27 October 2018

નવસારી, વલસાડ અને સુરતમાં ચોરી કરનાર 4 આરોપી ઝડપાયા


નવસારી જિલ્લા, વલસાડ તથા સુરત જિલ્લામાં ઠેકઠેકાણેથી ઘરફોડ ચોરી કરનારા 4 ઈસમોને નવસારી એસઓજીએ મળેલી બાતમીના આધારે વિજલપોરના શિવાજી ચોક પાસેથી પસાર થતી વેળાએ ઝડપી પાડ્યા હતા. આ 4 આરોપીઓ ચોરી કરવા ટવેરા, બાઈક, તાંબા-પિત્તળના વાસણો, લોખંડની પરાઈ મળી કુલ રૂ. 7.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નવસારી એસઓજી પોલિસને બાતમી મળી હતી કે નવસારી-વલસાડ તથા સુરત જિલ્લામાં ઘરફોડ ચોરી કરનારી ગેંગના 4 ઈસમો વિજલપોર ખાતેથી પસાર થનાર છે. એસઓજીની ટીમે શિવાજી ચોક વિજલપોર પાસેથી 4 યુવાનોને શંકાને આધારે ઝડપી પાડયા હતા. તેમની પૂછતાછ કરતા તેમણે વિવિધ સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે બીલીમોરા ઉપરાંત ચીખલી પોલીસ મથકે બે ગુના, વલસાડ ગ્રામ્ય પોલીસમાં મળી કુલ 4 ઘરફોડી ચોરીના કેસ ઉકેલાયા હતા. પોલીસે આ ઘરફોડ ચોરી કેસમાં આરોપી સંદીપ પટેલ, હિતેજ હળપતિ, અજય ઉર્ફે ચાંગલે જગતાપ અને પ્રહલાદ ઉર્ફે પહેલાજ દંતાણીની અટક કરી હતી.

પોલીસે વધુ પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે ચોરી કરવા જવા આવવા રૂ. 5 લાખની કિંમતની ટવેરા (નં. જીજે-21-એક્યુ-9437) તથા બાઈક (નં. જીજે-15-બીએ-9984) કિંમત રૂ. 50 હજાર ઉપયોગમાં લીધી હતી. વધુમાં તેમની પાસેથી મોબાઈલ, તાંબા પિત્તળના વાસણ, લોખંડની પરાઈ તથા ચોરીના મુદ્દામાલમાંથી ખરીદેલી નવી ઓટો રિક્ષા કિંમત રૂ. 1.70 લાખ, સોના-ચાંદીના દાગીના કિંમત રૂ. 22,647, રોકડા રૂ. 2090 મળી કુલ રૂ. 7.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ઉપરાંત 4 આરોપીઓએ મહુવા તાલુકાના ફુલવાડી ગામે, જલાલપોરના મટવાડ આવડા ફળિયા ખાતે પણ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આ કેસમાં અન્ય 4 આરોપીને પણ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ચોરી માટે ટવેરામાં જતા, ચોરીના દાગીના ઉપર લોન મેળવી
આરોપીઓ બીલીમોરામાં 1, ચીખલીમાં 2, વલસાડમાં 1, સુરત રૂરલમાં 1, જલાલપોરમાં 1 મળી કુલ 6 ગુના ચોરીના નોંધાયા છે. ચોરી કરવા 5 લાખની ટવેરામાં જતા હતા અને રિક્ષા ખરીદી તેનો ઉપયોગ કરતા હતા. ચોરીના દાગીના ઉપર ગોલ્ડ લોન પણ લીધી હોવાની વિગતો મળી હતી. ચોરેલી સોનાની બુટ્ટી ચંપલના તળિયે મુકીને પોલીસને ચકમો આપવામાં એક વાર સફળ રહ્યા હતા.