10 October 2018

વિજલપોરમાં જૂનમાં પકડાયેલો બોગસ ડૉક્ટર ફરી પ્રેકટિસ કરતાં પકડાયો


છેલ્લાં ચાર મહિનામાં પોલીસનાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે વિજલપોર શહેરમાં બોગસ ડોક્ટરનો પાંચમો કેસ કર્યો છે. જેમાં એક તો માત્ર 4 મહિનામાં બીજી વખત સોમવારે પકડાઇ ગયો હતો.

સમગ્ર નવસારી જિલ્લામાં બોગસ તબીબો (ઉંટવૈદો) માટે અહીંનું વિજલપોર શહેર આદર્શ જગ્યા હોવાનું ફલિત થયું છે. ભૂતકાળમાં પણ વિજલપોરમાંથી અનેક પોલીસ તથા આરોગ્ય વિભાગે પકડ્યા છે. માત્ર છેલ્લાં ચાર જ મહિનામાં વિજલપોરમાં બોગસ તબીબ પકડાવાનાં પાંચ કેસ થયાં છે. અવાર નવાર કેસ થવા છતાં સમયાંતરે વધુને વધુ બોગસ તબીબો વિજલપોરમાંથી પકડાઇ જ રહ્યાં છે.

સોમવારે વધુ એક ઉંટવૈદ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ અટક કરવામાં આવી હતી. નવસારી જિલ્લા પોલીસનાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ને વિજલપોર પોલીસ ચોકીની સામે શિવમ ક્લીનીક નામે બોગસ દવાખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીનાં આધારે એસઓજીએ વિજલપોરનાં અર્બન હેલ્થ ઓફિસર ડો.રાહુલ પટેલની સાથે ચેકિંગ કર્યુ હતું. ચેકીંગ દરમિયાન ત્યાં શંકર કાનાઇ વિશ્વાસ નામનો મૂળત: બંગાળી શખ્શ તબીબી પ્રેક્ટીશ કરતો જણાયો હતો. તેની પાસે ગુજરાત મેડીકલ કાઉન્સીલનાં રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર કે પ્રમાણીત ડીગ્રી મળી આવેલ ન હતું છતાં તે ડોક્ટર તરીકેની પ્રેક્ટીશ કરતો જણાયો હતો. જેથી તેની પાસેથી ડોક્ટરી પ્રેક્ટીશના સાધનો,દવાઓ મળી કુલ 75150 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ બોગસ ડોક્ટર વિરૂદ્ધ ડો.રાહુલ પટેલે વિજલપોર પોલીસ મથકમાં ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશ એક્ટ 1963 ની કલમ 30,35 મુજબ ફરિયાદ આપી હતી. ઝડપાયેલ શંકર કાનાઇ વિશ્વાસ આજથી ચાર મહિના અગાઉ તા.12.7.2018 નાં રોજ પણ ગેરકાયદે તબીબી પ્રેક્ટીશનાં ગુનામાં પકડાયો હતો. અગાઉ પકડાયા બાદ પૂન: આ બોગસ ડોક્ટરે પ્રેક્ટીશ શરૂ કરી દીધી હતી.

વિજલપોરમાં જ અને બંગાળી જ કેમ?
બોગસ તબીબો નવસારી જિલ્લામાં જ છેલ્લાં કેટલાક વર્ષોમાં પકડાયા છે. તેમાનાં મહત્તમ વિજલપોરમાંથી જ પકડાયા છે. વિજલપોરમાં મૂળત: પરપ્રાંતી, શ્રમિકોની વસ્તી વધુ છે ત્યારે ત્યાં આ ઉંટવૈદોને પ્રેક્ટીશ કરવાનું અનુકૂળ રહે છે. બીજું કે મહત્તમ પકડાયેલાઓ મૂળત: બંગાળી જ હોવાનું પણ બહાર આવ્યું છે. બંગાળી જ વધુ કેમ છે એ એક સંશોધનનો વિષય છે.

કાયદો કડક બનાવવો જોઇએ
ખરેખર તો એક વખત પકડાયા પછી બીજી વખત પ્રેક્ટીશ કરવી જ ન જોઇએ આજીવન પ્રેક્ટીશ ન કરાઇ એવી સજા હોવી જોઇએ. આરોગ્ય સાથે ચેડાં કરે તે ન જ ચાલે. કાયદો કડક બનાવવો જોઇએ. આ વાત હું આગળ અમારી અમદાવાદની બ્રાંચમાં પણ પહોંચાડીશ. - ડો. તરૂણ વાઘેલા, પ્રમુખ નવસારી મેડીકલ એસોસીએશન

છેલ્લાં ચાર મહિનાના કેસો
12.6.2018 - શંકરદાસ વિષ્ણુપદ દાસ
12.6.2018 - શંકર કાનાઇ વિશ્વાસ
27.7.2018 - સરકાર શ્યામોલ નોલીન
6.9.2018 -  દેવવ્રત કનઇ દાસ
8.10.2018 - શંકર કાનાઇ વિશ્વાસ