13 October 2018

દશેરા ટેકરી વિસ્તારમાં અપૂરતા દબાણે પાણીનો કકળાટ


નવસારી નગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની વિદાય સાથે જ પાણીની અછતની સમસ્યા શરુ થઇ ગઇ છે. નવસારીને જ્યાંથી પાણી પુરું પાડવામાં આવે છે તે દુધિયા તળાવમાં નહેરનું પાણી આવે છે. આ વર્ષે ઉકાઇ ડેમમાં પૂરતું પાણી ન હોવાથી નહેરનાં પાણીનાં રોટેશનનો ગાળો લંબાવી દેતા દુધિયા તળાવમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો રહેશે નહી. આ સંજોગોમાં નવસારી પાલિકા દ્વારા હાલનાં દિવસમાં માત્ર એક જ વખત પાણી આપવામાં આવી રહ્યું છે. એમાંયે કેટલાક વિસ્તારોમાં પાણી ઓછા પ્રેશરથી આવે છે. તો કેટલાક વિસ્તારોમાં પાણી આપવાનો સમય એટલો ઓક્વર્ડ છે કે લોકોને ઉજાગરા કરવાની નોબત આવી છે.

નવસારીનાં વોર્ડ ૧૧ માં આવેલા દશેરા ટેકરી વિસ્તારની વાત કરીએ તો આજે કુમાર છાત્રાલયની પાછળનાં વિસ્તારમાં લોકોને વહેલી સવારે ૫.૪૫ કલાકે સરસ્વતી મંદિર પાસે પાણી ભરવા જવું પડે છે. દશેરા ટેકરી વિસ્તારમાં ઘણા લાંબા સમયથી લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દશેરા ટેકરીના પચ્ચીસ ગાળા, હોળી ફળિયા, સરસ્વતી મંદિરની પાછળનો વિસ્તાર વગેરેમાં કાયમ જ પાણી આપવાનો સમય લોકોને અનુકુળ નથી. દશેરા ટેકરીનાં કેટલાંક વિસ્તારોમાં એટલું વહેલું પાણી આપવામાં આવે છે કે લોકોને ઉજાગરા કરવા પડે છે. અને જે લોકો સવારની મીઠી નિંદર માણતા રહે છે તેઓને પાણીથી વંચિત રહેવાની નોબત આવે છે.

દશેરા ટેકરીનાં વિવિધ વિસ્તારોમાં જુદા જુદા સમયે પાણીનો પૂરવઠો અપાય છે. સરકારી અનાજનાં ગોડાઉન સામેનાં વિસ્તારમાં સવારે ૧૦ થી ૧૧ દરમિયાન પાણી અપાય છે. પચ્ચીસ ગાળા મિશ્ર શાળા નં. ૧૦ સામેનાં વિસ્તારમાં સવારે ૧૦.૧૫ થી ૧૧ દરમિયાન માત્ર ૪૫ મિનિટ માટે જ પાણી અપાય છે. સરસ્વતી મંદિરથી ગણેશ ચોક સુધીનાં વિસ્તારમાં સવારે ૫ વાગ્યાથી ૧૧ સુધી પાણીનો પૂરવઠો અપાય છે. તળાવ ફળિયા વિસ્તારમાં સવારે ૧૦.૩૦ થી ૧૧.૧૫ સુધી રેલ રાહત કોલોનીમાં સવારે ૧૦.૧૫ થી ૧૧ સુધી, કુમાર છાત્રાલય વિસ્તારમાં ૧૦ થી ૧૧ સુધી પાણી અપાય છે. આ સંજોગો ઘણાં લોકો ગેરકાયદે મોટરો લે છે. જેથી તે વિસ્તારોમાં અન્ય લોકોને લો પ્રેસરથી પાણી મળે છે. અમુક વખતે કુમાર છાત્રાલયની પાછળનાં વિસ્તારમાં પાણી આવતું નથી તો આ વિસ્તારમાં હોળી ફળિયાના પંપ હાઉસમાંથી પાણી આપવામાં આવે તો લોકોને સમયસર પૂરતા પ્રેશરથી પાણી મળી શકે તેમ છે.

આ બાબતે પાલિકાનાં ઇજનેર રાજુભાઇ ગુપ્તાને પૂછતા જણાવ્યું હતું કે દુધિયા તળાવમાં નહેરનું પાણી હાલમાં પૂરતાં પ્રમાણમાં મળવાનું ન હોય શહેરમાં માત્ર એક જ વખત પાણીનો પૂરવઠો આપીએ છીએ. આ સંજોગોમાં જે તે વિસ્તારમાંથી ફરિયાદો આવે તે સ્વાભાવિક છે. જો કે અમારી પાસે વિકલ્પો મર્યાદિત હોવા છતાં જે વિસ્તારની ફરિયાદ આવશે ત્યાંની ફરિયાદનું નિરાકરણ કરવાના પ્રયત્નો કરીશું.