11 October 2018

નવસારીના કબિલપોરની ગ્રામસભા ફારસરૂપ બની ગઈ


નવસારી તાલુકાના કબીલપોર ગામે મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મજયંતી અંતર્ગત આજે પંચાયત ભવન ખાતે ગ્રામસભા મળી હતી. જેમાં હાજર રહેલા ગણ્યાગાંઠયા લોકોએ ગ્રામ પંચાયતના શાસકોનાં માથે પસ્તાળ પાડી હતી. સરપંચ, ઉપસરપંચ સહિત માત્ર પાંચેક સભ્યો જ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૪મા નાણાપંચ તરફથી ગત્ વર્ષે કબીલપોર ગામના વિકાસ માટે માતબર રકમની ગ્રાંટ મળી હતી. માતબર રકમમાંથી ગામડાના વિકાસ માટે અનેક પ્રકારના પ્રોજેક્ટ હાથ ધરી શકાય તેમ હોવા છતાં ગ્રામ પંચાયતના હાલના શાસકોએ રૃપિયા ૫૦ લાખથી વધુની કિંમતનાં બ્લોકપેવર ગામમાં લગાવીને ગામનો વિકાસ કર્યો હોવાનો સંતોષ માન્યો હતોે.

પ્રાપ્ત માહિતી અનુસાર પંચાયતના શાસકોએ બ્લોકપેવિંગના કામ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને બારોબાર કામ આપી દેતા અનેક ગ્રામજનો નારાજ છે. કબીલપોરમાં ઠેર ઠેર બ્લોકપેવિંગ કરી દેતા ગામમાં સૌથી મોટો પ્રશ્ન વોટર હાર્વેસ્ટિંગનો ઉદ્દભવ્યો છે. વરસાદનું પાણી જમીનમાં ન ઉતરતા ભૂગર્ભ જળના તળ નીચે જતા રહ્યા છે. હજુ તો ચોમાસાએ વિદાય લીધી છે ત્યાં જ ગામમાં ઠેરઠેર પાણીની સમસ્યા ઉદ્દભવી રહી છે.

કબીલપોર ગામને હાલના શાસકોએ ગ્રીન કબીલપોર બનાવવાની માટે ઉપાડે જાહેરાત કરી હતી અને પાંચ વૃક્ષો વાવી એનો ઉછેર કરવાનું વચન આપ્યું હતું. પરંતુ વાસ્તવમાં આજે કબીલપોરમાં કોઇ જગ્યાએ સમ ખાવા પૂરતું એક પણ વૃક્ષનું ગ્રામ પંચાયત દ્વારા જતન કરવામાં આવ્યું નથી.

સરપંચ મૂકપ્રેક્ષક બની બેસી રહ્યા
ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓનો જવાબ કે ખુલાસો ઉપસરપંચ મુકેશ અગ્રવાલ આપી રહ્યા હતા. જ્યારે વરસોથી સરપંચ તરીકે કબીલપોર ગામમાં સારી એવી લોકપ્રિયતા ધરાવતા છનાભાઇ જોગી તેમની ખુરશીમાં મૌન બેસી રહ્યા હતા અને ગ્રામસભામાં ચાલી રહેલી ચર્ચાઓ મૂકપ્રેક્ષક તરીકે સાંભળી રહ્યા હતા. પાંખી હાજરનું મુખ્ય કારણ એ હતું કે શાસકોએ ગ્રામસભા યોજાવા અંગે લોકોમાં પ્રચાર જ કર્યો ન હતો.

ગેરકાયદે દબાણોની મોટી સમસ્યા
કબીલપોર ગામના અનેક સમસ્યાઓ સાથે એક સમસ્યા જાહેર માર્ગો ઉપર અડચણરૃપ ગેરકાયદે લારી-ગલ્લાનાં દબાણોની પણ છે. થોડા સમય પહેલાં જ કબીલપોરમાં આવેલી કેસરપાર્ક સોસાયટીના રહીશોએ ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રીને સોસાયટીથી ગ્રીડ, નવસારી તરફ જવાના માર્ગ ઉપર આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની માંગ કરી હતી.