26 October 2018

મંદીની અસર, ઘારીના ભાવ નથી વધ્યા છતાં ઘરાકી ઘટી


ચંદની પડવા નિમિત્તે નવસારીમાં ઘારીના ભાવમાં મહદઅંશે ખાસ વધારો ન કરાયા છતાં ઘરાકીમાં ગત વર્ષ કરતા સાધારણ ઘટાડો થયાનું જણાયું હતું. 25મીએ ચંદની પડવાનો પર્વ હતો. આ દિવસે નવસારી પંથકમાં પણ 'ઘારી' ખાવાનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. નવસારી શહેરમાં મોટાભાગના મીઠાઈના, ડેરી પ્રોડકટ વેચનારાઓ તો ઘારીનું વેચાણ કરે છે પરંતુ નવસારીના લુન્સીકૂઈ મેદાનને અડીને પાલિકા જગ્યા ફાળવતા અહીં પણ ઘારી-ભૂંસાના વેચાણ માટે અનેક સ્ટોલો આજે શુક્રવારે પણ લાગ્યા હતા. ચંદની પડવાના દિવસે સવારથી સાંજે 5 વાગ્યા સુધી તો ઘારીનું વેચાણ ધીમી ગતિએ જ ચાલ્યું હતું પરંતુ 5 વાગ્યા બાદ થોડી ગતિ પકડી હતી. અન્ય વેપારી સ્વીટસાગરવાળા વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું કે અમે ઘારીના ભાવ વધાર્યા નથી, જોકે વેચાણમાં સાધારણ ઘટાડો થયો છે. મંદીની અસર ઘારીના વેચાણ ઉપર જોવા મળી રહી છે.

પ્રખ્યાત નામનો ખોટો ઉપયોગ
નવસારીના કેટલાક મીઠાઈ, ડેરીવાળાના નામો જાણીતા છે. આ નામ થકી ગ્રાહક ખેંચાઈ છે. આ જાણીતા 'નામો'નો કેટલાક નાના વેપારીઓ દુરુપયોગ કરી રહ્યાની ફરિયાદ બહાર આવી છે. ડેરીના વેપારી નિરંજન બારોટે જણાવ્યું કે પ્રખ્યાત ડેરીવાળાની પ્રોડકટના નામનો પોતાના ધંધા માટે કેટલાક દુરૂપયોગ કરી રહ્યા છે. તેની સામે પગલાં લેવાવા જોઈએ.

લોકો ઘારી તો ખરીદે છે પણ ઓછી
ચંદની પડવાનો તહેવાર આમ તો મોટાભાગના લોકો 'ઘારી' ખાઈને ઉજવે તો છે જ પરંતુ ખરીદીમાં કાપ મુકે છે. વેપારી વિષ્ણુભાઈ પટેલ જણાવે છે કે, મંદી યા ખરીદશક્તિ ઘટવાના કારણે કિલો ઘારી લેતા તે 750 ગ્રામ ખરીદે છે અને 500 ગ્રામ અગાઉ ખરીદતા તે 300થી 400 ગ્રામ જ ખરીદી કરે છે. નવસારીના ઘણાં લોકો હવે સુરતથી ઘારી ખરીદતા હોઈ નવસારીના માર્કેટને ફટકો પડ્યો છે.

2005 બાદ ઘરાકી ઘટી
નવસારીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઘારીની ઘરાકી ઘટી છે. એક ઘારીના વેપારીએ જણાવ્યું કે 2005 અગાઉ ઘારીની ઘરાકી ઘણી હતી. આ સમયે હીરાવાળાઓ વધુ ઘારી લઈ જતા હતા પરંતુ નવસારીમાં આવેલી મંદીની અસર ઘારી ઉપર પણ જણાઈ છે.

લોકોની ખરીદ શક્તિ ઘટી છે
ચાલુ સાલ ડ્રાયફ્રૂટના ભાવમાં વધારો થયો હોવા છતાં ભાવમાં વધારો કર્યો ન હતો. જોકે વેચાણ વધ્યું ન હતું. ગત વર્ષ જેટલું જ રહ્યું હતું. ચાલુ સાલે પણ કિલોના માવા ઘારીના રૂ. 520, પિસ્તાના રૂ. 640 અને કેસરના રૂ. 760 રાખ્યા હતા. લોકોની ખરીદશક્તિ ઘટી છે.'  નિરંજન બારોટ, ડેરી સંચાલક અને ઘારી વિક્રેતા