8 October 2018

નવસારીમાં 4 ફાયર સ્ટેશન થતાં સેવા ઝડપી બનશે


નવસારી શહેરમાં હવે આગામી દિવસોમાં ફાયર બ્રિગેડની સુવિધા વધુ ઝડપી બનશે. શહેરનાં ત્રણ ઝોનમાં ત્રણ ફાયર સ્ટેશનો કાર્યરત થઇ જતાં માત્ર નવસારી શહેર જ નહીં નજીકના ગામડાંઓને પણ ઝડપી સેવા મળી શકશે. આશરે 1.70 લાખથી વધુ વસ્તી ધરાવતી નવસારી નગરપાલિકા ‘અ’ વર્ગની છે. આ ‘અ’ વર્ગના શહેરમાં થોડા સમય અગાઉ જ એક જ ફાયર સ્ટેશન કાર્યરત હતું.

આ ફાયર સ્ટેશન દુધિયાતળાવ વિસ્તારમાં રોટરી આઇ ઇન્સટીટ્યુટની સામે હતું. જોકે શહેરની વસ્તી વધતાં નવા ફાયર સ્ટેશનોની જરૂરિયાત ઉદભવી હતી. જેને લઇને શહેરનાં પશ્ચિમ વિભાગે આવેલ જલાલપોર ખાતે વિભાગીય કચેરી નજીક નવું ફાયર સ્ટેશન શરૂ કરાયું હતું.

ત્યારબાદ શહેરનાં મધ્યે આવેલ સાંઢકુવા વિસ્તારમાં ફાયર બ્રિગેડની જ જગ્યામાં નવું ફાયર સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ બે ફાયર સ્ટેશનો છેલ્લાં કેટલાક સમયથી કાર્યરત છે. કારણ કે જુનું રોટરી આઇ સામેનું ફાયર સ્ટેશન તોડી નવું બનાવાઇ રહ્યું હતું. હવે આ ફાયર સ્ટેશન પણ તૈયાર થઇ ગયાની જાણકારી મળી છે.

આમ નવસારી શહેરમાં આગામી સમયમાં ફાયરબ્રિગેડની જાળ વિસ્તરી ત્રણ-ત્રણ ફાયર સ્ટેશનો કાર્યરત થઇ જશે. એક પૂર્વઝોનમાં રોટરીઆઇ સામે બીજું મધ્ય ઝોનમાં સાંઢકુવામાં અને એક પશ્ચિમે જલાલપોરમાં હશે. હવે ત્રણ ફાયર સ્ટેશનો કાર્યરત થતાં આગ લાગવાની સ્થિતિમાં ફાયરના બંબાની સેવા ઝડપી મળી શકશે.

અહીં ઉલ્લેખનીય છે કે, નવા ફાયર સ્ટેશનમાં 1 હોલ, 6 ક્વાટર્સ, ઓફિસ સહિતની સુવિધાઓ હશે. પાલિકામાં ફાયર વિભાગમાં 2 વોટર બાઉઝર્સ,1 ફોમ ટેન્ડર, 2 મીની ફાયર ફાયટર, 3 વોટર ટેન્કર ઉપરાંત એમ્બ્યુલન્સ વિગેરે પણ છે. કુલ 65 જણાનો સ્ટાફ છે. જેમાં 11 જ કાયમી છે. બાકીના કોન્ટ્રાક્ટ ઉપર હોવાની માહિતી જાણવા મળી છે.

ત્રણ ફાયર સ્ટેશનનો ખર્ચ રૂ. 4.23 કરોડ
નવસારીમાં ત્રણ ફાયરસ્ટેશનોનાં મકાન બનાવવાનો ખર્ચ સવા ચાર લાખ રૂપિયા થયો છે. મુખ્ય ફાયર સ્ટેશન રોટરી આઇ સામે બનાવવાનો ખર્ચ 2.15 કરોડ થયો છે. આ ખર્ચ સ્વભંડોળમાંથી કરાયો છે. જલાલપોરના સ્ટેશનનો ખર્ચ 88 લાખ અને સાંઢકુવા સ્ટેશનનો ખર્ચ 1.20 કરોડ અંદાજે થયો છે. આ બે ફાયર સ્ટેશનો ગ્રાંટમાંથી બન્યા છે.

નવું ફાયરસ્ટેશનની ઉદઘાટન માટે તૈયાર
રોટરી આઇ હોસ્પિટલની સામે ફાયરબ્રિગેડનું મુખ્ય સ્ટેશનનું મકાન તૈયાર થઇ ગયું છે. 12 મી ઓક્ટોબરનાં રોજ ઉદઘાટન કરવાની તૈયારી છે. રાજુ ગુપ્તા, મ્યુનિસિપલ ઇજનેર, નવસારી પાલિકા

ફાયરના ટેન્કરો તરસ પણ છિપાવે છે
ફાયરબ્રિગેડ માત્ર આગ લાગવાની ઘટનામાં જ ઉપયોગી નથી પરંતુ પાણીની જરૂરિયાત સંતોષવામાં પણ મદદરૂપ થાય છે. નવસારી શહેરમાં છેલ્લાં 10 મહિનામાં પાણી કાપની સ્થિતિ અવર-જવર સર્જાઇ છે. ઘણાં વિસ્તારોમાં પૂરતું પાણી પહોંચતું ન હતું. ત્યારે આવા સંજોગોમાં પાલિકાનાં ફાયરના ટેન્કરોએ ઉક્ત પાણીની સમસ્યાવાળા વિસ્તારોમાં જઇ પાણી પહોંચાડ્યું અને લોકોની તરસ છીપાવી હતી.

આગથી ખાનાખરાબી ઘટી શકશે
એક મહત્વનો પ્રશ્ન એ છે કે શહેરનાં ત્રણેય ઝોનમાં ફાયર સ્ટેશનો ઉભા થવાથી ફાયદો શું થશે? અહીં ઉલ્લેખનીય છે કે આગ લાગવાની ઘટનામાં શહેરનાં એક છેવાડે આગ લાગે ત્યારે બીજા છેવાડેના બંબા પહોંચે ત્યાં સુધીમાં મોટી ખાનાખરાબી થઇ જાય છે. 15-20 મિનિટ બંબા મોડા પહોંચે ત્યાં તો આ સમયગાળા દરમિયાન લાગેલી આગ ક્યાંથી ક્યાં પ્રસરી જાય છે. હવે ત્રણ ખૂણે ફાયર સ્ટેશનો બનતા આગની ખાનાખરાબીમાં ઘટાડો જરૂરી થઇ શકશે.

આ સુવિધાઓ નવા ફાયર સ્ટેશનમાં રાખવામાં આવી
નવા ફાયર સ્ટેશનમાં 1 હોલ, 6 ક્વાટર્સ, ઓફિસ સહિતની સુવિધાઓ હશે. પાલિકામાં ફાયર વિભાગમાં 2 વોટર બ્રાઉઝર્સ,1 ફોમ ટેન્ડર, 2 મીની ફાયર ફાયટર, 3 વોટર ટેન્કર ઉપરાંત એમ્બ્યુલન્સ વિગેરે પણ છે. કુલ 65 જણાનો સ્ટાફ છે. જેમાં 11 જ કાયમી છે. બાકીના કોન્ટ્રાક્ટ ઉપર હોવાની માહિતી જાણવા મળી છે.