણ દર્દીઓની સંખ્યા વધુ રહે છે.