24 October 2018

દાંડી નજીક એસટી બસ અડફેટે યુવકનું મોત


ઐતિહાસિક દાંડીની સહેલગાહથી પરત ફરી રહેલા યુવાનની મોપેડને પૂરપાટ ઝડપે ધસી આવેલી એસટી નિગમની નવસારી-દાંડી-નવસારી બસના ચાલકે અડફેટે લેતા મોપેડ ચાલક યુવાનનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે બેઠેલી યુવતીના પગમાં ફ્રેકચર થતા તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જલાલપોર પોલીસે નોંધ લઈ મૃતક યુવાનના પિતાની ફરિયાદને આધારે બસચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઐતિહાસિક દાંડી દરિયાકાંઠે લોકો મોટી સંખ્યામાં સહેલગાહે આવાગમન કરે છે. સ્થાનિક યુવાનો પણ નવસારીથી દાંડી સુધી હરવા ફરવા માટે જતા હોય છે. દરમિયાન નવસારીમાં ગૌરીશંકર મહોલ્લામાં રહેતા દિનેશ સરદારા પણ દાંડીની સહેલગાહે સવારે તેની મોપેડ (નં. જીજે-21-બીએફ-1294) લઈને નીકળ્યો હતો. દાંડી ફરીને તે પરત તેની ફ્રેન્ડ સાથે ઘરે આવી રહ્યો હતો. તે મોપેડ લઈને દાંડીથી આટ જતા રોડ પાસે તળાવ ફળિયા પાસે જ પહોંચ્યો હતો ત્યાં જ બપોરના 1 કલાકની આસપાસ અજાણી ડાબી તરફથી મુખ્ય રોડ ઉપર આવી રહેલી એસટી નિગમની નવસારી-દાંડી-નવસારી બસ (નં. જીજે-18-વાય-8024) દિનેશ માટે કાળમુખી બની હતી. દિનેશની મોપેડને પૂરપાટ ઝડપે ધસી આવેલી બસે અડફેટે લઈ લીધી હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા જ ઘટનાસ્થળે લોકટોળુ એકત્ર થઈ ગયું હતું. અકસ્માતમાં દિનેશને ગંભીર ઈજા પહોંચી હતી. તેની સાથે મોપેડ ઉપર પાછળ બેઠેલી તેની મિત્રને પણ પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જોકે દિનેશનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની મિત્રને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

એરૂથી દાંડીરોડ ઉપર સતત અકસ્માતનો વણઝાર
દાંડી નજીક જ્યાં ઘટના ઘટી તેનાથી 50 મીટર અંતરે વર્ષ 2016મા સામાપોરના યુવાનનું કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્મતામાં મોત થયું હતું. એ ઉપરાંત 2016માં જ આનંદચૌદશના દિવસે મટવાડ ગામની મહિલાનું બે બાઈક વચ્ચે થયેલા આકસ્માતમાં મોત થયું હતું. વધુમાં અર્ટીંગા ગાડી પલટી જતા હાલના ઘટનાસ્થળથી 100 મીટર અંતરે જ સુરતની યુવતીનું મોત થયું હતું અને પાંચ જેટલા ઘાયલ થયા હતા. ઓગસ્ટ 2015માં મટવાડના જાંબુડી બસસ્ટેન્ડ પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર મટવાડના બે શખ્સના મોત થયા હતા ત્યારે કાંઠાના યુવાનોએ એરૂ ચાર રસ્તા પાસે પોલીસને સાથે રાખી ફુલ અને ટ્રાફિક નિયમન માટેની પત્રિકા આપી વાહનચાલકોને સલામતી માટે આહવાન કર્યું હતું, છતાં એરૂથી દાંડી સુધીમાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહ્યા છે.