9 October 2018

નવસારીમાં પારસી મહિલાના હિન્દુ વિધિથી અંતિમ સંસ્કારની પ્રથમ ઘટના


નવસારીના પારસી સમાજમાં મહિલાનું નિધન થયા બાદ તેને પારસીઓના સ્મશાનગૃહમાં નહીં પરંતુ હિંદુઓના અંતિમવિશ્રામ ગૃહમાં અગ્નિદાહ અપાયો હતો. જોકે મૃતક મહિલાની ઈચ્છાને માન આપીને અગ્નિદાહ અપાયો હોવાની વાત જણવા મળી છે. નવસારીમાં પારસીની અગ્નિદાહની આ પ્રથમ ઘટના છે.

પારસી સમાજમાં કોઈ મૃત્યુ પામે ત્યારે તેના શરીરને ભસ્તામાં જઈને કૂવાની જાળી પર મુકી દેવાનો રિવાજ છે. જે પક્ષીઓનો ખોરાક બને છે, પરંતુ સોમવારે નવસારી પારસી સમાજના લુન્સીકૂઈ વિસ્તારમાં રહેતા 82 વર્ષીય નરગીસ હોમી અરછાડવાળાનું કુદરતી મૃત્યુ થતા તેમના મૃતદેહને વિરાવળ સ્થિત હિન્દુઓના સ્મશાનભૂમિમાં લવાયું હતું. સંપૂર્ણ વિધિવિધાન સાથે મૃતકને અગ્નિદાહ અપાયો હતો.

ભૂમિદાહની પરંપરા સમાજ જાળવી રાખે તેવી શક્યતા
પરિસ્થિતિને અનુરૂપ દરેક સમાજમાં બદલાવ જરૂરી છે. પારસી સમાજમાં પણ તેની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે. જોકે સમાજના રીતરિવાજ મુજબ જે અગ્નિને પવિત્ર માનવામાં આવે છે તેના ઉપર શરીરને દાહ અપાય નહીં. તે માટે ભૂમિદાહ પણ એક વિકલ્પ છે. જોકે હાલ ભૂમિદાહ આપીને આગામી દિવસોમાં પરંપરા જળવાય તેવી શક્યતા છે. જોકે આ એક પરિવર્તનના બીજ પણ હોઈ શકે છે. - કેરસી દેબુ, પારસી અગ્રણી