20 October 2018

નવસારીમાં સ્પેશ ટેકનોલોજી વિશે લાઈવ કાર્યક્રમ


અવકાશમાં રહેલા ગ્રહો ઉપર માનવજીવન સંભવિત છે કે કેમ ω તેના સંશોધન માટે વિશ્વના દેશો પોતપોતાની રીતે શોધખોળ કરી રહ્યા છે. ચંદ્ર હોય કે મંગળ હોય ત્યાં સુધી પહોંચવા માટે અવકાશ ક્ષેત્ર તરફ હવે લોકોનો ઝુકાવ વધી રહ્યો છે. નવસારીના યુવાને આ ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે અને અવકાશ ક્ષેત્રમાં યુવાનો કારકિર્દી ઘડી શકે તે માટે લોકજાગૃતિ કેળવવા પ્રયત્નશીલ થયો છે એ છે નવસારીનો અનાવિલ યુવાન કૃણાલ નાયક. તેણે સ્પેશ અવેરનેસ પ્રોગ્રામ વિશે વિશિષ્ટ માહિતી મેળવી સ્નાતક વૈજ્ઞાનિક બનવાની સિદ્ધિ મેળવી છે.

નવસારીની કોન્વેન્ટ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ બાદ એ.બી. સ્કૂલમાં માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ મેળવનાર કૃણાલ નાયક ચેન્નાઈ હિન્દુસ્તાન યુનિવર્સિટીમાં એરોસ્પેશ વિષયમાં બી.ટેક.ની પદવી મેળવી ચૂક્યા છે. 2016માં આ પદવી મળ્યા બાદ તેણે 2017થી 2018 સુધી એમ.એસસીનો એક વર્ષનો અભ્યાસ કરી સ્પેશ સ્ટડીઝ કોર્સ પૂર્ણ કર્યો હતો. 40 વિદ્યાર્થીઓમાંથી 2 વર્ષના થીસીસ માટે 2 વિદ્યાર્થીઓ પૈકી કૃણાલ નાયકની પસંદગી થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે એરો સ્પેશ વિષયમાં સ્ટડી કરીને પણ કારકિર્દીનું ઘડતર કરી શકાય છે. આ ક્ષેત્રમાં કામ કરવાનો આનંદ છે. અન્ય વિદ્યાર્થીઓ પણ સ્પેશ અવેરનેસ પ્રોગ્રામનો ભાગ બને તે જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે જાપાનમાં સ્પેશ રોબોટીક્સ લેબમાં મૂન રોવર રિસર્ચ કર્યું છે અને ચંદ્ર ઉપર પાણી અને ખડક અંગેનું સંશોધન પણ કર્યું છે. આગામી 20મીએ કૃણાલ નાયક બપોરે 3થી 7 કલાક દરમિયાન ‘ધ સ્પેશ ટોક શો’ કરશે. જેમાં મેક્સીકો, ઈટાલી, ફ્રાન્સ, બોલીવિયાના તજજ્ઞો લાઈવ ટોકશોમાં સ્પેશ ટેકનોલોજીથી માહિતગાર કરશે. યુવાનોને આ સ્પેશ ટેકનોલોજી તરફ વાળવા આ લાઈવ ટોક શો માટે કોઈપણ ફી રખાઈ નથી.

લાઈવ ટોક શોમાં આ વિષય ઉપર માહિતી મળશે
નવસારીના કૃણાલ નાયકના એરો સ્પેશ અવેરનેસ પ્રોગ્રામમાં સ્પેશ ટેકનોલોજી વિશે સ્પેશ એન્જિનિયરિંગ, સેટેલાઈટ એપ્લીકેશન્સ, સ્પેશ એન્વીરોમેન્ટ, હ્યુમન પરર્ફોમન્સ ઈન સ્પેશ, સ્પેશ લો એન્ડ પોલિસીઝ તથા ન્યુ સ્પેશ માર્કેટ વિશે માહિતી અપાશે.