15 October 2018

કબીલપોરમાં સ્વચ્છતાના અભાવે મુતરડી ‘નર્કાગાર’


નવસારીને અડીને આવેલ કબીલપોર ગ્રામપંચાયતને હાલમાં કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાન હેઠળ જાહેર શૌચાલય બનાવવા માટે ગ્રાંટ મળી હતી. જેનાથી ગ્રીડ પ્રવેશદ્વારની બાજુમાં બે સાર્વજનિક મુતરડી બનાવવામાં આવ્યા પણ દોઢ માસ થયા આ બાથરૂમનાં ઉપયોગ વિનામૂલ્યે લોકો ઉપયોગ કરી શકે તે માટે પાણીની સુવિધા અને સ્વચ્છતા માટે સફાઇ કર્મી ન રાખતા આજે આ સાર્વજનિક મુતરડી લોકો માટે સ્વચ્છતાના અભાવે નર્કાગાર બની રહી છે. અહીંથી પસાર થતા લોકો નાક ઉપર રૂમાલ દબાવીને પસાર થવા મજબૂર થઇ રહ્યાં છે.

કબીલપોર ગ્રામ પંચાયતને સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે સારા કાર્ય કરવા ગ્રાંટ મળી હતી. પ્રાપ્ત વિગત મુજબ દોઢ માસ પહેલા ગ્રીડ પાસે આવેલ નવસારીનાં પ્રવેશદ્વારની બાજુમાં જ સાર્વજનિક મુતરડી બનાવવામાં આવી હતી. જેન્ટ્સ અને લેડીઝ માટે અલગ અલગ મુતરડી બનાવવામાં આવી હતી.

લોકો જાહેરમાં ગંદકી ન કરે તે માટે ગ્રામપંચાયત કબીલપોર દ્વારા આવા કામને લોકોએ વખાણ્યું. ઉદઘાટન થતું લોકોએ વાહવાહી કરી હતી. આજે બંને જાહેર મુતરડીમાંથી પાણીનો ઉપયોગ ન થવાને કારણે ગંદી વાસ આવી રહી છે.

ગ્રામ પંચાયત શાસકોએ આ બંને સાર્વજનિક મુતરડી બનાવી પણ તેનાં ઉપયોગ માટે ગટરનું કનેકશન લઇ લીધું પણ ઉપયોગ બાદ પાણી નાંખવા માટે એક પ્લાસ્ટીકનું ડ્રમ બહાર મુકવામાં આવ્યું હતું. પરંતુ પાણીનો ડ્રમ ભરવા કે પછી સાફસફાઇ કરવા માટે સફાઇકર્મીની નિમણૂંક ન થતાં આજે આ બંને જાહેર પબ્લિક સ્થળો બહારથી દેખાય સારા પણ અંદરથી જુઓ તો ગંદકી અને વાસ બહાર સુધી ફેલાઇ રહી છે. ઉપરાંત બારણું પણ કોઇએ તોડી નાંખ્યું છે. બારણું ખોલો તો ગંદી વાસથી જનતાનું સ્વાગત થાય તેવી નર્કાગાર હાલત થઇ છે.