23 October 2018

શાંતાદેવી રોડ વિસ્તારમાં 'મેગા' સફાઇ


નવસારી શહેરનાં શાંતાદેવી રોડ ઉપર સોમવારે સ્થાનિક લોકોએ પાલિકાનાં સહકારથી મેગા સફાઇ અભિયાન હાથ ધર્યુ હતું. આ અભિયાનમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઇ હતી.

નવસારીના શાંતાદેવી રોડ ઉપર મૂળત: સૌરાષ્ટ્રવાસીઓ વધુ પ્રમાણમાં રહે છે. આજે સોમવારે અહીંના સ્થાનિક લોકોએ સ્વચ્છતા પરત્વે જાગુરૂક્તા દાખવી મેગા સફાઇ અભિયાન હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. આ અભિયાનને નગરપાલિકાનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. બપોરે અઢી વાગ્યે આ મેગા સફાઇ અભિયાનની શરૂઆત થઇ હતી. જેમાં આ વિસ્તારમાં આવેલી 12-15 થી વધુ રહેણાંક સોસાયટીઓનાં લોકો પણ સામેલ થયા હતાં. ખાસ કરીને મહિલાઓ વધુ પ્રમાણમાં આ અભિયાનમાં જોડાઇ હતી.

સોસાયટીઓના આંતરિક ભાગ, રોડ વિગેરેમાં સ્વચ્છતાની કામગીરી કરાઈ હતી. બપોરથી સાંજ અને મોડી સાંજે પણ કામગીરી જારી રહેનાર હોવાનું પાલિકા ઉપપ્રમુખ અને અશ્વિન કાસુન્દ્રાએ જણાવ્યું હતું. મેગા સફાઈ અભિયાનમાં પાલિકાએ કેટલોક સાફ અને વાહન, સાધનોનો સહયોગ પૂરો પાડયો હતો. સફાઈ કામગીરીમાં પાલિકાના સેનેટરી-આરોગ્ય ઉપરાંત મેલેરિયા, માઈનોર વિભાગે પણ સહયોગ કરી દવાનો છંટકાવ કરાયો હતો. આ કાર્ય ટાણે અશ્વિન કાસુન્દ્રા ઉપરાંત સેનેટરી ચેરમેન હિંમતભાઈ પટેલ, ભગવાનદાસ પાંચોટીયા, ભાનુભાઈ હાજર રહ્યાં હતાં.