21 October 2018

વિરાવળમાં ગેસ લીક થતાં વિકલાંગ યુવક દાઝ્યો, 3 બચ્યા


નવસારીને અડીને આવેલા વિરાવળ ગામે મોડી સાંજે ગેસનો સિલિન્ડર લિકેજ થવાના કારણે લાગેલી આગમાં હળપતિ પરિવારનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે ગેસ લિકેજ થતા જ ગેસની ગંધથી પરિવારના સભ્યો બહાર દોડી ગયા હતા. જ્યારે ઘરના મોભી દિવ્યાંગ હોવાથી તુરંત બહાર નીકળી ન શકતા માંડ તેમણે બારીમાંથી નીકળીને જીવ બચાવ્યો હતો. ગ્રામ્ય પોલીસે આ ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરી છે.

નવસારીને અડીને આવેલા વિરાવળ ગામમાં મોટા હળપતિવાસમાં રહેતા જયેશભાઈ સુમનભાઈ હળપતિ (ઉ.વ. 45) તેમના પતિ અને દીકરા-દીકરી સાથે રહે છે. તેઓ પગથી દિવ્યાંગ છે અને તેઓ કપડાં અસ્ત્રી કરીને પરિવારનું ગુજરાન કરે છે. પરિવારના સભ્યો સાંજે બેઠા હતા અને જયેશભાઈના પત્ની રસોઈ બનાવતા હતા ત્યારે મોડી સાંજે ગેસના સિલિન્ડરમાંથી અચાનક દુર્ગંધ આવવા લાગી હતી. ગેસની ગંધ પરખાઈ જતા જયેશભાઈના પત્નીએ તે અંગે પરિવારના સભ્યોને જાણ કરી હતી.

જોકે ગણતરીની મિનિટમાં જ ગેસ લિકેજ થવાના કારણે ઘરમાં આગ પકડાઈ ગઈ હતી. જેથી પરિવારના સભ્યોએ તરત જ ઘરમાંથી બહાર તરફ દોટ મુકી હતી. એ વખતે દિવ્યાંગ જયેશભાઈ તાત્કાલિક ઘરમાંથી બહાર નીકળી શક્યા ન હતા. જેના કારણે પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરી મુકી હતી. આ સાંભળી ફળિયાના લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. ઘરમાં આગ પકડાઈ જતા લોકોએ આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.

ગેસ કનેકશન બાબતે આ કાળજી અનિવાર્ય
- લીકેજ ખબર પડી જાય તો ઈમરજન્સી સર્વિસ સેન્ટરનો કોલ કરવો.
- સ્થળ ઉપર ગેસનો વપરાશ બંધ થાય તો રેગ્યુલર મારફત બંધ કરી દેવું જોઈએ. ગેસ ચૂલાનું બટન યોગ્ય રીતે બંધ કરવું.
- સુરક્ષા પાઈપ ગેસનું મુખ્ય વાહક હોવાથી બીજી કોઈ નળીનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે તે ઘણી સુરક્ષિત હોય છે.
- રેગ્યુલેટરની પોઝીશન પણ ચેક કરવી.
- ગેસ કનેકશન જે બે વર્ષે થતું હોય તે ચેકિંગ કરાવી લેવું.
- ટેકનિશિયનની સૂચના આધારે સુરક્ષા પાઈપ બદલવું
- ગેસ લિકેજ જણાય તો બારી-બારણા ખોલી નાંખવા, લાઈટનું કોઈપણ ઈન્સ્ટ્રુમેન્ટ ચાલુ ન કરવું.
- ડો. દિનેશભાઈ પટેલ, સંચાલક, ગેસ એજન્સી